Rupal Palli Melo 2026: રૂપાલ પલ્લી મેળો 2026 ક્યારે છે? જાણો તારીખ, સમય, ઘીનો અભિષેક અને સ્થળ

દર વર્ષે શારદીય નવરાત્રીની આસો સુદ નવમીની મધ્યરાત્રીએ મા વરદાયિનીની રૂપાલ પલ્લીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 19 ઓક્ટોબર 2026ના રોજ રાત્રે રુપાલની પલ્લી યોજાશે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના રથ પર શુદ્ધ ઘીનો અભિષેક કરશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 18 Oct 2026 12:27 PM (IST)Updated: Sun, 18 Oct 2026 12:27 PM (IST)
rupal-palli-melo-2026-exact-date-and-timings-ghee-abhishek-location-vardayini-mata-temple-gandhinagar

Rupal Palli Melo 2026 Exact Date and Timings:  મહાભારત અને રામાયણકાળના ભવ્ય ઇતિહાસને જીવંત રાખતા ગાંધીનગરના રૂપાલ ગામે જગતજનની વરદાયિની માતાની વિશ્વપ્રસિદ્ધ પલ્લી આગામી 19 ઓક્ટોબર 2026, સોમવારના રોજ રાત્રે 12 વાગ્યા પછી પરંપરાગત ભક્તિભાવ સાથે નીકળશે. શારદીય નવરાત્રિની આસો સુદ નોમના પાવન અવસરે યોજાતી આ ઐતિહાસિક રથયાત્રામાં દેશ-વિદેશમાંથી ઉમટી પડતા લાખો ભક્તો માતાજીના દિવ્ય રથ પર લાખો મણ શુદ્ધ ઘીનો અભિષેક કરીને ધન્યતા અનુભવશે.

રૂપાલ પલ્લી મેળો શું છે?

રૂપાલ પલ્લી એ દર વર્ષે શારદીય નવરાત્રીની નોમ (આસો સુદ નવમી)ની મધ્યરાત્રીએ નીકળતી જગતજનની મા વરદાયિનીની એક ભવ્ય અને ઐતિહાસિક યાત્રા છે. આ યાત્રામાં લાખો ભક્તો જોડાય છે અને માતાજીની પલ્લી (રથ) પર લાખો મણ શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે. ભાવિક ભક્તો પોતાની શ્રધ્ધા અને માં વરદાયિનીના આશિષથી કૃત પલ્લવીત થયેલા ભાવિક ભક્તો દર વર્ષે પલ્લી યાત્રા માં અભિષેક કરે છે. જ આ યાત્રા અવિરત મહાભારત કાળના યુગો પર્યત વરદાયિની માતાની પલ્લી યાત્રા અચૂક નીકળે જ છે. આ સમયે ગામમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા અદભુત દ્રશ્યો સર્જાય છે.

રૂપાલ પલ્લી 2026 તારીખ અને પલ્લી નીકળવાનો ચોક્કસ સમય (Rupal Palli 2026 Date and Timings)

દર વર્ષે શારદીય નવરાત્રીની આસો સુદ નવમીની મધ્યરાત્રીએ મા વરદાયિનીની રૂપાલ પલ્લીનું આયોજન કરવામાં આવે છે.

  • તારીખ: 19 ઓક્ટોબર 2026, સોમવાર
  • પલ્લી રથ નીકળવાનો સમય: રાત્રે 12:00 વાગ્યા પછી
  • નિઃશુલ્ક ભોજન-પ્રસાદ: 19 ઓકટોબર 2026 ના રોજ સાંજે 6 વાગ્યાથી લઈને બીજા દિવસની સવારના 6 વાગ્યા સુધી

રૂપાલ પલ્લી મેળોનું ધાર્મિક મહત્ત્વ

આ મેળાનું મહત્ત્વ મહાભારતકાળ સાથે જોડાયેલું છે. મહાભારતના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ પાંડવો અને દ્રૌપદીએ માતા વરદાયિનીના દર્શન કરી, પાંચ જ્યોતવાળી સોનાની પલ્લી બનાવીને માતાની આરાધના કરી હતી તથા પંચ બલી યજ્ઞ કર્યો હતો. ત્યારથી આ પરંપરા યુગોથી અવિરત ચાલી આવે છે અને વિશ્વભરના ભક્તો માટે તે અતૂટ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. જગતજનની મા વરદાયિનીના શાસ્ત્રોક્ત પૌરાણિક પુરાવારૂપ મંદિર તરીકે વિશ્વભરના કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ભક્તો પરિવારની સુખ-સમૃદ્ધિ અને સંતાન સુખ માટે અહીં માનતા રાખે છે.

રૂપાલ પલ્લી મેળો ક્યાં યોજાય છે? જાણો સ્થળ અને સરનામું

ગાંધીનગર જિલ્લાની આગવી ઓળખ અને ઐતિહાસિક, ધાર્મિક રીતે મહત્વ ધરાવતા વરદાયિની માતાનું પૌરાણિક મંદિર જે ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામે આવેલું છે‌. શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાન ખાતે પ્રતિ વર્ષ શારદીય નવરાત્રી,આસો શુદ નવમી એટલે કે નવમા નવરાત્રીની મધ્યરાત્રી બાદ વરદાયિની માતાજીની સુપ્રસિધ્ધ પલ્લીનું આયોજન કરવામાં આવે છે.

શ્રી વરદાયિની માતા મંદિર રૂપાલનો ઇતિહાસ

શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાનનું પાંડવકાલીન પ્રાચીન અને પવિત્ર મંદિરને સિદ્ધરાજ જયસિંહ દ્વારા જીર્ણોદ્ધાર કરી ને બનાવવામાં આવ્યું છે. આ મંદિરના બાંધકામની વાત કરવામાં આવે તો તે, સુંદર બંસી પહાડપુરી પથ્થરથી તેમજ સોમપુરા વાસ્તુકલા શૈલી સહિત, સુંદર શિલ્પકલા સભર ખુબજ આકર્ષક કલાકૌશલ્ય થકી નવનિર્મિત કરવામાં આવ્યું છે. તેમજ મંદિર પર સોનાના કળશ અને સોનાના ધ્વજ દંડ પર માં ની ધજા અતિ સોહામણી છાયા ઉભી કરે છે.

તેમજ સભા મંડપમાં નવદુર્ગા ની મૂર્તિઓ અને શિવ પરિવારના દર્શન પણ મુખ્ય આકર્ષણ રૂપે દ્રશ્યમાન છે. અને માતાજી ના ગર્ભગૃહમાં શુદ્ધ સુવર્ણથી મઢેલ વિશાળ દરવાજા અને તેની કમાન તેમજ માતાજીના ગોખ માં રામાયણ અને મહાભારતનો ઇતિહાસ આલેખન કરવામાં આવ્યો છે. તે પણ સોનાથી મઢેલ હોવાથી માતા શ્રી વરદાયિનીની શ્વેત આરસ ની મૂર્તિ નો શણગાર અને માં નું મુખમંડળ પર ની આભા આભૂષણો અને વસ્ત્રોથી શુશોભીત મૂર્તિ ના દર્શન મનોહર મનમોહક અને દૈદીપ્યમાન દર્શન થાય છે. મૂર્તિ નું મનમોહક સ્વરૂપ આપને મૂર્તિમાં ધ્યાન મગ્ન અને આકર્ષિત કરે છે. મંદિરનો સુંદર આકર્ષક અને વિશાળ સભામંડપ અને હજારો લોકો ને સરળતા થી દર્શન થઈ શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

ઐતિહાસિક વરદાયિની માતાના મંદિર માટે કહેવાય છે કે, તેઓ અહીં નવદુર્ગાનાં નવ સ્વરૂપો પૈકી દ્વિતીય સ્વરૂપે બ્રહ્મચારિણી હંસવાહીની સ્વરૂપે બિરાજમાન છે. ત્રેતાયુગમાં રામ વનમાં ગયા હતા ત્યારે શૃંગ ઋષિના આદેશથી વરદાયિની માતાએ પ્રસન્ન થઈ રામને અમોઘ દિવ્ય બાણ આપ્યું, જેનો ઉપયોગ કરી રામાયણના અંતિમ યુદ્ધમાં રામે રાવણનો વધ કર્યો હતો. બ્રહ્માજીએ આપેલા વરદાન ના પ્રભાવે નાભીમાં રહેલા અમૃતના પ્રભાવથી મસ્તક તો છેદાયા છતાં, પણ જ્યારે રાવણ વધ કરી શકાયો નહીં ત્યારે મા વરદાયની દ્વારા અસ્ત્રના પ્રયોગથી શ્રી રામચંદ્રજી દ્વારા રાવણ વધ કરવામાં આવ્યો હતો.

પાંડવો અજ્ઞાતવાસમાં જવાની પૂર્વતૈયારી રૂપે રૌપ્યપુરીમાં મા વરદાયિનીના દર્શને આવ્યા હતા. માતાજીની આજ્ઞાથી તેમણે પોતાના અસ્ત્ર-શસ્ત્ર અને વસ્ત્રો વરખડા (ખીજડા)ના વૃક્ષમાં ગુપ્ત રીતે છુપાવ્યા હતા. માતાજીએ અર્જુનને મહાભારતના યુદ્ધમાં અંતિમ વિજય માટે એક દિવ્ય તીર આપ્યું હતું. વિજય બાદ પાંડવોએ અહીં સોનાની પલ્લી કાઢી હતી. આ ઉપરાંત ‘વરદાયની સ્તુતિ’ની દસમ પંક્તિમાં કહેવાયું છે, તે પ્રમાણે જ્યારે બ્રહ્માજી જગત રચના કરતા સ્મૃતિભ્રંશથી મોહ પામ્યા હતા, ત્યારે મા વરદાયની દ્વારા તેમની વિસ્મૃતિ દૂર કરી સ્મૃતિ આપવામાં આવી હતી.

રૂપાલ પલ્લી મેળામાં ઘીનો અભિષેક શા માટે કરવામાં આવે છે?

વરદાયિની માતાના મંદિરને ઘણા બધા લોકો અર્જુન દ્રૌપદીના મંદિર તરીકે પણ ઓળખે છે. કારણકે એક કથા મુજબ એવું માનવામાં આવે છે કે, જ્યારે પાંડવોને વનવાસ દરમિયાન ગુપ્તવાસમાં રહેવાનું આવ્યું, ત્યારે તેમણે અહીં આવી માતાજીના દર્શન કર્યા હતા, અને માતાજીએ સ્વયં તેમને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, આ મારી વરખડીના ઝાડ નીચેતમારા અસ્ત્ર-શસ્ત્ર અને ઓળખ છતી થાય તેવી દરેક વસ્તુઓ મૂકી દો. અને અહીંથી છ યોજન દૂર વિરાટનગર એટલે કે હાલના ધોળકા તરફ પાંડવોને ગુપ્તવાસ માટે મોકલતા આશીર્વાદ આપ્યા હતા કે, તમને વિરાટનગરના કોઈપણ સ્ત્રી પુરુષ કે જીવ ઓળખી નહી શકે, અને તમારો ગુપ્તવાસ સુખેથી પૂર્ણ થશે.

ગુપ્તવાસ પૂર્ણ થયા પછી રૂપાલા વરખડીના વૃક્ષ નીચેથી અસ્ત્ર-શસ્ત્રો વગેરે પાછા મેળવી પાંડવો દ્વારા માની આરાધના કરવામાં આવી હતી. પરિણામે માએ તેમને યુદ્ધમાં વિજય થવાનું વરદાન આપ્યું હતું અને ત્યારથી માં વરદાયિની તરીકે પ્રસિદ્ધ થયા. મહાભારતના યુદ્ધમાં વિજય મેળવ્યા પછી પાંડવો અને દ્રૌપદી ફરી મા વરદાયિનીના દર્શને આવ્યા હતા, અને પાંચ જ્યોત વાળી સોનાના રથવાડી પલ્લી બનાવી માની આરાધના કરી હતી તથા પંચ બલી યજ્ઞ પણ કર્યો હતો. બસ ત્યારથી અત્યાર સુધી દર વર્ષે આસો માસની નવરાત્રીની નોમના દિવસે માની પલ્લી કરવામાં આવે છે.

રૂપાલ પલ્લી મેળા સુધી કેવી રીતે પહોંચવું?

  • સડક માર્ગે (By Road): રૂપાલ ગામ ગાંધીનગરથી આશરે 13 થી 15 કિ.મી. દૂર (પેથાપુર-રાંધેજા માર્ગ થઈને) આવેલું છે. અમદાવાદથી રૂપાલનું અંતર આશરે 35 થી 40 કિ.મી. છે.
  • રેલવે માર્ગે (By Train): સૌથી નજીકનું રેલવે સ્ટેશન ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન (આશરે 14 કિ.મી.) અને કલોલ જંક્શન (આશરે 15 કિ.મી.) છે. અમદાવાદ (કાલુપુર) રેલવે સ્ટેશનથી અંતર આશરે 38 કિ.મી. છે.
  • હવાઈ માર્ગે (By Air): સૌથી નજીકનું એરપોર્ટ અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, જે રૂપાલથી આશરે 30 થી 35 કિ.મી.ના અંતરે આવેલું છે.