Minister Ramesh Katara Apology: તાજેતરમાં પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન જાહેર મંચ પરથી રાજ્ય કૃષિ મંત્રી રમેશ કટારાએ ગુજરાતના શિક્ષકો અંગે ટિપ્પણી કરી હતી. તે બાદ રાજ્યભરના શિક્ષકોએ નારાજગી વ્યક્ત કરતા આ મુદ્દે ભારે વિરોધ નોંધાવ્યો હતો. જેના પગલે હવે રમેશ કટારાએ પોતાની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ માફી માંગવી પડી છે.
શું હતો સમગ્ર વિવાદ અને મંત્રીની ટિપ્પણી?
ગોધરામાં જાહેર મંચ પરથી મંત્રી રમેશ કટારાએ શિક્ષકોના પગાર, તેમની કાર્યપદ્ધતિ અને મોબાઈલના ઉપયોગ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. રમેશ કટારાએ જણાવ્યું હતું કે, "શિક્ષકોએ 8મા અને 10મા નાણાં પંચ સુધીના તમામ પ્રકારના આર્થિક લાભ મેળવી લીધા છે, તેમ છતાં તેમની ભૂખ ભાગતી નથી. ઉચ્ચ પગાર અને તમામ સરકારી સુવિધાઓ ભોગવ્યા બાદ પણ શિક્ષકો સરકાર સામે અવારનવાર વિરોધ પ્રદર્શન કરતા રહે છે."
મંત્રી વિરુદ્ધ શિક્ષકોમાં રોષ અને નારાજગી
મંત્રી રમેશ કટારાની ટિપ્પણી બાદમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ હતી. જેના કારણે સમગ્ર રાજ્યના શિક્ષકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને શિક્ષક વર્ગની લાગણી દુભાઈ હોવાની ફરિયાદો ઉઠી હતી. મંત્રીના સામાન્ય જ્ઞાન અને તેમની ભાષા શૈલીને લઈને લાખો શિક્ષકોએ સોશિયલ મીડિયા પર આકરા પ્રહારો શરૂ કરી દીધા હતા.
પહેલા કર્યો બફાટ, પછી મંત્રી રમેશ કટારાએ માંગી માફી#Rameshkatara #Gujaratijagran #Gujaratnews #Gujarat pic.twitter.com/HN5Z296otV
— Gujarati Jagran (@gujaratijagran) June 15, 2026
આ નિવેદન બાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સહિતના મોટા શૈક્ષણિક સંગઠનો લાલચોળ થઈ ગયા અને તેમણે મંત્રી પાસે માફીની માંગ કરી હતી. શૈક્ષણિક સંઘોના આક્રોશ અને આગામી સમયમાં થનાર ડિજિટલ સ્ટ્રાઈકના એંધાણને જોતાં, શાસક પક્ષના ઉચ્ચ નેતાઓએ આ વિવાદ વહેલી તકે શાંત કરવા મંત્રીને સૂચના આપી હોવાનું લાગી રહ્યું છે. જેના પગલે મંત્રી રમેશ કટારાએ આખરે મોડી રાત્રે દિલગીરી વ્યક્ત કરી હતી.
મંત્રીએ માફી માંગતા શું સ્પષ્ટતા કરી?
આ વિવાદ વધતો જોઈને મંત્રી રમેશ કટારાએ પોતાનું નિવેદન પરત ખેંચી લીધું છે. વધુમાં, તેમણે એક વીડિયો જાહેર કરી સત્તાવાર રીતે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "જો મારા શબ્દોથી શિક્ષક સમાજ કે કોઈ સંગઠનની લાગણી દુભાઈ હોય, તો હું મારા એ શબ્દો પાછા ખેંચું છું અને હૃદયપૂર્વક માફી માંગુ છું. મેં જે નિવેદન આપ્યું હતું તે કોઈને ઠેસ પહોંચાડવા માટે નહોતું. શિક્ષક એ સમાજનો આદરણીય ભાગ છે અને રાષ્ટ્રના નિર્માણમાં તેમનો અતુલ્ય ફાળો છે."
આ પણ વાંચો: ગોધરામાં કૃષિ મંત્રીએ શિક્ષકોને મીઠા મેણા માર્યા, કહ્યું - 'કેટલું બધું મળી ગયું, તોય ભૂખ નથી ભાગતી'
વર્ગખંડમાં મોબાઈલનો ઉપયોગ પર ટિપ્પણી
કૃષિ મંત્રી રમેશ કટારાએ વર્ગખંડના વાતાવરણ અને શિક્ષણની ગુણવત્તા પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. કૃષિ મંત્રીએ જણાવ્યું કે, આજનો શિક્ષક વર્ગખંડમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના બદલે પોતાના મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત રહે છે. આમ કૃષિ મંત્રીએ શિક્ષકોની માનસિકતા તેમજ કાર્ય પદ્ધતિ પર ગંભીર સવાલ ઉઠાવ્યા હતા.
રાજ્યમંત્રી રમેશ કટારાએ આ સત્તાવાર માફીનામા બાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પોતાના આક્રમક આંદોલનના કાર્યક્રમો પર હાલ પૂરતી બ્રેક લગાવી દીધી છે. જેથી આ મામલો હવે શાંત પડવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
