ગાંધીનગર.
સંશોધનની નવી સીમાઓ ખોલતા, ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (IIT-GN)ની બે PhD સ્કોલર્સ, આહના ઘોષ અને શ્રુતિ સિંઘે પ્રતિષ્ઠિત ફૂલબ્રાઇટ-નેહરુ ડોક્ટરલ રિસર્ચ ફેલોશિપ્સ 2023-24 જીતી છે. યુનાઈટેડ સ્ટેટ્સ-ઈન્ડિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશન (USIEF) અને ભારતમાં ફૂલબ્રાઈટ કમિશન દ્વારા સ્થાપિત આ પ્રતિષ્ઠિત ફેલોશિપ, સખત સમીક્ષા પ્રક્રિયા પછી દર વર્ષે માત્ર મુઠ્ઠીભર ઉમેદવારોને આપવામાં આવે છે.
IIT ગાંધીનગરમાં માનવતા અને સામાજિક વિજ્ઞાનમાં PhD સ્કોલર આહના ઘોષ હાલમાં પ્રોફેસર શારદા સીવીના માર્ગદર્શન હેઠળ પ્રાચીન હડપ્પાના આહાર અને પ્રથાઓ પર કામ કરી રહી છે. તેણીના ફૂલબ્રાઈટ કાર્યકાળ દરમિયાન, તે ભારતના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ભાગોમાં પસંદ કરેલ હડપ્પન વસાહતોમાંથી પ્રાચીન હડપ્પન ખોરાક પ્રથાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા, યુએસએના માનવશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર કેથલીન મોરિસનની દેખરેખ હેઠળ કામ કરશે. તેણીના અભ્યાસ દ્વારા તેણીનો હેતુ સિરામિક્સની અંદરના કાર્બનિક અવશેષોમાં રહેલા બાયોમોલેક્યુલર ઘટકોનું પૃથ્થકરણ કરીને આ વસાહતોના રહેવાસીઓના આહાર અને પ્રથાને શોધી કાઢવાનો છે.
દક્ષિણ એશિયાના પુરાતત્વમાં આહાર અભ્યાસ હજુ પણ ગર્ભસ્થ તબક્કામાં છે. આમ, પરંપરાગત સિરામિક અભ્યાસોનું પુનઃમૂલ્યાંકન કરવું જોઈએ અને અદ્યતન વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને 'ફૂડ એન્થ્રોપોલોજી' અને 'સાંસ્કૃતિક ઈકોલોજી'ની વિવિધ બારીકાઈઓ સાથે પ્રાચીન ફૂડવેઝનો વ્યાપક દૃષ્ટિકોણ વિકસાવવો જોઈએ. હડપ્પનકાળમાં કબરમાં સાથી રખાનારા ખોરાક એ તેમના સંશોધનનું બીજું મહત્વનું પાસું છે, અને તેનો હેતુ હડપ્પન સાંસ્કૃતિક ટોપોગ્રાફીમાં કબરના સામાન તરીકે જોવા મળતા વાસણોના અવશેષોની તપાસ કરવાનો છે.
આહના દ્વારા અગાઉના સંશોધન કાર્યમાં ગુજરાતમાં રહેણાંક અને કબરો એમ બંને રીતે ખોદવામાં આવેલી હડપ્પન વસાહતોમાંથી સિરામિક્સ પર લિપિડ્સની હાજરી દર્શાવવામાં આવી છે, જે આ સંશોધનને વધુ વ્યાપક સ્તરે કરવા તરફ નિર્દેશ કરે છે. વધુમાં કચ્છ પ્રદેશમાં રહેતા સમુદાયો પરના તેમના ખાદ્ય એથનોગ્રાફિક સર્વેક્ષણે આ પ્રદેશના ખોરાકીય લેન્ડસ્કેપ અને ખોરાકની આસપાસના લોકોના વર્તનના વિવિધ પાસાઓ પર પ્રકાશ ફેંક્યો છે.
આ સિદ્ધિ પર પોતાના વિચારો વ્યક્ત કરતાં આહના ઘોષે કહ્યું, આ સ્કોલરશીપ મારા માટે આ સંશોધનને મોટા પાયે આગળ ધપાવવા માટેનું એક મોટું પ્રોત્સાહન છે અને મને ખોરાકની પ્રાચીન પ્રથાઓને વ્યાપકપણે શેર કરવા માટે એક અભૂતપૂર્વ પ્લેટફોર્મ પૂરું પાડશે. હું પ્રોફેસર શારદા, સેન્ટર ફોર આર્કિયોલોજિકલ સાયન્સના અન્ય ફેકલ્ટી, અને IITGNનો હૃદયપૂર્વક આભાર માનું છું, જેમણે મારા ફૂલબ્રાઈટ સપનાને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હું પ્રોફેસર મોરિસન સાથે કામ કરવા આતુર છું.
શ્રુતિ સિંઘ, IIT-GN ખાતે કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં PhD સ્કોલર, જેમનું PhD સંશોધન IITGN ખાતે પ્રોફેસર મયંક સિંઘના માર્ગદર્શન હેઠળ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને ડીપ લર્નિંગ તકનીકો સાથેના એવા સાધનો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેથી સંશોધન ચક્રના વિવિધ તબક્કામાં સંશોધકોને મદદ કરી શકાય અને જ્ઞાનની શોધની પ્રક્રિયાને વેગ આપી શકાય. તે પ્રોફેસર અરમાન કોહન સાથે કામ કરવા યુએસએની યેલ યુનિવર્સિટી જશે. તે વૈજ્ઞાનિક ગ્રંથો જેમ કે સંશોધન પત્રો અને પીઅર-રિવ્યુ મશીનથી વાંચી શકાય તેવા અને સમજી શકાય તેવું બનાવવાનું કામ કરશે. સંશોધકોને સંશોધન પત્રોને કાર્યક્ષમ અને અસરકારક રીતે સમજવામાં મદદ કરવા માટે તાલીમ મોડલ દ્વારા વૈજ્ઞાનિક પ્રગતિને વેગ આપવાનો તેનો હેતુ છે.
વર્તમાન મોડલ માત્ર પેપરના શીર્ષક અને સારનો ઉપયોગ કરે છે અને તેમાં સંશોધન પેપર વિશે ઊંડાણપૂર્વક જ્ઞાનનો અભાવ છે. ChatGPT જેવા મૉડલ્સ ઘણીવાર આભાસ ઊભો કરે છે અને ખોટી માહિતી જનરેટ કરે છે. સંશોધન પેપર વાંચવા માટે આવા મોડેલો અવિશ્વસનીય છે. તેના સંશોધન દ્વારા શ્રુતિ એવા મોડેલ્સ વિકસાવવા માંગે છે જે સંશોધન પેપરના સંપૂર્ણ ટેક્સ્ટને ઍક્સેસ કરે, તેના વિવિધ પાસાઓ વચ્ચે તફાવત કરી શકે, અને વિશ્વસનીય જ્ઞાનના આધારે ટેક્સ્ટ જનરેટ કરે.
તેનો ઉત્સાહ શેર કરતાં શ્રુતિ સિંહે જણાવ્યું કે, હું આ અદ્દભૂત તકનો પ્રારંભ કરવા અને સંશોધન પેપરની સમજ માટે AI-આસિસ્ટેડ ટેક્નોલોજીની શક્યતાઓ શોધવા માટે રોમાંચિત છું. હું મારા સલાહકાર પ્રોફેસર મયંક સિંઘનો તેમના સમર્થન અને માર્ગદર્શન માટે, મારા હોસ્ટ સલાહકાર પ્રોફેસર અરમાન કોહનનો મને હોસ્ટ કરવા માટે સંમત થવા બદલ, અને આ અદ્ભુત તક પૂરી પાડવા બદલ USIEFનો આભાર માનું છું.
