Narmada Control Authority Meeting: નવી દિલ્હી ખાતે નર્મદા કંટ્રોલ ઓથોરિટીની સમીક્ષા સમિતિ (RCNCA)ની 15મી બેઠક યોજાઈ ગઈ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આયોજિત આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રત્યક્ષ હાજરી આપી હતી. જ્યારે નર્મદા યોજનાના સહભાગી રાજ્યો—મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના મુખ્યમંત્રીશ્રીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં જોડાયા હતા.
દાયકાઓ જૂના પડતર પ્રશ્નોના નિરાકરણ તરફ મહત્વનું કદમ
આ બેઠકમાં અગાઉ જુલાઈ-26ના રોજ યોજાયેલી બેઠકમાં તૈયાર કરાયેલા ‘મેમોરેન્ડમ ઓફ એગ્રીમન્ટ’ (MoA)ને ચારેય સહભાગી રાજ્યો દ્વારા સર્વાનુમતે અનુમોદન આપવામાં આવ્યું હતું. આ નિર્ણય સાથે જ નર્મદા યોજના સાથે સંકળાયેલા દાયકાઓ જૂના પ્રશ્નોના ઉકેલ માટે પરસ્પર સમજણ, સહમતી અને સંકલનનો એક નવો અધ્યાય શરૂ થયો છે.
સહકારી સંઘવાદની ભાવનાને મળ્યું નવું બળ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ દેશમાં 'સહકારી સંઘવાદ' (Cooperative Federalism)ની ભાવના વધુ મજબૂત બની છે. કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્યો વચ્ચેના આંતરિક સંકલનથી જટિલ પ્રશ્નો પણ શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકાય છે, તે આ બેઠકની સફળતાએ સાબિત કરી બતાવ્યું છે. ભવિષ્યમાં પણ નર્મદા સંબંધિત બાકી રહેલા તમામ મુદ્દાઓને સંવાદ અને સહયોગથી ઉકેલવા માટેનો સકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો છે.
ચાર રાજ્યોના ખેડૂતો અને જનતા માટે જીવનરેખા
નર્મદા યોજના માત્ર એક જળસંપત્તિ પ્રોજેક્ટ નથી, પરંતુ ગુજરાત સહિત મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ખેડૂતોની સમૃદ્ધિ, પ્રાદેશિક વિકાસ અને જનકલ્યાણની ખરેખરી જીવનરેખા છે. નર્મદાના જળનો મહત્તમ ઉપયોગ દેશ અને જનતાના હિતમાં થાય તેમજ રાજ્યો વચ્ચે સમૂહ-ભાવના વધે તે દિશામાં આ બેઠક નિર્ણાયક સાબિત થશે.
ઉચ્ચ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ
આ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસ વિડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે તેમજ રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ મુખ્યમંત્રી સાથે દિલ્હી ખાતે આ બેઠકમાં સહભાગી બન્યા હતા.
