મહેસૂલી કાયદાના જટિલ જાળામાંથી જનતાને મળશે મુક્તિ, 145 વર્ષ જૂના કાયદાઓમાં ધરખમ સુધારાની તૈયારી

મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવ રીનીશ ભટ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવ અનુસાર, પૂર્વ આઈએએસ અધિકારીઓની અધ્યક્ષતામાં બે સમિતિઓ રચવામાં આવી છે:

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Tue 30 Dec 2025 09:04 AM (IST)Updated: Tue 30 Dec 2025 09:04 AM (IST)
public-will-get-freedom-from-the-complex-web-of-revenue-laws-in-gujarat-preparations-for-drastic-reforms-in-145-year-old-laws-664471

Gujarati News: ગુજરાત રાજ્યમાં જમીન સંબંધિત કાયદાઓને વધુ સરળ, પારદર્શક અને આધુનિક બનાવવાના હેતુથી ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે એક મોટો નિર્ણય લીધો છે. વર્ષો જૂના જટિલ મહેસૂલી નિયમોમાં મોટાપાયે સુધારા કરવા માટે સરકારે બે અલગ-અલગ કમિટીઓનું ગઠન કર્યું છે. આ કમિટીઓ આગામી 6 મહિનામાં પોતાનો વિગતવાર અહેવાલ સરકારને સુપરત કરશે, જેના આધારે આગામી વિધાનસભા સત્રમાં જરૂરી સુધારા બિલો લાવવામાં આવી શકે છે.

બે અલગ સમિતિઓ અને તેમની કામગીરી

મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવ રીનીશ ભટ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવ અનુસાર, પૂર્વ આઈએએસ અધિકારીઓની અધ્યક્ષતામાં બે સમિતિઓ રચવામાં આવી છે:

  • 1) સી.એલ. મીણા કમિટી: આ સમિતિ મુખ્યત્વે 'ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, 1879' અને તેની સાથે સંલગ્ન જોગવાઈઓની સમીક્ષા કરશે. 145 વર્ષ જૂના આ કાયદામાં વર્તમાન જરૂરિયાતો મુજબના ફેરફારો સૂચવવાની જવાબદારી આ કમિટીને સોંપાઈ છે.
  • 2) જે.કે. આસ્તિક કમિટી: આ સમિતિ મહેસૂલ અધિનિયમ સિવાયના અન્ય મહેસૂલી કાયદાઓ અને જમીન સંબંધિત નિયમોમાં સુધારા માટેના સૂચનો આપશે.

કયા વિષયો પર થશે મોટા ફેરફાર?

આ બંને સમિતિઓ જમીન મહેસૂલના વહીવટને સ્પર્શતા અનેક મહત્વના મુદ્દાઓ પર ઊંડો અભ્યાસ કરશે, જેમાં મુખ્યત્વે:

  • ગણોતધારો અને ખેડૂતની વ્યાખ્યા: ખેડૂત કોણ ગણાય અને ગણોતધારાની કલમોમાં સરળીકરણ.
  • બિનખેતી (NA) અને પ્રીમિયમ: જમીનનો હેતુફેર કરવાની પ્રક્રિયા અને પ્રીમિયમની ગણતરી પદ્ધતિમાં પારદર્શકતા.
  • વારસાઈ અને જમીન સંપાદન: વારસાગત હક્કોની નોંધણી અને જમીન સંપાદનની પ્રક્રિયાને ઝડપી બનાવવી.
  • ડિજિટલ રેકોર્ડ અને વ્યવહાર: જમીનના રેકોર્ડ્સનું સંપૂર્ણ ડિજિટલાઇઝેશન અને ઓનલાઇન અરજી મંજૂરીની પ્રક્રિયા.
  • જમીન ટોચ મર્યાદા (Ceiling Act): જમીન ધારણ કરવાની મર્યાદા સંબંધિત કાયદાની સમીક્ષા.

વહીવટી સુધારા પંચની ભલામણોનો અમલ

રાજ્યના વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ અને મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયાએ જમીન-મહેસૂલ કાયદાઓના સરળીકરણ માટે સરકારને ભારપૂર્વક સૂચન કર્યું હતું. અગાઉ મીણા કમિટીની ભલામણોને આધારે જ સરકારે નવી શરતની જમીનમાં બિનખેતી માટે પ્રીમિયમ મુક્તિ જેવો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. હવે આ નવી સમિતિઓ દ્વારા સૂચવવામાં આવનારા ફેરફારોથી સામાન્ય નાગરિકો અને ખેડૂતોને કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે અને મહેસૂલી વહીવટમાં રહેલી 'ઇન્સ્પેક્ટર રાજ' જેવી પ્રથાઓનો અંત આવશે તેવી અપેક્ષા છે.