ગુજરાતમાં OBC જાતિવાર સર્વેની ઉઠી માંગ, ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

રાજસ્થાનમાં થયેલા સર્વેનો હવાલો આપતા ધારાસભ્ય ગુલાબસિંહ મુખ્ય ચાર માંગ કરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 17 Aug 2026 11:54 AM (IST)Updated: Mon, 17 Aug 2026 11:54 AM (IST)
mla-gulabsinh-chauhan-letter-to-cm-bhupendra-patel-demand-obc-caste-survey
MLA Gulabsinh Chauhan letter to CM

OBC Caste Survey Demand: ગુજરાતમાં ઓબીસી (OBC) અનામતના વાસ્તવિક લાભો કયા સમુદાયો સુધી પહોંચ્યા છે અને કયા વર્ગો હજુ પણ તેનાથી વંચિત છે, તે જાણવા માટે રાજ્યવ્યાપી જાતિવાર સર્વે કરવાની માંગ ઉઠી છે. લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ એસ. ચૌહાણે આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે.

રાજસ્થાનના સર્વેનો આપ્યો હવાલો 

ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, રાજસ્થાનમાં અન્ય પછાત વર્ગોમાં અનામતના લાભોનું વિશ્લેષણ કરવા માટે કરવામાં આવેલા સર્વેના આંકડાથી જાણવા મળ્યું છે કે અનામતનો લાભ તમામ પછાત સમુદાયોને સમાન પ્રમાણમાં મળ્યો નથી. ગુજરાતમાં પણ કયા સમુદાયો શિક્ષણ અને સરકારી નોકરીમાં હજુ પાછળ છે, તે જાણવા માટે આંકડાકીય ડેટા હોવો અનિવાર્ય છે.

MLA ગુલાબસિંહની 4 મુખ્ય માંગણી

ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં સરકાર પાસે મુખ્ય ચાર મુદ્દા પર તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી છે:

1. અન્ય પછાત વર્ગ પંચ દ્વારા ગુજરાતમાં તાત્કાલિક રાજ્યવ્યાપી સર્વે કરવામાં આવે.

2. જાતિવાર શિક્ષણ, સરકારી રોજગાર અને અનામતના લાભના આંકડા વૈજ્ઞાનિક રીતે એકત્રિત કરવામાં આવે.

3. આ સર્વેના સંપૂર્ણ અને ચકાસાયેલ પરિણામો જનતા સમક્ષ જાહેર કરવામાં આવે.

4. ડેટાના આધારે ઓબીસીના વંચિત સમુદાયોને ન્યાય મળે તે માટે જરૂરી નીતિગત પગલાં લેવામાં આવે.

'પહેલા સત્યના આંકડા, પછી ન્યાયસંગત નીતિ'

ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું છે કે આંકડા જાહેર થયા વિના OBC અનામતનો વાસ્તવિક લાભ કોને મળ્યો તે અંગેની ચર્ચા માત્ર અનુમાન પર જ આધારિત રહેશે. તેમના મતે, "ઓબીસી હકનો સાચો નિર્ણય આંકડાના આધારે જ થઈ શકે છે, તેથી પહેલા સત્યના આંકડા બહાર આવે અને ત્યારબાદ જ ન્યાયસંગત નીતિ બને તે જરૂરી છે."