હવે જમીન વેચાણની નોંધણી થશે માત્ર એક જ દિવસમાં! ગુજરાત સરકારના ઐતિહાસિક જમીન મહેસૂલ સુધારા વિધેયક 2026 પસાર

ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક 2026 વિધાનસભામાં પસાર થયું છે. હવે સાચા વેચાણ દસ્તાવેજની નોંધ તે જ દિવસે પ્રમાણિત થશે, જાણો સંપૂર્ણ વિગત.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 10 Sep 2026 08:51 PM (IST)Updated: Thu, 10 Sep 2026 08:51 PM (IST)
land-sale-registration-will-now-be-completed-in-just-one-day-the-gujarat-government-has-passed-the-historic-land-revenue-amendment-bill-2026

Land Revenue Bill: ગુજરાતના લાખો ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાજ્ય સરકારે એક અત્યંત મોટો અને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. મહેસૂલ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલ ‘ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, 2026’ને વિધાનસભા દ્વારા સર્વાનુમતે પસાર કરી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ 'વિકસિત ગુજરાત'ના સંકલ્પને સાકાર કરવા તરફ આ એક સીમાચિહ્નરૂપ પગલું છે.

ધક્કા ખાવાની ઝંઝટનો અંત

સરકારી કચેરીઓમાં ખેતીની જમીનના વેચાણ અંગેની નોંધ (Mutation Entry) પ્રમાણિત કરાવવા માટે અગાઉ ખેડૂતો અને નાગરિકોને મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી, જેનાથી તેમના સમય અને શક્તિનો મોટો વ્યય થતો હતો. આ જટિલ પ્રક્રિયાનો લાભ ઉઠાવીને કેટલાક લેભાગુ તત્વો અને વચેટિયાઓ બોગસ વાંધાઓ ઊભા કરીને સામાન્ય જનતાનું શોષણ કરતા હતા.

આ વિલંબ અને ભ્રષ્ટાચારને ડામવા માટે રાજ્ય સરકારે ઈ-ધરા (e-Dhara) જેવા ડિજિટલ માધ્યમો બાદ હવે આ કાયદાકીય કડક સુધારો અમલમાં મૂક્યો છે.

હવે જમીન વેચાણની નોંધ તે જ દિવસે પ્રમાણિત

આ નવા સુધારાની સૌથી મોટી વિશેષતા એ છે કે જો કોઈ ખેડૂત કે નાગરિક પોતાના હકની જમીનનો સાચો અને સ્પષ્ટ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરે, તમામ ખાતેદારોની પરસ્પર સંમતિ હોય અને અગાઉથી કોઈ વિવાદ ન હોય, તો તે જ દિવસે તેની નોંધ પાડીને પ્રમાણિત કરવામાં આવશે.

આ ઉપરાંત, અદાલત કે ટ્રિબ્યુનલના આદેશોના આધારે થતી નોંધો માટે પણ કોઈપણ નોટિસ વગર હુકમ મળતાં જ તરત જ પ્રમાણિત કરવાની જોગવાઈ કરાઈ છે.

પારદર્શિતા અને 'ઈઝ ઓફ લિવિંગ' તરફ મોટું પગલું

આ વિધેયક માત્ર કાયદાકીય બદલાવ નથી, પરંતુ તે ગુજરાતના રોકાણકારો, મધ્યમ વર્ગ અને ખેડૂતો માટે ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ અને ‘ઈઝ ઓફ લિવિંગ’ પૂરું પાડનારું માધ્યમ બનશે. રાજ્ય સરકાર અગાઉ વટહુકમ (Ordinance) દ્વારા આનો અમલ શરૂ કરી ચૂકી હતી, જેને હવે કાયદેસરનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. કાયદેસર હક ધરાવતા સાચા ખરીદનારાઓ (Genuine buyers)ને આનાથી ભારે રાહત મળશે અને સરકારી કચેરીઓમાં થતી હેરાનગતિનો કાયમી અંત આવશે.