Gandhinagar News: ગાંધીનગર શહેરના જૂના સેક્ટરોમાં સ્માર્ટ સિટી યોજના હેઠળ નખાયેલી નવી પાઈપલાઈનો આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થઈ રહી છે. પાઈપલાઈનમાં ગટરનું ગંદું પાણી ભળી જવાની ગંભીર બેદરકારીને કારણે શહેરમાં ટાઇફોઇડના કેસોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. સેક્ટર-24, 28 અને આદિવાડા જેવા વિસ્તારો હાલ રોગચાળાની લપેટમાં છે, જેમાં 100થી વધુ બાળકો સહિત અનેક લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 1 દિવસમાં 15 શંકાસ્પદ કેસ નોંધાયા છે.
નવો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી
ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ ડો. મીતાબેન પરીખના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ દિવસમાં પોઝિટિવ કેસોના દરમાં 50 ટકાનો જંગી વધારો થયો છે. ખાસ કરીને 1 થી 16 વર્ષની વયના બાળકો સૌથી વધુ ભોગ બની રહ્યા છે. હાલમાં 104 બાળકો હોસ્પિટલના F2 અને E2 વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. દર્દીઓનો ધસારો વધતા તંત્રને તાત્કાલિક ધોરણે 'વોર્ડ નંબર 604' નવો શરૂ કરવાની ફરજ પડી છે.
આ પણ વાંચો
તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
રેપિડ રિસ્પોન્સ ટીમ (RRT) દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લેવામાં આવેલા પાણીના સેમ્પલની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે વિતરણ કરવામાં આવતું પાણી પીવાલાયક નહોતું. આ અશુદ્ધ પાણીના કારણે જ વિડાલ ટેસ્ટ અને બ્લડ કલ્ચર રિપોર્ટમાં ટાઇફોઇડના બેક્ટેરિયા જોવા મળ્યા છે. ડિસેમ્બર મહિનામાં 130 રિપોર્ટ પોઝિટિવ હતા, પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં કરાયેલા ટેસ્ટના 50 ટકાથી વધુ રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી છે.
ઉચ્ચ સ્તરીય બેઠકો અને અમિત શાહનું મોનિટરિંગ
સ્થિતિની ગંભીરતાને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલેક્ટર સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે અને તેઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. બીજી તરફ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હાલમાં 22 ડોક્ટરોની સ્પેશિયલ ટીમ અને 80થી વધુ આરોગ્ય કર્મચારીઓની 40 ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે, જેમણે 10,000થી વધુ ઘરોમાં તપાસ હાથ ધરી છે.
વહીવટી તંત્ર સામે જનઆંદોલનની ચીમકી
ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિંહ બિહોલાએ આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ સિટીના નામે હલકી ગુણવત્તાવાળી પાઈપલાઈનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વારંવાર પડતા ભંગાણને કારણે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી રહ્યું છે. વસાહત મહાસંઘે ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર ‘જનઆંદોલન’ કરવામાં આવશે.
તંત્ર દ્વારા લેવાયેલા પગલાં
પાણીના જોડાણોમાં તપાસ કરતા 10 નાના-મોટા લીકેજ મળી આવ્યા હતા, જેનું રિપેરિંગ કરવામાં આવ્યું છે. હાલ સમગ્ર વિસ્તારમાં પાણીનું 'સુપર ક્લોરિનેશન' કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને પાણી ઉકાળીને પીવા અને ખોરાકમાં સાવચેતી રાખવા ખાસ તાકીદ કરવામાં આવી છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં દૂષિત પાણીથી 16 લોકોના મોત થયા હોવાના દાખલા વચ્ચે ગાંધીનગર તંત્ર મોટી જાનહાનિ રોકવા મથામણ કરી રહ્યું છે.
