PM Modi Gujarat Visit: પીએમ મોદી 24 અને 25 ઓગસ્ટ ગુજરાત આવશે, વડનગર અને બેચરાજીની મુલાકાત લેશે

વડાપ્રધાન મોદી આ બે દિવસની મુલાકાત દરમિયાન વડનગરમાં નિર્માણાધીન મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે. બેચરાજીમાં સુઝુકી મોટર્સના પ્લાન્ટની પણ મુલાકાત લઈ શકે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 13 Aug 2025 03:20 PM (IST)Updated: Wed, 13 Aug 2025 03:20 PM (IST)
pm-modi-to-visit-gujarat-on-august-24-25-scheduled-stops-at-vadnagar-and-becharaji

PM Modi Gujarat Visit Schedule: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 અને 25 ઓગસ્ટ, 2025ના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ પ્રવાસ દરમિયાન તેઓ પોતાના વતન વડનગર અને બેચરાજીની મુલાકાત લેશે, જ્યારે ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે.

મળતી વિગતો મુજબ તેઓ પોતાની આ બે દિવસની મુલાકાત દરમિયાન વડનગરમાં નિર્માણાધીન મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ વડનગરના વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે અને તેનાથી પ્રદેશમાં પરિવહન સુવિધાઓમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે. આ ઉપરાંત, બેચરાજી નજીક આવેલા સુઝુકી મોટર્સના પ્લાન્ટની પણ મુલાકાત લઈ શકે છે. અહીં કંપનીના નવા બેટરી સંચાલિત વાહનોના ઉત્પાદન યુનિટનું ઉદ્ઘાટન પણ તેમના હસ્તે થાય તેવી શક્યતા છે.

વડાપ્રધાન મોદી 24 ઓગસ્ટના રોજ બપોર પછી અમદાવાદ પહોંચશે અને ગાંધીનગર સ્થિત રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. આ દરમિયાન, તેઓ ગુજરાત સરકારના અધિકારીઓ અને ભાજપના કેટલાક નેતાઓ સાથે બેઠક કરે તેવી શક્યતા છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પણ કોઈ કાર્યક્રમ યોજાઈ શકે છે.