'TVમાં દેખાય એટલે સ્ટાર નહીં. રીલ જોઈને નિર્ણય ન લો, પ્રશ્ન પૂછો': ગાંધીનગરમાં IAS તુકારામ મુંડેની વિદ્યાર્થીઓને સલાહ

મહારાષ્ટ્ર FDA કમિશનર તુકારામ મુંડે કર્ણાવતી યુનિવર્સિટી ખાતે એક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 27 Sep 2026 12:26 PM (IST)Updated: Sun, 27 Sep 2026 12:26 PM (IST)
ias-tukaram-mundhe-gujarat-visit-gandhinagar-karnavati-university-interaction-with-students
IAS Tukaram Mundhe Gujarat Visit

IAS Tukaram Mundhe Gujarat Visit: મહારાષ્ટ્રના અન્ન અને ઔષધ વહીવટીતંત્ર (FDA) ના કમિશનર IAS તુકારામ મુંડેએ પ્રથમ વખત ગુજરાતની મુલાકાત લઈને ગાંધીનગરમાં કર્ણાવતી યુનિવર્સિટીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે સીધો અને ખુલ્લા મને સંવાદ કર્યો હતો. તેમણે યુવાનોને સોશિયલ મીડિયા કે રીલ જોઈને નિર્ણય ન લેવા અને ટીવી પર ભ્રામક ખાદ્ય જાહેરાત કરનારાઓને 'સ્ટાર' ન ગણવા સૂચન કર્યું હતું.

'રીલ જોઈને નિર્ણય ન લો, પ્રશ્ન પૂછો': યુવા પેઢીને સંદેશ

મહારાષ્ટ્રના અન્ન અને ઔષધ વહીવટીતંત્રના કમિશનર તુકારામ મુંડેએ કર્ણાવતી યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ બેઠકમાં જણાવ્યું હતું કે, યુવાનોએ કોઈપણ વાતને અધૂરી રીતે સમજીને નિર્ણય કે વિરોધ ન કરવો જોઈએ. તેમણે આહવાન કર્યું હતું કે "રીલ જોઈને નિર્ણય ન લો, પ્રશ્ન પૂછો, હકીકત જાણો અને એવું કામ કરો કે સિસ્ટમ હલી જવી જોઈએ."

તેમણે ઉમેર્યું હતું કે, દેશ અને સમાજની સ્થિતિ સુધારવા માટે માત્ર ટીકા કરવાથી પરિવર્તન નહીં આવે, પરંતુ વ્યવસ્થામાં જવાબદારીપૂર્વક ભાગ લેવાની જરૂર છે. સોશિયલ મીડિયા પર મળતી માહિતીના આધારે તરત નિર્ણય લેવાને બદલે પ્રશ્નો પૂછવાની અને સત્ય જાણવાની ટેવ કેળવવી જોઈએ.

 

 

ખોટી ખાદ્ય જાહેરાતો અને અનૈતિક પ્રચાર સામે લાલ આંખ

ટેલિવિઝન પર આવતી ખોટી અને ભ્રામક ખાદ્ય જાહેરાત અંગે સાવચેત કરતા તુકારામ મુંડેએ સ્પષ્ટ કર્યું હતું કે, ટીવી કે મોટી જાહેરાતમાં કોઈ જાણીતી વ્યક્તિ દેખાય એટલે ઉત્પાદનને આપમેળે સલામત કે યોગ્ય માની લેવું જોઈએ નહીં. ખાદ્ય પદાર્થો અંગે ખોટો કે ભ્રામક પ્રચાર કરવો એ કાયદાની દૃષ્ટિએ અત્યંત ગંભીર બાબત છે.

આવો ગેરમાર્ગે દોરનાર પ્રચાર કરનારાઓને 'સ્ટાર' ન કહેવા જોઈએ, કારણ કે તેમનું આ કામ અનૈતિક હોવાની સાથે ગેરકાયદે પણ છે અને આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. તેમણે યુવાનોને માત્ર સ્વાદિષ્ટ, ઓઈલી અને મસાલેદાર ખોરાકની પાછળ દોડવાને બદલે સલામત, ગુણવત્તાયુક્ત અને ધોરણસરનો ખોરાક પસંદ કરવાની અપીલ કરી હતી.

મિત્રની બર્થડે પાર્ટી પછી હોટલ પર દરોડો પાડી સીલ કરી

પોતાની કામગીરીનો એક રસપ્રદ કિસ્સો શેર કરતાં તુકારામ મુંડેએ જણાવ્યું કે તેઓ એકવાર મિત્રની જન્મદિવસની ઉજવણી માટે હોટલમાં ગયા હતા. ત્યાં લાયસન્સ લગાવેલું ન હતું, પનીર એનાલોગ હતું અને વેઈટર મફત આપવાના પાણી માટે પણ સાદું કે મિનરલ વોટર વિશે પૂછતો હતો. મિત્રનો જન્મદિવસ ન બગડે તે માટે તેમણે તે દિવસે કોઈ કાર્યવાહી કે વાંધો ન ઉઠાવ્યો, પરંતુ બીજા જ દિવસે તે હોટલમાં દરોડો પાડીને નિયમોના ભંગ બદલ સીલ કરી દીધી હતી.

કોરોનાકાળમાં દુઃખદ અનુભવ અને મારી નાખવાની ધમકી

નાગપુર પાલિકામાં કમિશનર તરીકે ફરજ દરમિયાન પોતાના વોર્ડમાં કોરોનાથી એક વ્યક્તિનું મોત થતાં તેઓ અત્યંત દુઃખી થયા હતા. 'શું મારી ફરજમાં ક્યાંક કચાશ રહી ગઈ?' તેવા વિચારને કારણે તેમને સતત ત્રણ રાત-દિવસ સુધી ઊંઘ આવી ન હતી અને આજે પણ તે મૃતકનો ચહેરો તેમને યાદ છે.

વર્ષ 2017માં તેમને મારી નાંખવાની ધમકીઓ મળી હતી. દરોડા દરમિયાન હપ્તાની લાલચ અને બદલીની ધમકી મળવા છતાં તેમણે ડર્યા વગર નિષ્ઠા અને પ્રામાણિકતાથી કામ કર્યું હતું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે 'ધમકીઓથી ડર નથી લાગતો?', ત્યારે તેમણે સામે પૂછ્યું કે 'તમને શેનો ડર લાગે છે?' જવાબમાં 'મોતથી' સાંભળીને મુંડેએ કહ્યું હતું કે તમે હાલ મરેલા જ છો, "મરીને જીવવું એના કરતાં જીવીને મરવું સારું."

ખાદ્ય સુરક્ષા, સિસ્ટમમાં કયા સુધારા ઈચ્છે છે IAS તુકારામ?

તુકારામ મુંડેએ ખાદ્ય અને ઔષધ સુરક્ષા ક્ષેત્રે નીચે મુજબના ક્રાંતિકારી સુધારા કરવાની જરૂરિયાત દર્શાવી હતી:

  • જાહેર આરોગ્યનો મુદ્દો: ખાદ્ય સુરક્ષાને માત્ર કાયદાનો વિષય ન ગણતા તેને જાહેર આરોગ્યનો મુખ્ય મુદ્દો બનાવવો જોઈએ.
  • કાયમી વ્યવસ્થા: માત્ર દરોડા પાડવાને બદલે સિસ્ટમમાં કાયમી સુધારાવાળી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ.
  • અભ્યાસક્રમમાં સમાવેશ: શિક્ષણ વ્યવસ્થામાં ખોરાક અને ઔષધોની સલામતી અંગેનો અભ્યાસક્રમ સામેલ કરવો જોઈએ તથા બાળકોને ઘરેથી જ ખોરાકનું પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ.
  • નાગરિકોની સુનાવણી: નાગરિકે કરેલી ફરિયાદ પછી તેને સત્તાવાર જવાબ પણ મળવો જોઈએ.
  • ઝડપી તપાસ: લેબોરેટરીમાં નમૂનાની તપાસ પ્રક્રિયા વધુ ઝડપી બનવી જોઈએ.
  • સાધનોની કિંમતમાં પારદર્શિતા: હોસ્પિટલમાં વપરાતી દવાઓ ઉપરાંત તબીબી સાધનોની કિંમતમાં પારદર્શિતા લાવવી જોઈએ.
  • વેપારીઓ માટે નીતિ: પ્રમાણિક વેપારીઓને તકલીફ ન પડવી જોઈએ, પરંતુ નિયમ તોડનારા સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
  • સંસ્થાઓની મજબૂતી: અધિકારી નહીં પરંતુ સંસ્થા પોતે મજબૂત બને તેવા પ્રયાસો કરવા જોઈએ.