Gandhinagar News: ગાંધીનગરના લોકભવન સ્થિત મહર્ષિ દયાનંદ સભામંડપ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં રાજ્યના વરિષ્ઠ પત્રકારો, તંત્રીઓ અને સંપાદકો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, કૃષિ વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણા, માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ વિક્રાંત પાંડે, લોકભવનના સચિવ મેહુલ દવે અને વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલે ગુરુકુળનો પ્રેરણાદાયી પ્રસંગ ટાંક્યો
આ પ્રસંગે રાજ્યપાલે તેમના ગુરુકુલ કુરુક્ષેત્રના અનુભવો વાગોળતા એક અત્યંત પ્રેરણાદાયી પ્રસંગ ટાંક્યો હતો. પહેલા ગુરુકુલમાં 180 એકર જમીનમાં રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરીને ખેતી કરાવવામાં આવતી હતી. એક દિવસ ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી રહેલો ખેત-મજૂર માત્ર દવાની ઝેરી વાસથી જ ખેતરમાં બેભાન થઈને ઢળી પડ્યો. તેને ત્વરિત હોસ્પિટલ પહોંચાડાતા 3 દિવસની સઘન સારવાર બાદ માંડ તેનો જીવ બચ્યો. આ ઘટનાથી રાજ્યપાલનું હૃદય દ્રવી ઉઠ્યું.
રાજયપાલને વિચાર આવ્યો કે, જે દવાની દુર્ગંધથી માણસ મરણતોલ થઈ જાય, તે જ રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓના ખેતીમાં ઉપયોગથી તૈયાર થતો ખોરાક ગુરુકુલમાં ભણતા દેશના 19 રાજ્યોના નિર્દોષ બાળકોને ખવડાવવો એ ઘોર અપરાધ છે. તે દિવસથી રાજ્યપાલએ રાસાયણિક ઝેરવાળી ખેતી કાયમ માટે બંધ કરવાનો નિશ્ચય કર્યો.
ત્રણસો ક્વિન્ટલ છાણિયું ખાતર એકઠું કરવું અશક્ય
તેમણે વધુમાં ઉમેર્યું કે, રાસાયણિક ખેતી છોડ્યા બાદ તેમણે શરૂઆતમાં કૃષિ વૈજ્ઞાનિકોની સલાહથી જૈવિક ખેતી - ઓર્ગેનિક ફાર્મિંગ અપનાવી, પરંતુ તેમાં અનેક વ્યાવહારિક મુશ્કેલીઓ સામે આવી. ઘઉં અને ચોખા જેવા મુખ્ય પાકો માટે પ્રતિ એકર 60 કિલો નાઈટ્રોજન જોઈએ. 1 ટન છાણિયા ખાતરમાંથી માત્ર 2 કિલો નાઈટ્રોજન મળે છે. એટલે કે, પ્રતિ એકર 300 ક્વિન્ટલ છાણિયા ખાતરની જરૂર પડે. આટલા ખાતરની જરૂરિયાત પુરી કરવા 30 થી 40 પશુઓ હોવા જોઈએ, જે સામાન્ય ખેડૂત માટે શક્ય નથી, જેથી 300 ક્વિન્ટલ છાણિયું ખાતર એકઠું કરવું વ્યવહારિક રીતે અશક્ય છે.
મિથેન ગેસ કાર્બન ડાયોક્સાઇડ કરતાં હાનિકારક
રાજ્યપાલે વધુમાં જણાવ્યું કે, ખેતરમાં આટલું બધું છાણ નાખવાથી મિથેન ગેસ ઉત્પન્ન થાય છે, જે કાર્બન ડાયોક્સાઈડ કરતાં 22 ગણો વધુ હાનિકારક છે. ઉપરાંત, ઘાસચારો/નિંદામણ એટલું ઉગી નીકળે છે કે ખેડૂતના મજૂરી ખર્ચમાં મોટો વધારો થાય છે અને ઉત્પાદન ઘટે છે. જૈવિક ખેતીના નિષ્ફળ અનુભવ બાદ તેમણે 5 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી. પ્રાકૃતિક ખેતી એ સૂક્ષ્મ જીવાણુઓ, દેશી અળસિયાં અને મિત્ર કીટકોની ખેતી છે. તેમાં બહારથી કોઈ ભારેખમ ખાતર કે પ્રોસેસ્ડ જૈવિક ખાતર ખરીદવું પડતું નથી.
રાજ્યપાલે જણાવ્યું કે, જંગલમાં કોઈ યુરિયા, ડીએપી, જંતુનાશક કે સિંચાઈ આપવા જતું નથી, છતાં ત્યાંના વૃક્ષો ફળોથી ભરેલા અને સંપૂર્ણ પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. આ જ કુદરતી સિદ્ધાંત ખેતરમાં જીવામૃત, ઘનજીવામૃત અને આચ્છાદન દ્વારા લાગુ થાય છે. આ પદ્ધતિથી જમીનની ફળદ્રુપતા અને ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઝડપથી વધે છે, તથા જમીનની જળ ધારણ શક્તિ મજબૂત થાય છે.
8 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા
રાજ્યપાલે તેમના હિમાચલમાં રાજ્યપાલ તરીકેના કાર્યકાળને યાદ કરતા ઉમેર્યું કે, તેઓએ હિમાચલના પહાડી ગામડાઓમાં જઈ સફરજનના બગીચાઓમાં પોલીહાઉસના ખેડૂતોને તાલીમ આપી હતી. જેમાં માત્ર 2 વર્ષના ટૂંકા ગાળામાં 35,000 ખેડૂતોને જોડાયા હતા. આજે ત્યાં 2.5 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
તેઓએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને રાજ્ય સરકારના સક્રિય સહયોગથી રાજ્યના 8 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ખેડૂતોના પ્રાકૃતિક ઉત્પાદનોના સીધા વેચાણ માટે રાજ્ય સરકાર દ્વારા 300 થી વધુ કાયમી વેચાણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે.
રાજ્યપાલે મીડિયાકર્મીઓ સાથે સંવાદ કર્યો
રાજ્યપાલે પરિસંવાદના અંતે ઉપસ્થિત મીડિયા પ્રતિનિધિઓ અને તંત્રીઓને અપીલ કરતાં જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી એ માત્ર કોઈ કાર્યક્રમ નથી, પરંતુ ધરતી માતાને રસાયણમુક્ત કરવાનો, જળ-પર્યાવરણનું જતન કરવાનો અને માનવજાતને ગંભીર રોગોથી બચાવવાનો રાષ્ટ્રીય સેવા-યજ્ઞ છે. આ સંદેશ સમાજના દરેક નાગરિક સુધી પહોંચાડવામાં મીડિયા પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે તે જરૂરી છે.
પરિસંવાદ બાદ રાજ્યપાલએ મીડિયા પ્રતિનિધિઓ અને તંત્રીઓ સાથે સહજ સંવાદ કર્યો હતો. કૃષિ વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણાએ સ્વાગત પ્રવચન કર્યું હતું જેમાં તેમણે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અભિયાનની પ્રગતિ અંગે માહિતી આપી હતી.
