Sanskrit Gaurav Yatra: સંસ્કૃત અંગે આપણે ત્યાં કહેવાય છે કે, ‘अमृतं संस्कृतं मित्र, सरसं सरलं वच: । एकता-मूलकं राष्ट्रे, ज्ञान-विज्ञान-पोषकम् ।।’ એટલે કે, આપણી સંસ્કૃત ભાષા સરસ પણ છે, અને સરળ પણ. સંસ્કૃત પોતાના વિચારો, પોતાના સાહિત્યના માધ્યમથી જ્ઞાન, વિજ્ઞાન અને રાષ્ટ્રની એકતાને મજબૂત બનાવે છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઉક્તિનો ઉલ્લેખ કરતાં લોકો વધુમાં વધુ સંસ્કૃત વાંચે અને તેનો અભ્યાસ કરે એ બાબત પર ભાર મૂક્યો છે. વિશ્વની સૌથી જૂની ભાષા કહેવાતી સંસ્કૃત ભાષા ભારતની ઋષિ-પરંપરા, દર્શન, આધ્યાત્મ અને સાંસ્કૃતિક ચેતનાની જીવંત અભિવ્યક્તિ છે. સંસ્કૃત એ માત્ર એક ભાષા નથી, પણ જીવન દ્રષ્ટિ છે- જે માનવીના સર્વાંગી વિકાસમાં માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમા (રક્ષાબંધનના દિવસે)ના દિવસે સંસ્કૃત દિન ઉજવવામાં આવે છે અને તેના પ્રચાર-પ્રસાર માટે ભારતભરમાં સંસ્કૃત સપ્તાહ મનાવવામાં આવે છે. આ વર્ષે 9 ઓગસ્ટે વિશ્વ સંસ્કૃત દિન છે ત્યારે 6થી 12 ઓગસ્ટ 2025 સુધી સંસ્કૃત સપ્તાહની ઉજવણી થશે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા સંસ્કૃત સપ્તાહ નિમિત્તે ત્રિ-દિવસીય વિશેષ ઉજવણી કરવામાં આવશે.
રાજ્યમાં 6થી 8 ઓગસ્ટ સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી થશે.
વર્ષ 1969માં ભારત સરકાર અને સંસ્કૃત સંસ્થાઓના સહયોગથી સંસ્કૃત દિનની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવાનો, તેના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો અને નવી પેઢીને આ પ્રાચીન ભાષા સાથે જોડવાનો છે.
