Rupal Palli Melo 2026 Updates: ગાંધીનગરના રુપાલમાં આજે શારદીય નવરાત્રીની આસો સુદ નવમીની મધ્યરાત્રીએ મા વરદાયિનીની રૂપાલ પલ્લીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 19 ઓક્ટોબર 2026ના રોજ સાંજે 6 વાગ્યાથી ભક્તો રૂપાલની પલ્લીમાં ભાગ લેવા માટે પહોંચવાની શરૂઆત કરશે. રાત્રે 12 વાગ્યે માતાજીની પલ્લી નીકળશે. જેમાં ભક્તો દ્વારા માતાજીના રથ પર શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવશે. ભાવિક ભક્તો માટે 19 ઓક્ટોબર 2026ના રોજ સાંજે 6 વાગ્યાથી લઈને બીજા દિવસની સવારના 6 વાગ્યા સુધી નિઃશુલ્ક ભોજન-પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ દરમિયાન રુપાલના માર્ગોમાં જાણે કે ઘીની નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળે છે. આ માટે મંદિર અને વહિવટી તંત્ર દ્વારા સઘન તૈયારીઓ કરવામાં આવી છે.
રૂપાલની ઐતિહાસિક પલ્લીનું ધાર્મિક મહત્વ અને માન્યતાઓ
રૂપાલ પલ્લી એ દર વર્ષે શારદીય નવરાત્રીની નોમની મધ્યરાત્રિએ નીકળતી મા વરદાયિનીની એક ભવ્ય અને પ્રાચીન પરંપરા છે. આ યાત્રામાં લાખો ભક્તો જોડાય છે અને માતાજીની પલ્લી (રથ) પર લાખો મણ શુદ્ધ ઘીનો અભિષેક કરીને ધન્યતા અનુભવે છે. એવી માન્યતા છે કે મા વરદાયિનીના આશીર્વાદથી કૃતાર્થ થયેલા ભાવિકો દર વર્ષે આ પલ્લી યાત્રામાં ઘીનો અભિષેક કરે છે. આ પલ્લી યુગો પર્યંત, મહાભારત કાળથી, દર વર્ષે અચૂક નીકળે છે.
કથા અનુસાર, મહાભારતના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ પાંડવો અને દ્રૌપદીએ માતા વરદાયિનીના દર્શન કર્યા હતા. તેમણે પાંચ જ્યોતવાળી સોનાની પલ્લી બનાવીને માતાની આરાધના કરી હતી અને પંચ બલી યજ્ઞ પણ કર્યો હતો. ત્યારથી આ પરંપરા યુગોથી અવિરત ચાલી આવે છે અને વિશ્વભરના ભક્તો માટે તે અતૂટ આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
એવી પણ માન્યતા છે કે ત્રેતાયુગમાં ભગવાન રામ વનમાં ગયા હતા ત્યારે શૃંગ ઋષિના આદેશથી વરદાયિની માતાએ પ્રસન્ન થઈને રામને એક અમોઘ દિવ્ય બાણ આપ્યું હતું. આ બાણનો ઉપયોગ કરીને રામાયણના અંતિમ યુદ્ધમાં રામે રાવણનો વધ કર્યો હતો, કારણ કે બ્રહ્માજીના વરદાનને કારણે રાવણની નાભિમાં રહેલા અમૃતથી તેનું મસ્તક છેદાયા પછી પણ તેનો વધ શક્ય નહોતો. આ ઉપરાંત, બ્રહ્માજી જગત રચના કરતા સ્મૃતિભ્રંશથી મોહ પામ્યા હતા ત્યારે મા વરદાયિનીએ તેમની વિસ્મૃતિ દૂર કરીને તેમને સ્મૃતિ પ્રદાન કરી હતી.
વળી, પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં જવાની તૈયારીમાં હતા, ત્યારે તેઓ રૌપ્યપુરીમાં મા વરદાયિનીના દર્શને આવ્યા હતા. માતાજીની આજ્ઞાથી તેમણે પોતાના અસ્ત્ર-શસ્ત્ર અને વસ્ત્રો વરખડા (ખીજડા)ના વૃક્ષમાં ગુપ્ત રીતે છુપાવ્યા હતા. માતાજીએ અર્જુનને મહાભારતના યુદ્ધમાં અંતિમ વિજય માટે એક દિવ્ય તીર પણ આપ્યું હતું. વિજય બાદ પાંડવોએ અહીં સોનાની પલ્લી કાઢીને માતાનો આભાર માન્યો હતો.
વરદાયિની માતા મંદિરનો ભવ્ય ઇતિહાસ
ગાંધીનગર જિલ્લાની આગવી ઓળખ સમાન આ ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્વ ધરાવતું વરદાયિની માતાનું પૌરાણિક મંદિર ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામે આવેલું છે. શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાનનું આ પાંડવકાલીન પ્રાચીન મંદિર સિદ્ધરાજ જયસિંહ દ્વારા જીર્ણોદ્ધાર કરીને બનાવવામાં આવ્યું છે. મંદિરનું બાંધકામ સુંદર બંસી પહાડપુરી પથ્થરથી અને સોમપુરા વાસ્તુકલા શૈલીમાં કરવામાં આવ્યું છે, જેમાં આકર્ષક કલાકૌશલ્ય જોવા મળે છે. મંદિર પર સોનાના કળશ અને સોનાના ધ્વજ દંડ પર માતાજીની ધજા અતિ સોહામણી લાગે છે.
સભા મંડપમાં નવદુર્ગાની મૂર્તિઓ અને શિવ પરિવારના દર્શન પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. માતાજીના ગર્ભગૃહમાં શુદ્ધ સુવર્ણથી મઢેલા વિશાળ દરવાજા અને તેની કમાન, તેમજ માતાજીના ગોખમાં રામાયણ અને મહાભારતનો ઇતિહાસ સોનાથી આલેખવામાં આવ્યો છે. અહીં માતા શ્રી વરદાયિનીની શ્વેત આરસની મૂર્તિનો શણગાર, આભૂષણો અને વસ્ત્રોથી સુશોભિત મુખમંડળ અત્યંત મનોહર અને દૈદીપ્યમાન દર્શન આપે છે, જે ભક્તોને ધ્યાનમગ્ન અને આકર્ષિત કરે છે. મંદિરનો સુંદર, આકર્ષક અને વિશાળ સભામંડપ હજારો લોકોને સરળતાથી દર્શન કરી શકે તેવી વ્યવસ્થા સાથે બનાવવામાં આવ્યો છે. ઐતિહાસિક વરદાયિની માતાના મંદિર માટે કહેવાય છે કે તેઓ અહીં નવદુર્ગાના નવ સ્વરૂપો પૈકી દ્વિતીય સ્વરૂપે બ્રહ્મચારિણી હંસવાહીની સ્વરૂપે બિરાજમાન છે.
