Homestay Policy Gujarat: ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં 'હોમસ્ટે' બનશે મહત્વપૂર્ણ એસેટ, સ્થાનિક સંસ્કૃતિ સાથે રોજગારી અને આતિથ્યને મળશે વેગ

ગુજરાતની હોમસ્ટે પોલિસી-2020 પ્રવાસીઓને સ્થાનિક સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલીનો અનુભવ કરાવે છે. તે ગ્રામ્ય રોજગારી, મહિલા સશક્તિકરણ અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપી પ્રવાસન ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 09 Sep 2026 04:24 PM (IST)Updated: Wed, 09 Sep 2026 04:29 PM (IST)
homestay-policy-in-gujarat-boosting-local-tourism-culture-and-employment

Homestay Policy Gujarat: ગુજરાતમાં પ્રવાસીઓને સ્થાનિક સંસ્કૃતિ, પરંપરા, જીવનશૈલી અને આતિથ્યનો નજીકથી અનુભવ મળે તે માટે રાજ્ય સરકાર ના પ્રવાસન વિભાગ દ્વારા હોમસ્ટે રજીસ્ટ્રેશન પોલિસી-2020થી અમલમાં મૂકવામાં આવી છે. હોમસ્ટે દ્વારા પ્રવાસીઓને હોટેલ કરતાં અલગ, સ્થાનિક પરિવાર સાથે રહીને ગુજરાતની સંસ્કૃતિ, સ્થાનિક ભોજન અને જીવનશૈલીનો વાસ્તવિક અનુભવ મેળવવાની તક મળે છે.

ગુજરાતના વિકસતા પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં આગામી સમયમાં હોમસ્ટે એકમો મહત્વપૂર્ણ એસેટ તરીકે ઉભરી શકે છે. રાજ્યમાં વિવિધ મોટા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો, ઉત્સવો, કોન્ફરન્સ અને પ્રવાસન આધારિત મેગા ઇવેન્ટ્સ યોજાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પ્રવાસીઓ માટે વધારાની અને વૈવિધ્યસભર આવાસ ક્ષમતાની જરૂરિયાત ઊભી થશે. આવા સમયે નોંધાયેલ અને ગુણવત્તાયુક્ત હોમસ્ટે પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ વિકલ્પ બની શકે છે.

હોમસ્ટે માત્ર આવાસની સુવિધા પૂરતી મર્યાદિત ન રહીને અનુભવ આધારિત પ્રવાસન ને પ્રોત્સાહન આપે છે. ગ્રામ્ય જીવનશૈલી, હસ્તકલા, સ્થાનિક ભોજન અને પરંપરાગત આતિથ્યનો અનુભવ પ્રવાસીઓને કરાવી શકાય છે. સાથે જ તે ગ્રામ્ય રોજગારી અને મહિલાઓના સશક્તિકરણને પણ પ્રોત્સાહન આપે છે.

naidunia_image

હોટેલ શ્રેણીમાં જેમ સુવિધાઓના આધારે વન સ્ટાર થી લઈને 7 સ્ટાર સુધીની કેટેગરી હોય છે, તેમ હોમ સ્ટેમાં સિલ્વર , ગોલ્ડ અને પ્લેટિનમ શ્રેણી હોય છે. જે અંતર્ગત ગુજરાતમાં હાલ 255 સિલ્વર, 8 ગોલ્ડ અને 7 પ્લેટિનમ કેટેગરીના હોમસ્ટેનો આમ કુલ 270 હોમ સ્ટે નોંધાયેલ છે.

હોમસ્ટે માલિકોને પ્રવાસન કમિશ્નરની કચેરી દ્વારા ટૂંકાગાળાની તાલીમ અને માર્કેટિંગ માર્ગદર્શન પણ આપવામાં આવે છે. નોંધાયેલ હોમસ્ટેની વિગતો ગુજરાત પ્રવાસન નિગમની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી પ્રવાસીઓને આવા એકમો અંગે માહિતી સરળતાથી મળી શકે.

હોમસ્ટે ક્ષેત્રના વિસ્તરણથી સ્થાનિક લોકો માટે વધારાની આવક અને રોજગારીની તકો, સ્થાનિક ઉત્પાદનો અને હસ્તકલાને બજાર તથા પ્રવાસીઓને વધુ અધિકૃત અને વ્યક્તિગત પ્રવાસન અનુભવ મળી શકે છે. આથી ગુજરાતમાં પ્રવાસનના લાભોને શહેરોની બહાર ગ્રામ્ય અને સ્થાનિક સમુદાયો સુધી પહોંચાડવામાં પણ હોમસ્ટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

naidunia_image

હોમસ્ટે તરીકે નોંધણી કરવા ઇચ્છુક નાગરિકો પ્રવાસન કમિશ્નરની કચેરીની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે:

હોમસ્ટે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો: https://commissionertourism.gujarat.gov.in/

નોંધણી પ્રક્રિયામાં જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કર્યા બાદ સ્થળની ભૌતિક ચકાસણી કરવામાં આવે છે અને સુવિધાઓના આધારે હોમસ્ટેને પ્લેટિનમ, ગોલ્ડ અથવા સિલ્વર કેટેગરી આપવામાં આવે છે.

આગામી સમયમાં ગુજરાતમાં પ્રવાસનનો વ્યાપ વધવાની સાથે હોમસ્ટે ક્ષેત્ર સ્થાનિક આતિથ્ય, સંસ્કૃતિ અને રોજગારીને જોડતું મહત્વપૂર્ણ માધ્યમ બની શકે છે, જેના પરિણામે રાજ્યના સમગ્ર પ્રવાસન અને હોસ્પિટાલિટી ઇકોસિસ્ટમને વધુ મજબૂતી મળશે.

હોમ સ્ટે પ્રવાસીઓને માત્ર રહેવાની સુવિધા પુરી પાડવાનું જ માધ્યમ નથી

આ અંગે હોમ સ્ટે સંચાલક હરસિમ્રતકૌર લખબીરસિંગ ડાંગે જણાવ્યું કે, ગુજરાત ટુરિઝમ સાથે નોંધાયેલ હોમસ્ટે તરીકેની અમારી સફર ખૂબ જ આનંદદાયક અને સમૃદ્ધ રહી છે. હોમસ્ટે પોલિસી હેઠળ મળેલી માન્યતા અને માર્ગદર્શને અમારા હોમસ્ટેને વિશ્વસનીયતા આપી છે અને પ્રવાસીઓને ગુજરાતની ઉષ્મા, સંસ્કૃતિ અને આતિથ્યનો અધિકૃત અનુભવ કરાવવામાં મદદ કરી છે.

અમારા માટે હોમસ્ટે માત્ર રહેવાની સુવિધા પૂરી પાડવાનું માધ્યમ નથી, પરંતુ પ્રવાસીઓને સ્થાનિક અનુભવો સાથે જોડવાનું અને અર્થપૂર્ણ સંબંધો બનાવવાનું માધ્યમ છે. હોમસ્ટે પોલિસી નાના ઉદ્યોગસાહસિકો અને પરિવારોને પણ પ્રવાસન ક્ષેત્રની અર્થવ્યવસ્થામાં સક્રિય ભાગીદાર બનવાની તક આપે છે.

હોમસ્ટે એટલે માત્ર પ્રવાસીઓ માટે આપણા ઘરના દરવાજા ખોલવા નહીં, પરંતુ ગુજરાતના લોકો, સંસ્કૃતિ, વાર્તાઓ અને આતિથ્યના દરવાજા ખોલવા સમાન છે.

naidunia_image


પ્રવાસીઓ ડાંગને માત્ર જુએ જ નહીં, પરંતુ અનુભવે અને સમજે તેવો હેતુ

જ્યારે ડાંગ ફોરેસ્ટ રિટ્રીટના આદિત્ય રૉયે જણાવ્યું કે, ગુજરાત ટુરિઝમની હોમસ્ટે પોલિસી હેઠળ ડાંગ ફોરેસ્ટ રિટ્રીટને મળેલી નોંધણી અમારા માટે માત્ર સત્તાવાર માન્યતા નથી, પરંતુ ડાંગની પ્રકૃતિ, સંસ્કૃતિ અને સ્થાનિક સમુદાયો સાથે જવાબદારીપૂર્વક કામ કરવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. ગુજરાત ટુરિઝમ દ્વારા મળેલ ટ્રેનિંગ અને માર્કેટિંગ સપોર્ટ ખૂબ જ આવકારદર રહ્યો છે.

અમારો પ્રયાસ પ્રવાસીઓને પ્રકૃતિ, સ્થાનિક ભોજન, આદિવાસી સંસ્કૃતિ અને ટકાઉ જીવનશૈલી સાથે જોડાયેલા અર્થપૂર્ણ અનુભવો પ્રદાન કરવાનો છે, સાથે જ સ્થાનિક કારીગરો અને સમુદાયો માટે તકો ઊભી કરવાનો છે.

ડાંગ જેવા પ્રદેશમાં પ્રવાસનનું ભવિષ્ય માત્ર વધુ બાંધકામમાં નહીં, પરંતુ પ્રકૃતિ પર ઓછામાં ઓછો પ્રભાવ પાડીને વધુ અર્થપૂર્ણ અનુભવો ઊભા કરવામાં છે. અમારો ઉદ્દેશ છે કે મહેમાનો ડાંગને માત્ર જુએ નહીં, પરંતુ તેને અનુભવે અને તેના સંરક્ષણનું મહત્વ પણ સમજે.