Primary Teachers Transfer 2026 Gujarat: ગુજરાતના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો અને વિદ્યાસહાયકો માટે વધ-ઘટ અને જિલ્લા આંતરિક ઓનાલાઈન બદલી કેમ્પના સત્તાવાર શિડ્યુલની જાહેરાત કરવામાં આવી છે. આ સમગ્ર બદલી પ્રક્રિયા 21 ઓક્ટોબરથી 21 નવેમ્બર દરમિયાન 2 તબક્કે યોજાશે. શિક્ષણ વિભાગે ઉમેદવારોને સ્પષ્ટતા કરી છે કે, શિક્ષકો પોતાની મરજીથી શાળાની પસંદગી કરતા હોવાથી એકવાર બદલી ઓર્ડર ઇશ્યૂ થયા હોવાથી કોઈ પણ સંજોગોમાં તે રદ કરવામાં આવશે નહીં.
બદલી કેમ્પનું સંપૂર્ણ શિડ્યુલ
બદલી પ્રક્રિયાને સરળ બનાવવા માટે તબક્કાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
- 21 ઓક્ટોબર: વધ-ઘટ બદલી કેમ્પનું આયોજન કરાશે.
- 22 ઓક્ટોબરથી 2 નવેમ્બર (પહેલો તબક્કો): પ્રથમ તબક્કાના બદલી કેમ્પ યોજાશે
- 3થી 21 નવેમ્બર (જનરલ કેમ્પ): જનરલ બદલી કેમ્પ યોજાશે. જેમાં 31 ઓક્ટોબરના રોજ નિવૃત્ત થતાં શિક્ષકોની ખાલી જગ્યાઓનો પણ સમાવેશ કરવામાં આવશે.
- આખરી ઓર્ડર તારીખ: તાલુકા, જિલ્લા અને રાજય કક્ષાએ અરજીઓની સચોટ ચકાસણી પૂરી કરી લીધા પછી 2 નવેમ્બર અને 21 નવેમ્બરે બદલીના આખરી ઓર્ડર ઈશ્યૂ કરાશે.
શિક્ષણ વિભાગની મહત્વની સૂચના
શિક્ષણ વિભાગ દ્વારા તમામ DPEO અને શાસનાધિકારીઓને પોર્ટલ પર ચકાસીને ખાલી જગ્યાઓની વિગતો અપલોડ કરવા આદેશ અપાયો છે. અપલોડ કર્યા બાદ જગ્યાઓમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં અને જો કોઈ ક્ષતિ જણાશે તો સંબંધિત અધિકારી સામે જવાબદારી નક્કી કરાશે.
5 વર્ષથી બદલીની રાહ જોતા શિક્ષકોને છૂટા કરવા આદેશ
રાજ્યના શિક્ષક વિભાગના એક મહત્વના નિર્ણયમાં, શિક્ષણ વિભાગે વર્ષ 2022-23થી જિલ્લા અને તાલુકા ફેરબદલી મેળવનાર તમામ શિક્ષકોને 100 ટકા છૂટા કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. 50 ટકા મહેકમના નિયમના કારણે કચ્છ, દેવભૂમિ દ્વારકા, દાહોદ, નર્મદા અને છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં અટવાયેલા આશરે 3,000 જેટલા શિક્ષકોને જ્ઞાન સહાયકો અને પ્રતિક્ષા યાદી થકી મુક્ત કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન શાળાઓમાં શિક્ષણ કાર્ય ખોરવાય નહીં તેની સંપૂર્ણ જવાબદારી TPO અને DPEOને સોંપવામાં આવી છે.
