પશુધનના સ્વાસ્થ્ય અને ગુણવત્તા માટે ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, વિધાનસભામાં 'પશુધન આહાર વિધેયક' સર્વાનુમતે પસાર

ગુજરાત વિધાનસભામાં 'પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનિજ મિશ્રણ વિધેયક-2026' સર્વાનુમતે પસાર કરાયું છે. ભેળસેળ કરનારાઓ સામે 7 થી 10 વર્ષની જેલ અને દંડની જોગવાઈ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 10 Sep 2026 11:32 PM (IST)Updated: Thu, 10 Sep 2026 11:32 PM (IST)
historic-decision-by-the-gujarat-government-for-livestock-health-and-quality-livestock-feed-bill-unanimously-passed-in-the-legislative-assembly

Animal Feed Bill Gujarat: રાજ્યના પશુપાલકોની સમૃદ્ધિ, પશુધનના સ્વાસ્થ્યનું રક્ષણ અને બજારમાં ગુણવત્તાયુક્ત પશુઆહાર સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ગુજરાત વિધાનસભા ગૃહમાં ‘ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનિજ મિશ્રણ (ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, વેચાણ અને ગુણવત્તા નિયંત્રણનું નિયમન) વિધેયક-2026’ રજૂ કરવામાં આવ્યું હતું, જેને ગૃહ દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં 106 લાખથી વધુ ભેંસો, 96 લાખથી વધુ ગાયો તેમજ ઘેટાં-બકરાં અને મરઘાં સહિતના બહોળા પશુધનના આરોગ્યની સુરક્ષા અને દૂધ ઉત્પાદકતામાં વધારો કરવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે.

'વન હેલ્થ' (One Health) અભિગમ પર આધારિત વિધેયક

મંત્રીએ જણાવ્યું હતું કે આ વિધેયક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા આપવામાં આવેલી "One Health" (એક સ્વાસ્થ્ય)ની વિચારધારા પર આધારિત છે. કાયદાનું પાલન કરતા પ્રામાણિક ઉત્પાદકો અને પશુપાલકો માટે આ કાયદો રક્ષણની ઢાલ બનશે, જ્યારે અનૈતિક પ્રથાઓ આચરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે. સમગ્ર ગૃહની સામૂહિક સંમતિથી પસાર થયેલું આ બિલ ગુજરાતના પશુપાલન ક્ષેત્રને “સ્વસ્થ પશુ – સમૃદ્ધ પશુપાલક – સશક્ત ગ્રામ્ય અર્થતંત્ર” ના સંકલ્પ તરફ આગળ ધપાવશે.

પશુ આહારના વ્યવસાય માટે નિયમો અને પારદર્શિતા

આ વિધેયક દ્વારા પશુ આહારના વ્યવસાયમાં પારદર્શિતા લાવવા માટે પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનિજ મિશ્રણના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ માટે હવે લાયસન્સ લેવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. દરેક ઉત્પાદકે ભારતીય માનક બ્યુરો (BIS) અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) દ્વારા નિર્ધારિત ધોરણોનું પાલન કરવું પડશે. પશુ આહારના નમૂનાઓનું સમયાંતરે પૃથ્થકરણ અને પરીક્ષણ કરવામાં આવશે તેમજ ગેરમાર્ગે દોરતી જાહેરાતો કે ભ્રામક બ્રાન્ડિંગ અટકાવવા માટે પેકેજિંગ અને લેબલિંગના નિયમો પણ નક્કી કરાયા છે.

ઉદ્યોગકારોને બિનજરૂરી કનડગત ન થાય તે માટે લાયસન્સની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન અને ફેસલેસ રાખવામાં આવશે. જોકે, જે ખેડૂતો પોતાના પશુઓ માટે ઘરે આહાર બનાવે છે અથવા સંશોધન હેતુ આહાર બનાવે છે, તેમને આ કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે.

નિયમભંગ બદલ દંડ અને સજાની કડક જોગવાઈઓ

પશુપાલકો સાથે છેતરપિંડી કરનારા અને ભેળસેળયુક્ત આહાર બનાવનારાઓ સામે મંત્રીશ્રીએ કડક હાથે કામ લેવાની નેમ વ્યક્ત કરી છે, જે અંતર્ગત નીચે મુજબની શિક્ષાત્મક જોગવાઈઓ છે:

નિમ્ન કક્ષાનો આહાર બનાવવો: રૂ. 5 લાખ સુધીનો દંડ અને 1 વર્ષ સુધી લાયસન્સ મોકૂફ.

ભ્રામક બ્રાન્ડિંગ: રૂ. 5 લાખ સુધીનો દંડ અને 3 વર્ષ સુધી લાયસન્સ મોકૂફ.

ભેળસેળયુક્ત આહાર (પશુનું મૃત્યુ ન થાય તો): લાયસન્સ તાત્કાલિક રદ, 1 વર્ષની કેદ અને રૂ. 5 લાખ સુધીનો દંડ.

ભેળસેળયુક્ત આહારથી પશુનું મૃત્યુ: લાયસન્સ કાયમી રદ, 7 થી 10 વર્ષની જેલ અને રૂ. 10 લાખ સુધીનો દંડ.

વિધાનસભામાં સ્વાગત અને નેતાઓની પ્રતિક્રિયા

ચર્ચા દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષના તમામ ધારાસભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિધેયકને આવકાર્યું હતું. અબોલ પશુઓ માટે પ્રોએક્ટિવ એપ્રોચ સાથે બિલ લાવવા બદલ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીને અભિનંદન પાઠવ્યા હતા. અંતમાં મંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે ગુણવત્તા વિરોધી વ્યવસાયકારો સામે સરકારની આ લડાઈ અવિરત ચાલુ રહેશે.