Gandhinagar: ગુજરાતમાં એક પછી એક સમાજના આગેવાનો પોતાના સમાજમાં વ્યાપ્ત કુરિવાજોને નાબુદ કરવા માટે સામાજિક બંધારણ ઘડવા લાગ્યા છે. થોડા દિવસ અગાઉ રબારી સમાજ અને ઠાકોર સમાજ દ્વારા સામાજિક બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતુ, ત્યારે હવે કોળી સમાજમાં (Koli Samaj) પણ પોતાનું આગવું સામાજિક બંધારણ ઘડવાની હીલચાલ થઈ રહી છે.
હકીકતમાં આજે ગાંધીનગર ખાતે અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી બેઠક મળી હતી. જેમાં ભાજપના ધારાસભ્ય તેમજ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સામાજિક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ ધારાસભ્ય હીરા સોલંકીએ કોળી સમાજના સામાજિક બંધારણ ઘડવાની હાકલ કરી છે.
આ તકે સંબોધન કરતાં હીરા સોલંકીએ જણાવ્યું કે, થોડા દિવસમાં ઠાકોર સમાજનું એક મહાસંમેલન મળ્યું હતુ. જેમાં ઠાકોર સમાજનું એક અલગ બંધારણ જાહેર કરવામાં આવ્યું હતુ. આવી જ રીતે આપણા કોળી સમાજમાં પણ નિયમો બનવા જોઈએ. કોળી સમાજ આર્થિક રીતે આગળ કઈ રીતે વધે, તે માટે બંધારણ નક્કી કરવા માટે એક ટીમ બનાવી છે.
સમુહ લગ્નપ્રથાથી કોળી સમાજ આર્થિક રીતે આગળ આવ્યો
અમે 1998માં જાફરાબાદમાં પ્રથમ સમુહલગ્નની શરૂઆત કરી હતી. હાલ જાફરાબાદ તાલુકાના 42 ગામ પૈકી 39 ગામોમાં સમુહલગ્ન થાય છે. જેનું મને ગૌરવ છે. આજે લોકોને તેના ફાયદા પણ દેખાવા લાગ્યા છે. અમે 1998માં શરૂઆતમાં એક નાનો છોડ વાવ્યો હતો, જે આજે વટવૃક્ષ બનીને આખા સમાજમાં ફેલાઈ ગયું છે. સમુહ લગ્ન પ્રથાથી આપણો સમાજ આર્થિક રીતે પણ આગળ આવ્યો છે. આવી જ રીતે આપણે કોળી સમાજનું બંધારણ નક્કી કરવાનું છે. જેનો ફાયદો આપણે લાંબા ગાળે મળશે.
કોળી સમાજમાં બંધારણ ઘડવાની જરૂરિયાત ઉભી થઈ
હીરા સોલંકીએ જણાવ્યું કે, સમય સાથે આપણાં કોળી સમાજમાં વધતી અસમાનતા અને બિનજરૂરી ખર્ચાને રોકવા માટે સામાજિક બંધારણ ઘડવાની આવશ્યક્તા છે. જેમાં લગ્ન પ્રસંગોમાં DJનો ઉપયોગ, દીકરીઓને કરિયાવરમાં આપવામાં આવતા કિંમતી દાગીના અને ખર્ચાળ રીતિ-રિવાજોને હટાવવા માટે બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવશે. આ સામાજિક બંધારણ માત્ર નિયમો પૂરતું સીમિત નહીં રહે, પરંતુ સમાજમાં સમાનતા, શિક્ષણ અને શિસ્તને પણ પ્રોત્સાહન આપશે.
