ગુજરાત અને મુંબઈ વચ્ચે પ્રાણી વિનિમય, 4 સિંહ સામે જૂનાગઢના સક્કરબાગ ઝૂને મળશે 6 કેપુચિન વાનર

મુંબઈના રાણી બાગ અને જૂનાગઢ ઝૂ વચ્ચે પ્રાણી વિનિમય કરાર ઝડપી બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 05 Nov 2026 11:57 PM (IST)Updated: Thu, 05 Nov 2026 11:57 PM (IST)
junagadh-sakkarbaug-zoo-to-exchange-four-asiatic-lions-for-six-capuchin-monkeys-mumbai-ranibaug-zoo

Sakkarbaug Zoo Animal Exchange: ગુજરાત સરકાર અને બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે પ્રાણી વિનિમય કરાર કરવામાં આવ્યો છે. જે હેઠળ જૂનાગઢ સ્થિત સક્કરબાગ ઝૂઓલોજિકલ પાર્ક 4 એશિયાટિક સિંહ મુંબઈના ભાયખલા સ્થિત અને 'રાણી બાગ' તરીકે જાણીતા વીરમાતા જીજાબાઈ ભોસલે બોટનિકલ ગાર્ડન એન્ડ ઝૂ તંત્રને સોંપશે. જેની સામે 6 ટફ્ટેડ કપુચિન વાંદરા (Tufted Capuchin Monkeys) ટ્રાન્સફર પ્રાપ્ત કરશે.

મુંબઈના મેયર રિતુ તાવડેએ બુધવારની સાંજે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી, જેમાં એનિમલ એક્સચેન્જનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવિત પ્રાણી વિનિમય (Animal Exchange) સંબંધિત તમામ જરૂરી કાનૂની અને વહીવટી ઔપચારિકતા ઝડપથી પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને ખાસ સૂચનાઓ આપી હતી.

આ પ્રસ્તાવિત પ્રાણી વિનિમય યોજના હેઠળ, જૂનાગઢ સ્થિત સક્કરબાગ ઝુઓલોજીકલ પાર્ક દ્વારા મુંબઈ રાણી બાગને 2 નર અને 2 માદા એમ કુલ 2 જોડી એટલે કે ચાર એશિયાટિક સિંહ આપવામાં આવશે. તેના બદલામાં, મુંબઈનું ભાયખલા ઝૂ સક્કરબાગ ઝૂઓલોજિકલ પાર્કને 3 જોડી એટલે કે કુલ 6 ટફ્ટેડ કપુચિન વાંદરા (Tufted Capuchin Monkeys) ટ્રાન્સફર કરશે.

બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના અધિકૃત નિવેદન અનુસાર, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત વહીવટી તંત્રને તમામ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા અને બંને પ્રાણીસંગ્રહાલય વચ્ચે ટૂંક સમયમાં MoU સાઈન કરવાની પ્રક્રિયા શરૂ કરવાની સૂચના આપી છે. ગુજરાત સરકાર ટૂંક સમયમાં આ અંગેનો ઔપચારિક મંજૂરી પત્ર અને મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) ડ્રાફ્ટ બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને મોકલશે.

BMC એ સ્પષ્ટ કર્યું છે કે બંને પ્રાણીસંગ્રહાલય આ વિનિમય માટે અગાઉથી જ પોતાની સંમતિ આપી દીધી છે. આ ઉપરાંત, BMC દ્વારા એ પણ પુષ્ટિ કરવામાં આવી કે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA) દ્વારા મંજૂર કરાયેલા માસ્ટર લેઆઉટ પ્લાન મુજબ રાણી બાગ ખાતે એશિયાટિક સિંહો માટે આધુનિક એનક્લોઝર (રહેઠાણ) નિર્માણનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

ગાંધીનગર ખાતે મેયર રિતુ તાવડેએ ગુજરાતના વન રાજ્ય મંત્રી પ્રવીણકુમાર માળી સાથે પણ મુલાકાત કરી અને સિંહોના ટ્રાન્સફરની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા વિનંતી કરી હતી. વન મંત્રી પ્રવીણકુમાર માળીએ તેમની રજૂઆતનો સ્વીકાર કરીને વન વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને ત્વરિત અને જરૂરી કાર્યવાહી હાથ ધરવા નિર્દેશ આપ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ બેઠકમાં ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા, ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ અને BMC ઝૂ ડાયરેક્ટર ડૉ. સંજય ત્રિપાઠી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારે આ કરાર અંગે આગળ વધવા માટે અધિકારીઓને આદેશ આપ્યા છે, પરંતુ હજુ સુધી તમામ કાનૂની ઔપચારિકતા પૂર્ણ થવાની બાકી છે અને મુંબઈમાં સિંહોના આગમન અંગે કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી.