Gandhinagar Crime News: ગાંધીનગર જિલ્લાના માણસા પંથકમાં 17 એપ્રિલની મધરાતે તસ્કરોએ માણસા માર્કેટયાર્ડને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઠંડા કલેજે અને કોઈ પણ ડર વગર એક પછી એક 17 થી વધુ દુકાનોના તાળા તોડીને ચોરીને અંજામ આપ્યો છે, જેને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વેપારીઓમાં ભારે રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે.
17 થી વધુ દુકાનોના તાળા તૂટતા
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત રાત્રે તસ્કર ટોળકીએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે માણસા માર્કેટયાર્ડની સુરક્ષા વ્યવસ્થાને ભેદીને અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ લાઈનસર 17 થી વધુ દુકાનોના તાળા તોડી નાખ્યા હતા. આજે વહેલી સવારે જ્યારે વેપારીઓ પોતાનો રોજિંદો વેપાર કરવા માટે માર્કેટ યાર્ડ પહોંચ્યા, ત્યારે આ દ્રશ્યો જોઈને ચોંકી ઉઠ્યા હતા.
તૂટેલા તાળા અને શટર અધખુલ્લા
લાઈનબદ્ધ દુકાનોના તાળા તૂટેલા અને શટર અધખુલ્લા જોઈને વેપારીઓ ફફડી ઉઠયા હતા. દુકાનોની અંદર તપાસ કરતા માલ સામાન વેરવિખેર પડેલો જોવા મળ્યો હતો, અને ગલ્લામાંથી રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મોટી ચોરીના સમાચાર વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં વેપારીઓ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.
માણસા પોલીસ ટીમની તપાસ શરૂ
આ બનાવની જાણ થતા જ માણસા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. એક સાથે 17 થી વધુ દુકાનોના તાળા તૂટ્યાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ડોગ સ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદ લીધી છે.
આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં લાગેલા CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેથી તસ્કરોની ભાળ મેળવી શકાય. હાલમાં પોલીસે ભોગ બનનાર તમામ વેપારીઓની યાદી તૈયાર કરીને કેટલા મુદ્દામાલ અને રોકડની ચોરી થઈ છે, તેની વિગતવાર માહિતી મેળવવા કવાયત શરૂ કરી દીધી છે.
