સરદાર પટેલ જન્મજયંતી 2026: ગાંધીનગરમાં ભવ્ય એકતા યાત્રા અને લોકડાયરો, જાણો કાર્યક્રમની સંપૂર્ણ વિગતો

સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે 31 ઓક્ટોબરે ગાંધીનગરમાં ભવ્ય એકતા યાત્રા અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જાણો સમગ્ર માહિતી

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 30 Oct 2026 11:54 AM (IST)Updated: Fri, 30 Oct 2026 11:54 AM (IST)
sardar-patel-jayanti-2026-gandhinagar-ekta-yatra-lok-dayro

Sardar Patel Jayanti 2026: અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે પાટનગર ગાંધીનગર ખાતે વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સરદાર પટેલના રાષ્ટ્રપ્રેમ, એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાના સંદેશને લોકો સુધી પહોંચાડવાના આશયથી શનિવારે, 31 ઓક્ટોબરના રોજ એકતા યાત્રા અને સાંસ્કૃત્તિક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગરમાં યોજાશે એકતાયાત્રા

સરદાર પટેલ જન્મજયંતિની ઉજવણીના ભાગરુપે સવારે 6 વાગ્યેથી સેક્ટર 12 સ્થિત શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ખાતેથી એકતાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે, આ વિશેષ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર થઈને સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે સંપન્ન થશે. આ યાત્રામાં જોડાનારા તમામ શહેરીજનો અને સામાજિક સંસ્થાના અગ્રણીઓને સફેદ વસ્ત્રો પરિધાન કરીને આવવા અપીલ કરવામાં આવી છે. દેશની આઝાદી બાદ રજવાડાંઓનું એકીકરણ કરી અખંડ ભારતનું નિર્માણ કરનાર સરદાર સાહેબના ઐતિહાસિક યોગદાન અને રાષ્ટ્રનિર્માણના વિચારોથી નવી પેઢીને માહિતગાર કરવાનો આ મુખ્ય હેતુ છે.

કુડાસણ ખાતે લોકડાયરાનું આયોજન

એકતાયાત્રા બાદ શનિવારની રાત્રે 8 વાગ્યે ગાંધીનગરના કુડાસણ સ્થિત કાનમ પાર્ટી પ્લોટ ખાતે એક ભવ્ય લોકડાયરો યોજવામાં આવનાર છે. લોકસંસ્કૃતિ અને ગાયકીના માધ્યમથી સરદાર સાહેબના એકતા અને સમરસતાના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ આયોજન 'સરદાર સાહેબ જન્મજયંતી ઉજવણી સમિતિ, ગાંધીનગર' અને 'શ્રી કષ્ટભંજનદેવ પરિવાર, ગાંધીનગર' દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. આ બંને કાર્યક્રમોમાં ગાંધીનગર તેમજ આસપાસના વિસ્તારોના નાગરિકો, યુવાનો, મહિલાઓ, સામાજિક અને સેવાભાવી સંસ્થાઓના આગેવાનોને મોટી સંખ્યામાં હાજર રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.