ટોક્યોમાં હર્ષ સંઘવીએ જાપાનીઝ ઉદ્યોગપતિઓ સાથે 20 હાઇ-પ્રોફાઇલ બેઠકો અને 2 રાઉન્ડ ટેબલ બેઠક યોજી, ગુજરાતમાં રોકાણનું આપ્યું આમંત્રણ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે ટોક્યો પહોંચેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુઝુકી, જેરા અને ટોક્યો ઇલેક્ટ્રોન જેવી અગ્રણી જાપાનીઝ કંપનીઓ સાથે બેઠકો યોજીને ગુજરાતમાં મોટા પાયે રોકાણનું આહ્વાન કર્યું છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 21 Oct 2026 05:21 PM (IST)Updated: Wed, 21 Oct 2026 05:21 PM (IST)
harsh-sanghavis-japan-visit-20-meetings-for-gujarat-investment

Harsh Sanghavi Japan Visit: આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભમાં જાપાનના પ્રવાસે ગયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળના ગુજરાત પ્રતિનિધિમંડળે ટોક્યોમાં જાપાનના સરકારી અગ્રણીઓ અને ટોચના ઉદ્યોગગૃહો સાથે શ્રેણીબદ્ધ સફળ બેઠકો યોજી હતી. નાયબ મુખ્યમંત્રીએ પોતે તમામ ચર્ચાઓમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નેતૃત્વ પૂરું પાડ્યું હતું.

એક જ દિવસમાં ગુજરાત પ્રતિનિધિમંડળની મોટી સિદ્ધિઓ

  • 20 મહત્વપૂર્ણ બેઠકો અને 2 રાઉન્ડટેબલ સંવાદો સફળતાપૂર્વક સંપન્ન.
  • જાપાનના વિદેશ રાજ્ય મંત્રી, ઇવાતે પ્રીફેક્ચરના ગવર્નર અને METIના ડાયરેક્ટર જનરલ સાથે ઉચ્ચ સ્તરીય ચર્ચા.
  • સુઝુકી, જેરા, ટોક્યો ઇલેક્ટ્રોન, સુમિતોમો કેમિકલ, ફુરુકાવા ઇલેક્ટ્રિક, મારુબેની અને લાઈવ નેશન જેવી વૈશ્વિક બ્રાન્ડ્સ સાથે વ્યાપારી સંવાદ.
  • સુઝુકીના ટોચના વેન્ડર્સ સાથે વિશેષ રાઉન્ડટેબલ બેઠકનું આયોજન.
naidunia_image

ગવર્નમેન્ટ ટુ ગવર્નમેન્ટ (G2G) સંવાદ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રતિનિધિમંડળે જાપાનના વિદેશ મંત્રાલય ખાતે વિદેશ રાજ્ય મંત્રી નાકાસોને યાસુતાકા સાથે દ્વિપક્ષીય વિચારવિમર્શ કર્યો હતો. જેમાં ભારત–જાપાન અને ખાસ કરીને ગુજરાત–જાપાન વચ્ચેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ગવર્નર તાકુયા તાસો સાથેની બેઠકમાં પ્રાદેશિક વિકાસ, ઔદ્યોગિક નીતિઓ અને પરસ્પર ક્ષમતા નિર્માણ અંગે ચર્ચા થઈ.

અર્થતંત્ર, વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલય (METI)ના ડાયરેક્ટર જનરલ તનાકા કાઝુશિગે સાથે દ્વિપક્ષીય વેપાર વધારવા અને નીતિગત સહયોગ મજબૂત કરવા પર સંમતિ સાધવામાં આવી.

ઓટોમોબાઇલ, સેમિકન્ડક્ટર અને ક્લીન એનર્જી ક્ષેત્રે મોટા રોકાણના એંધાણ

સુઝુકી મોટર (EV અને વેન્ડર પાર્ક્સ): રિપ્રેઝન્ટેટિવ ડિરેક્ટર અને પ્રેસિડેન્ટ તોશિહિરો સુઝુકી સાથે ગુજરાતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રના વિસ્તરણ, ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ઇકોસિસ્ટમ અને નવા વેન્ડર પાર્ક્સના વિકાસ અંગે ચર્ચા થઈ.

ટોક્યો ઇલેક્ટ્રોન (સેમિકન્ડક્ટર હબ): કંપનીના ચેરમેન તાકેશી ઓકુબો સાથે ગુજરાતના ઉભરતા સેમિકન્ડક્ટર હબમાં મેન્યુફેક્ચરિંગ, સપ્લાય ચેઇન અને સંભવિત રોકાણ અંગે વાટાઘાટો થઈ.

જેરા - JERA (ગ્રીન એનર્જી): CEO ઇઝુમી કાઈ સાથે ગુજરાતમાં સ્વચ્છ ઊર્જા, વીજ ઉત્પાદન અને ગ્રીન ટ્રાન્ઝિશન સંબંધિત પ્રોજેક્ટ્સ અંગે વિચારવિમર્શ કરાયો.

naidunia_image

કેમિકલ્સ, ટેક્સટાઇલ અને ગ્લોબલ સપ્લાય ચેઇન પર મંથન

સ્પેશિયાલિટી કેમિકલ્સ: સુમિતોમો કેમિકલના પ્રેસિડેન્ટ નોબુઆકી મીતો સાથે પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે સહયોગ અંગે વાતચીત.

ટેલિકોમ અને ઓપ્ટિકલ ફાઇબર: ફુરુકાવા ઇલેક્ટ્રિક સાથે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સંભવિત રોકાણ અંગે સંવાદ.

ગ્લોબલ ટ્રેડિંગ: મારુબેની કોર્પોરેશનના જનરલ મેનેજર કેન્સુકે તાત્સુકાવા સાથે સપ્લાય ચેઇન પર ચર્ચા.

ટેક્સટાઇલ ટેક્નોલોજી: મોરીરીન લિમિટેડ સાથે ટેક્સટાઇલ ક્ષેત્રે નવીન ઉત્પાદન એકમો સ્થાપવા અંગે ચર્ચા.

લાઈવ એન્ટરટેઇનમેન્ટ: વિશ્વની સૌથી મોટી લાઈવ એન્ટરટેઇનમેન્ટ કંપની 'લાઈવ નેશન'ના પ્રતિનિધિઓ સાથે મનોરંજન ક્ષેત્રે તકો અંગે બેઠક થઈ.

ઉપરાંત, હોન્ડા મોટર, ક્યોવા લેધર, સનરિયો, જેએફઇ સ્ટીલ, ઓત્સુકા ફાર્મા, એમયુએફજી બેંક અને એસએમબીસી જેવા વૈશ્વિક જૂથો સાથે પણ મહત્વપૂર્ણ સંવાદો યોજાયા હતા.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે આમંત્રણ

સમગ્ર દિવસ દરમિયાન પ્રતિનિધિમંડળે ગુજરાતના વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ-અનુકૂળ નીતિઓ અને 'ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ' (Ease of Doing Business)ની સુવિધાઓ અંગે જાપાનીઝ રોકાણકારોને માહિતગાર કર્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ જાપાની કંપનીઓ અને ઉદ્યોગ અગ્રણીઓને ગુજરાતમાં લાંબા ગાળાની ભાગીદારી માટે આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું.