ગાંધીનગર: પેથાપુર પોલીસ મથકમાં હોબાળો કરવા મામલે જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસ ઉમેદવાર સામે FIR

પેથાપુર પોલીસ મથકમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસ ઉમેદવાર સૂર્યસિંહ ડાભી સહિતના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. આથી જીગ્નેશ મેવાણી સહિત અન્ય સામે FIR દાખલ કરવામાં આવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 12 Oct 2026 10:48 AM (IST)Updated: Mon, 12 Oct 2026 10:48 AM (IST)
mla-jignesh-mevani-booked-for-police-station-intrusion-and-obstructing-duty-in-gandhinagar
File Photo

Jignesh Mevani FIR: ગાંધીનગર મનપાની સામાન્ય ચૂંટણીમાં જ રાજકીય માહોલ ગરમાયો છે. સામાન્ય ચૂંટણીના મતદાનના બે દિવસ પહેલા પેથાપુર પોલીસ મથકમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને વોર્ડ નંબર 2ના કોંગ્રેસ ઉમેદવાર સૂર્યસિંહ ડાભી સહિતના સમર્થકોએ સ્ટેશનમાં ઘૂસીને ભારે હોબાળો મચાવ્યો હતો. આ અંગે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસ ઉમેદવાર સામે ફરિયાદ દાખલ કરાવી છે.

શું છે સમગ્ર મામલો

મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલી બોલાચાલી અને ધમકી અંગેની એક અરજીના અનુસંધાને પેથાપુર પોલીસે કોંગ્રેસ વોર્ડ નંબર 4ના ઉમેદવાર યુનુસ પરમારને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ અધિકારી પૂછપરછ કરી રહ્યા હતા. ત્યારે વડગામ તાલુકાના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અંદાજે 20 લોકોના ટોળા સાથે રાઇટર રુમમાં ઘૂસી ગયા હતા.

ધારાસભ્ય પર ગંભીર આક્ષેપ

પેથાપુર પોલીસ સ્ટેશનની રાઇટર રુમમાં ઘૂસી આવીને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને સાથે આવેલા લોકોએ પોલીસ કાર્યવાહીમાં અડચણ ઉભી કરી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, જીગ્નેશ મેવાણી અને સૂર્યસિંહ ડાભી સહિતના લોકોએ પોલીસ સ્ટેશન બહાર બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ સ્થાનિક સમાજને પોલીસ વિરુદ્ધ ઉશ્કેરવાના અને શાંતિ ડહોળવાના હેતુથી વિરોધ કરાયાનો આક્ષેપ કરાયો છે.

જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસ ઉમેદવાર સામે ગુનો

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન જાહેરનામાનો ભંગ કરવા અને પોલીસ કામગીરીમાં ફરજ રુકાવટ બદલ પેથાપુર પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે જીગ્નેશ મેવાણી સહિત સૂર્યસિંહ ડાભી, અજયસિંહ ડાભી સહિતના અજાણ્યા શખ્સો વિરુદ્ધ FIR દાખલ કરીને કાયદાકીય કાર્યવાહી કરી છે.