IIT Gandhinagar research on Assam flood: ચોમાસા દરમિયાન લાલ-બ્રાઉન રંગે વહેતી ભારતની નદીઓ માત્ર કાદવ-કીચડ નથી વહાવતી, પરંતુ તેની અંદર જમીનની ફળદ્રુપતા વધારતો અને સમુદ્ર કિનારાના ડેલ્ટાનું રક્ષણ કરતો અમૂલ્ય કાંપ (Sediment) છુપાયેલો હોય છે. આ કાંપના વહનની કુદરતી પ્રક્રિયામાં આવતા ફેરફાર કેવી રીતે વિનાશક પૂર નોંતરે છે, તે અંગે IIT ગાંધીનગરના ભૂ-વિજ્ઞાન વિભાગે બ્રિટનની યુનિવર્સિટી ઓફ લીડ્ઝ સાથે મળીને એક મહત્વનો અભ્યાસ કર્યો છે.
નદીઓના કાંપ વહન પર IIT ગાંધીનગર દ્વારા સંશોધન
નદીઓમાં રહેલા કાંપ વહનની કુદરતી પ્રક્રિયામાં આવી રહેલા મોટા ફેરફારો પર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IIT-GN) ના ભૂ-વિજ્ઞાન વિભાગના સંશોધકોએ બ્રિટનની યુનિવર્સિટી ઓફ લીડ્ઝ સાથે મળીને બે મહત્વના વૈજ્ઞાનિક અભ્યાસ કર્યા છે. આ સંશોધનો દર્શાવે છે કે કુદરતી આફતો અને માનવસર્જિત ડેમોના કારણે નદીઓની ભૌગોલિક રચના કેવી રીતે બદલાઈ રહી છે.
બ્રહ્મપુત્રા નદીનો કાંપ અને આસામમાં પૂર પાછળનું ગણિત
સંશોધન મુજબ, વિશ્વની સૌથી મોટી નદીઓ પૈકીની એક એવી બ્રહ્મપુત્રા નદી દર વર્ષે 500 થી 1000 મિલિયન ટન કાંપ પોતાની સાથે વહાવી લાવે છે. આ પ્રચંડ જથ્થો આશરે 2.5 થી 5 મિલિયન જેટલી વિશાળ બ્લુ વ્હેલના વજન બરાબર કહી શકાય. પૂર્વ હિમાલય વિસ્તારમાં વર્ષ 2000 માં યીગોંગ અને વર્ષ 2017, 2018 તેમજ 2021 માં સેનડોંગપુ ખાતે થયેલા વિશાળ ભૂસ્ખલનની ઘટના બાદ બ્રહ્મપુત્રા નદીના પ્રવાહમાં મોટો બદલાવ નોંધાયો છે.
બારીક કાંપના કારણે કેવી રીતે સર્જાય છે પૂરની સ્થિતિ?
IIT-ગાંધીનગરના ડૉ. અભિષેક દીક્ષિત અને પ્રોફેસર વિક્રાંત જૈનની આગેવાની હેઠળ થયેલા આ અભ્યાસમાં સંશોધકોએ ગૂગલ અર્થ એન્જિનના સેટેલાઈટ ડેટાની મદદથી ટ્રેક કર્યું કે, આ ભૂસ્ખલનથી પેદા થયેલો બારીક કાંપ નદીના વહેણ સાથે આશરે 1000 કિલોમીટર દૂર છેક ડેલ્ટા સુધી પહોંચી જાય છે. જોકે, કાંપમાં રહેલા ભારે કણ અને પથ્થરો પર્વતીય ક્ષેત્ર પૂરો થતાં જ શરૂઆતના 100 કિલોમીટરના વિસ્તારમાં ઠલવાઈ જાય છે.
આ કણો નદીના તળિયામાં જમા થતા પાણીના સ્તરમાં અસાધારણ વધારો થાય છે. અભ્યાસ મુજબ, આ 100 કિલોમીટરના પટ્ટામાં રેતીના ઢગલા (સેન્ડબાર્સ) ના ક્ષેત્રફળમાં 20% થી 35% નો જંગી વધારો થયો છે. નદીના તળિયા પૂરાઈ જવાને કારણે તેની પાણી વહન કરવાની ક્ષમતા ઘટે છે, જે હાલમાં આસામ રાજ્યમાં આવી રહેલા વિનાશક પૂર માટે એક મોટું કારણ હોઈ શકે છે.
ગોદાવરી નદી-ડેમની આડઅસર: અડધો થશે ડેલ્ટા વિસ્તાર
બીજી તરફ, દ્વીપકલ્પ ભારતની મધ્યમાંથી વહેતી અને કરોડો લોકોની જીવાદોરી સમાન આશરે 1500 કિલોમીટર લાંબી ગોદાવરી નદીમાં સાવ જુદો જ ટ્રેન્ડ જોવા મળ્યો છે. સદીઓથી દક્ષિણના પઠારમાંથી પૂરતો કાંપ આવીને બંગાળની ખાડી નજીક ફળદ્રુપ ડેલ્ટાનું નિર્માણ કરતી ગોદાવરી નદી પર બંધાયેલા વિશાળ ડેમોએ આખી પ્રક્રિયા ખોરવી નાખી છે.
નદી પર બનેલા આ ડેમો રસ્તા પરના મોટા ચેક પોઈન્ટની જેમ કામ કરે છે, જે નદીના પાણીને તો આગળ જવા દે છે પરંતુ તેની સાથે વહેતા કાંપના જથ્થાને ડેમના જળાશયોમાં જ કેદ કરી લે છે. આ કારણોસર, ગોદાવરી નદીના ડેલ્ટા સુધી પહોંચતો કાંપ ઘટીને માત્ર 20% જેટલો જ રહી ગયો છે. વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે આ રીતે કાંપ અટકવાથી ગોદાવરીનો ડેલ્ટા વિસ્તાર ભવિષ્યમાં સંકોચાઈને અડધો થઈ જશે, જેના લીધે દરિયાઈ ધોવાણ અને સમુદ્રની વધતી જતી સપાટીથી આ કિનારાના વિસ્તારો ભારે જોખમમાં મુકાઈ જશે.
વ્યૂહાત્મક આયોજનની અનિવાર્યતા
પ્રોફેસર વિક્રાંત જૈન અને સંશોધક ટીમનું માનવું છે કે દેશમાં ઊર્જા અને પાણીની સંગ્રહ ક્ષમતા વધારવા માટે ડેમોનું નિર્માણ જરૂરી છે, પરંતુ તેની સાથે નદીઓની કાંપ વહનની કુદરતી ક્ષમતા જળવાઈ રહે તેવું આયોજન કરવું પડશે. પૂર વ્યવસ્થાપન, જળાશયોના આયોજન અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની ડિઝાઈનિંગમાં નદીઓના કાંપને ધ્યાનમાં રાખવો અનિવાર્ય છે. આ વૈજ્ઞાનિક તારણો ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અને સંયુક્ત રાષ્ટ્રના સેન્ડાઈ ફ્રેમવર્ક ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનના ધ્યેયો સાથે સુસંગત છે.
