Jayrajsinh Parmar Latest News: ગાંધીનગરના માણસાની એક કોલેજમાં ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં ભાજપ નેતા જયરાજસિંહ પરમાર અને રાજવી યોગરાજસિંહ વચ્ચે ઉગ્રબોલાચાલી થઈ હતી. જયરાજસિંહ પરમારે કહ્યું હતું કે, ભારતમાં વર્ણવ્યવસ્થા પહેલેથી જ ગોઠવાયેલી હતી, જેમાં ક્ષત્રિયોની જવાબદારી સમાજની રક્ષા કરવાની હતી. જોકે, તેમણે દેશ ગુલામ બનવા પાછળ અંધશ્રદ્ધા અને વર્ણભેદને જવાબદાર ગણાવતાં વિવાદ સર્જાયો હતો. તેમના આ નિવેદનથી કાર્યક્રમમાં ઉપસ્થિત માણસા સ્ટેટના રાજવી યોગરાજસિંહ રાઓલ નારાજ થયા અને ઉગ્ર બોલાચાલી થઈ હતી.
મળતી માહિતી મુજબ, આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે જયરાજસિંહ પરમાર ભાષણ આપી રહ્યા હતા. યોગરાજસિંહ રાઓલે તેમને વચ્ચે અટકાવીને કહ્યું કે, તમે ક્ષત્રિય સમાજ વિશે ખોટી વાતો ફેલાવી રહ્યા છો. આ પછી, બંને વચ્ચે પાંચ મિનિટ સુધી ઇતિહાસ અંગે બોલાચાલી થઈ હતી. પરિસ્થિતિ વણસે નહીં તે માટે હાજર અન્ય લોકોએ તેમને શાંત પાડવાનો પ્રયાસ કર્યો. આ ઘટના બાદ યોગરાજસિંહ કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા હતા.
કુસંપ, અંધશ્રદ્ધા અને વર્ણવ્યવસ્થાને કારણે ગુલામી: જયરાજસિંહ
જયરાજસિંહ પરમારે જણાવ્યું કે, તેઓ મુખ્ય વક્તા તરીકે માણસા કોલેજના કાર્યક્રમમાં હાજર હતા. પોતાના ભાષણમાં તેમણે 5000 વર્ષ જૂના ઇતિહાસની વાત કરી હતી અને કહ્યું હતું કે, ભારત સોનાની ચિડીયા કહેવાતો હતો, પરંતુ કુસંપ, અંધશ્રદ્ધા અને વધુ પડતી ધાર્મિકતા તેમજ વર્ણવ્યવસ્થાને કારણે આપણે ગુલામ બન્યા. જયરાજસિંહના મતે, આ વર્ણવ્યવસ્થાને કારણે માત્ર ક્ષત્રિયોના ભાગે જ લડવાનું આવ્યું, જેનાથી તેમની સંખ્યા ઓછી થતી ગઈ અને આખરે દેશ ગુલામ બન્યો.
જયરાજસિંહે વધુમાં જણાવ્યું કે, જ્યારે તેઓ આ ઐતિહાસિક વાત કરી રહ્યા હતા, ત્યારે યોગરાજસિંહ રાઓલ ઊભા થઈને કહેવા લાગ્યા કે, આપણે ક્યારેય ગુલામ થયા જ નથી, અમારું સ્ટેટ હતું ત્યારે ગુલામી થઈ જ નથી. જયરાજસિંહે યોગરાજસિંહના આ નિવેદનને ગાંડા જેવી વાત ગણાવી હતી અને કહ્યું હતું કે ગામમાં બધા તેમને ઓળખે છે. તેમણે દાવો કર્યો કે કાર્યક્રમમાં હાજર અન્ય લોકોએ તેમને સમજાવ્યા હતા કે આ બાબતને વધારે લંબાવવી નહીં. જયરાજસિંહના જણાવ્યા મુજબ, બાદમાં કોલેજે આ ઘટના અંગે માફી પત્ર લખીને કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગાન સાથે કર્યું હતું.
જયરાજસિંહ બકવાસ કરી રહ્યા હતા - યોગરાજસિંહ
યોગરાજસિંહ રાઓલે જણાવ્યું કે, તેમને જયરાજસિંહ પરમાર સાથે કોઈ અંગત વાંધો નથી અને તેઓ તેમને વ્યક્તિગત રીતે ઓળખતા પણ નથી. પરંતુ, જયરાજસિંહ જે રીતે ઇતિહાસના તથ્યોનો આધાર લીધા વગર બકવાસ કરી રહ્યા હતા, તે તેમને યોગ્ય ન લાગ્યું. યોગરાજસિંહે કહ્યું કે, તેઓ જે બકવાસ કરી રહ્યા હતા તે મારાથી સહન ન થયું, એટલે જ મેં તેમની વાતનો પ્રતિકાર કર્યો હતો અને પછી કાર્યક્રમ છોડીને ચાલ્યો ગયો હતો.
