PM Kisan Yojana 23rd Instalment: પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજનાના 23માં હપ્તાની લાખો ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, ત્યારે ભારત સરકાર દ્વારા યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત હવેથી PM કિસાન યોજના હેઠળ હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા લાભાર્થી ખેડૂત મિત્રોએ દર વર્ષે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક e-KYC ફરજીયાતપણે કરાવવાનું રહેશે.
હવેથી આ યોજના હેઠળ સહાય માત્ર એવા જ લાભાર્થીઓને મળશે, જેમણે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા e-KYC પૂર્ણ કરેલું હશે. ખેતી નિયામક કચેરી દ્વારા જણાવ્યા મુજબ, લાભાર્થીઓએ દર નાણાકીય વર્ષના પ્રથમ હપ્તા પહેલા આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
ચાલુ વર્ષ 2026-27 માટે વાર્ષિક e-KYCની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. રાજ્યના દરેક લાભાર્થી ખેડૂતોએ તા. 30 જૂન, 2026 સુધીમાં e-KYC પૂર્ણ કરવાનું રહેશે.
લાભાર્થીઓ નીચે મુજબની 3 સરળ પદ્ધતિઓ પૈકી કોઇપણ રીતે સરળતાથી e-KYC કરી શકશે:
- ફેસ ઓથેન્ટિકેશન: ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરીને PM કિસાન મોબાઈલ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન કરાવી શકાશે.
- બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન: નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા 'ઈ-ગ્રામ' કેન્દ્ર પર જઈને પણ e-KYC કરાવી શકાશે.
- PM કિસાન મોબાઈલ એપ (સ્વયં): લાભાર્થી પોતે મોબાઈલ એપમાં 'Beneficiary' તરીકે લોગિન કરી પોતાના આધાર નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર દ્વારા ફેસ ઓથેન્ટિકેશન કરી શકે છે. આ પદ્ધતિ દ્વારા એક લાભાર્થી પોતાનું અને અન્ય 100 લાભાર્થીઓનું e-KYC પણ કરી શકશે.
કોઈ લાભાર્થીઓ બહારગામ હોય અથવા અન્ય સ્થળે સ્થળાંતરિત થયા હોય, તેઓ પણ ત્યાંથી ઉપર મુજબની કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરીને નિર્ધારિત સમયમાં e-KYC કરાવી લેવા ખેતી નિયામકની કચેરી દ્વારા વિનંતી કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારની આ યોજના અંતર્ગત દર વર્ષે 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં રૂ.2 હજારની રકમ ત્રણ સરખા હપ્તામાં સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠલ 22 હપ્તા ચૂકવી દેવામાં આવ્યા છે. જો કે હવે 23મા હપ્તા પહેલા સરકાર દ્વારા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
