PM Modi 25 Years in Public Life 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 7 ઓક્ટોબરના રોજ સરકારના વડા તરીકે સફળતાપૂર્વક 25 વર્ષ પૂર્ણ કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે. 7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ થયેલી તેમની કાનૂની અને રાજકીય સફર 2014માં દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચી હતી, જે જવાબદારી તેઓ સતત ત્રણ કાર્યકાળથી સફળતાપૂર્વક નિભાવી રહ્યા છે. આ વિશેષ અને ઐતિહાસિક પ્રસંગે વડાપ્રધાન મોદીએ દિલ્હી સ્થિત શ્રી વિનાયક મંદિરમાં પહોંચીને પૂજા-અર્ચના કરી હતી.
આ સુવર્ણ અવસર પર કેન્દ્રીય કેબિનેટે એક વિશેષ ઠરાવ પસાર કરીને વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા છે. ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત દેશના તમામ અગ્રણી નેતાઓએ તેમના નેતૃત્વ, જનસેવા અને ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પની પ્રશંસા કરી હતી.
7 ઓક્ટોબર, 2001 થી શરૂ થયેલી ઐતિહાસિક યાત્રા
સરકારના વડા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફર 7 ઓક્ટોબર, 2001ના રોજ શરૂ થઈ હતી, જ્યારે તેમણે પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો હતો. ત્યારબાદ જનતાના અભૂતપૂર્વ વિશ્વાસ સાથે તેમણે સતત ત્રણ કાર્યકાળ સુધી ગુજરાતનું નેતૃત્વ કર્યું. 2014માં દેશની સામાન્ય ચૂંટણીઓમાં વિજય મેળવીને તેઓ ભારતના વડાપ્રધાન બન્યા. દેશની જનતાએ 2019 અને ત્યારબાદ 2024ની લોકસભા ચૂંટણીમાં ફરીથી પૂર્ણ બહુમતી સાથે તેમને ‘પ્રધાન સેવક’ તરીકે દેશની બાગડોર સોંપી હતી.
કેન્દ્રીય કેબિનેટનો ઐતિહાસિક ઠરાવ: ‘ગુજરાત મોડેલથી ભારત સુધીનો વિસ્તાર’
આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન પર કેન્દ્રીય કેબિનેટે વડાપ્રધાન મોદીના 25 વર્ષના વહીવટી નેતૃત્વને બિરદાવતો ઠરાવ પસાર કર્યો હતો. ઠરાવમાં જણાવાયું હતું કે આ 25 વર્ષની સફર ‘રાષ્ટ્ર પ્રથમ’ અને ‘નાગરિક પ્રથમ’ ના સિદ્ધાંતો પર આધારિત રહી છે.
કેબિનેટે નોંધ્યું કે વડાપ્રધાને ગુજરાતમાં શરૂ કરેલી અનેક ક્રાંતિકારી યોજનાઓ બાદમાં રાષ્ટ્રીય સ્તરે સફળતાપૂર્વક અમલી બનાવાઈ:
- સ્વાગત (SWAGAT) થી પ્રગતિ (PRAGATI): ગુજરાતમાં નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે શરૂ કરાયેલી ‘સ્વાગત’ પહેલને 2010માં સંયુક્ત રાષ્ટ્ર (UN) નો ‘પબ્લિક સર્વિસ એવોર્ડ’ મળ્યો હતો. આ જ વિઝનના આધારે રાષ્ટ્રીય સ્તરે ‘પ્રગતિ’ (PRAGATI) પ્લેટફોર્મ શરૂ કરાયું, જેના દ્વારા અટકેલા મોટા પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવામાં આવે છે.
- વિકાસ સાથે સંસ્કૃતિ અને પર્યાવરણ: ગુજરાતમાં દેશનું પ્રથમ 'ક્લાઈમેટ ડિપાર્ટમેન્ટ' બનાવવાથી લઈને રાષ્ટ્રીય સ્તરે પુનઃપ્રાપ્ય ઊર્જાનો વિસ્તાર કરાયો. આ સાથે જ યોગ, બાજરી (મિલેટ્સ), કાશી વિશ્વનાથ ધામ અને અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દ્વારા દેશની સાંસ્કૃતિક વિરાસતને પુનર્જીવિત કરવામાં આવી.
દેશના શીર્ષ નેતાઓની શુભેચ્છાઓ અને પ્રશંસા
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન:
ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે ‘પ્રધાન સેવક’ તરીકે મોદીની સફરે સર્વસમાવેશી વિકાસના વિઝનને રાષ્ટ્રવ્યાપી મિશનમાં બદલી નાખ્યું છે. તેમણે 25 કરોડ લોકોને અત્યંત ગરીબીમાંથી બહાર લાવવાની બાબતને માનવતા માટે એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવી હતી. ડિજિટલ ક્રાંતિ અને કનેક્ટિવિટી ક્ષેત્રે થયેલું પરિવર્તન આ નેતૃત્વની દેન છે.
ગૃહમંત્રી અમિત શાહ:
ગૃહમંત્રી અમિત શાહે 'X' પર સંદેશ લખીને વડાપ્રધાનની સેવા, સંઘર્ષ અને સમર્પણથી ભરેલી સફરને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, સેમિકન્ડક્ટર મિશન, ડિજિટલ પેમેન્ટ્સ અને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ભારતે નવી ઊંચાઈઓ સર કરી છે. વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારત શાંતિ અને સૌહાર્દનો મજબૂત અવાજ બન્યું છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહ:
રાજનાથ સિંહે જણાવ્યું કે 7 ઓક્ટોબર, 2001થી શરૂ થયેલી આ યાત્રા સુશાસન અને જનકલ્યાણનું પર્યાય બની ગઈ છે. ‘રાષ્ટ્ર પ્રથમ, હંમેશા પ્રથમ’ ના મંત્ર સાથે કરોડો ગરીબોને આવાસ, પાણી, શૌચાલય, ગેસ કનેક્શન અને બેંકિંગ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આ 25 વર્ષ માત્ર એક પડાવ છે, અંતિમ મુકામ નથી.
ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ:
યોગી આદિત્યનાથે આ દિવસને સમગ્ર રાષ્ટ્ર માટે 'અત્યંત આનંદનો અવસર' ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન મોદીએ 'જનસેવા એ જ રાષ્ટ્રસેવા'ને પોતાના જીવનનું લક્ષ્ય બનાવીને ભારતની ઓળખ અને ગૌરવને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈ આપી છે.
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ:
શિવરાજ સિંહ ચૌહાણે આ દિવસને 'અદ્ભુત, અભૂતપૂર્વ અને ઐતિહાસિક' ગણાવતા કહ્યું કે, વડાપ્રધાન મોદી સાથે સહયોગી તરીકે કામ કરવું એ તેમના માટે ગૌરવની વાત છે. તેમની મહેનત, ધીરજ અને સંકલ્પશક્તિ દેશના દરેક નાગરિક માટે પ્રેરણારૂપ છે.
‘વિકસિત ભારત 2024’ તરફ આગેકૂચ
ભાજપ નેતા નિતિન નબિન અને અન્ય તમામ આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત અને દ્રઢ નેતૃત્વ હેઠળ ભારત 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ' ના સૂત્ર સાથે આગળ વધી રહ્યું છે. 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ સમૃદ્ધ, આત્મનિર્ભર અને 'વિકસિત ભારત' બનાવવાનું સ્વપ્ન આ જ નિષ્ઠા અને સમર્પણ ભાવથી સાકાર થશે.
