National Unity Day 2026: અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આગામી 31મી ઓક્ટોબરે એકતા નગર ખાતે યોજાનાર ‘રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ’ના ઉપલક્ષ્યમાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ‘ફાઇટ અગેઈન્સ્ટ ડ્રગ્સ’ થીમ હેઠળ આયોજિત ભવ્ય ‘નેશનલ મોટરસાઇકલ રેલી’ને આજે ગાંધીનગર સચિવાલય સંકુલ ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. સુરક્ષા દળોના પ્રચંડ ઉત્સાહ વચ્ચે મુખ્યમંત્રીશ્રીએ લીલી ઝંડી આપી રેલીને સ્ટેચ્યુ ઓફ યુનિટી–એકતા નગર (કેવડિયા) તરફ રવાના કરાવી હતી.

550થી વધુ જવાનો બાઇક રેલીમાં જોડાયા
આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે રેલી અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ મોટરસાઇકલ રેલીમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ની ટીમો સહભાગી થઈ છે. દરેક રાજ્યમાંથી 5-5 બાઇકર્સ આ રેલીમાં જોડાયા છે, જેમાં લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યો તેમજ CAPFના જવાનોનો સમાવેશ થાય છે. આ રેલીમાં દેશના વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ની કુલ 45 ટીમો અને 550થી વધુ જવાનો/અધિકારીઓ 4 અલગ-અલગ ઝોન મારફતે 275થી વધુ બાઇક સાથે ભાગ લઈ રહ્યા છે.

ટીમો આગ કેવડીયા ખાતે પહોંચશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે ગાંધીનગર ખાતેથી ફ્લેગ ઓફ થયા બાદ આ ટીમો આગળ વધીને કેવડિયા પહોંચશે. રેલીના સમગ્ર માર્ગ દરમિયાન અલગ-અલગ સ્થળોએ જાગૃતિ કાર્યક્રમો અને શપથ ગ્રહણ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી લોકોને ખાસ કરીને યુવા પેઢીને નશાના દૂષણથી દૂર રહેવા પ્રેરિત કરી શકાય. તમામ બાઇકર્સ કેવડિયા પહોંચશે અને 31મી ઓક્ટોબરે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં ગૌરવપૂર્વક ભાગ લેશે.

કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા તા. 21મી ઓક્ટોબરે નવી દિલ્હીથી નોર્થ ઝોનની આ રેલીને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું, જે હરિયાણા અને રાજસ્થાન થઈને ગાંધીનગર આવી પહોંચી હતી. ગાંધીનગરથી પ્રસ્થાન કર્યા બાદ આ રેલી આણંદ અને વડોદરા થઈને નિર્ધારિત મુકામ એકતા નગર પહોંચશે. "Say No to Drugs, Say Yes to Life"ના મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
