11 Years of Patidar Anamat Andolan: ગુજરાતના રાજકારણ અને સમાજ વ્યવસ્થાને હચમચાવી મૂકનારા ઐતિહાસિક પાટીદાર અનામત આંદોલનને આજે 11 વર્ષ પૂર્ણ થયા છે. આ ખાસ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી (BJP) ના ધારાસભ્ય હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર એક અત્યંત ભાવુક પોસ્ટ શેર કરીને ભૂતકાળના સંઘર્ષને યાદ કર્યો છે.
પાટીદાર અનામત આંદોલનના 11 વર્ષ
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હાર્દિક પટેલે જણાવ્યું કે, આ સંઘર્ષે ઈતિહાસ રચ્યો છે અને આજે તેના 11 વર્ષ પૂર્ણ થતાં તેઓ તમામ પાટીદાર ભાઈ-બહેનોને પાટીદાર ક્રાંતિ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. હાર્દિક પટેલે આ દિવસને માત્ર એક આંદોલનની યાદ નહીં, પરંતુ સમાજના આર્થિક રીતે નબળા વર્ગના અધિકાર, સંઘર્ષ અને અદભુત એકતાની ગાથા ગણાવી છે.
શિક્ષણ અને નોકરી મેળવવાનો મુખ્ય હેતુ
ગુજરાતના ગરીબ અને આર્થિક રીતે નબળા પાટીદાર સમાજના યુવાનોને ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં સમાન તકો મળે તેવા પવિત્ર હેતુથી આજથી બરાબર 11 વર્ષ પહેલા આજના જ દિવસે પાટીદાર અનામત આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. આ લડત લાંબા સમય સુધી ચાલી હતી. આશરે 3 વર્ષના લાંબા અને કપરા સંઘર્ષ, અનેક કુરબાનીઓ તથા અસંખ્ય નવયુવાનોની દિવસ-રાતની મહેનત બાદ આ લડત સફળ રહી હતી. આ અજોડ લડતના પરિણામે જ પાટીદાર સમાજ સહિત અનામતથી વંચિત રહેલા અન્ય અનેક સમાજોને મહત્વપૂર્ણ સરકારી યોજનાઓ અને પ્રગતિની નવી તકો પ્રાપ્ત થઈ છે.
આંદોલનથી મળેલા લાભો અને યોજનાઓ
આ ઐતિહાસિક આંદોલનની ફળશ્રુતિ રૂપે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પાટીદાર સહિત બિનઅનામત જ્ઞાતિ માટે અનેક કલ્યાણકારી નિર્ણયો લેવામાં આવ્યા છે:
બિનઅનામત આયોગ અને નિગમ: બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ આયોગ તેમજ નિગમની સ્થાપના કરવામાં આવી.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના: મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) હેઠળ વિદ્યાર્થીઓ માટે દર વર્ષે 1,000 કરોડ રૂપિયાની માતબર બજેટ જોગવાઈ કરવામાં આવી.
ભરતીની વયમર્યાદામાં છૂટછાટ: સરકારી નોકરીઓ મેળવવા માટેની વયમર્યાદામાં સામાન્ય વર્ગના ઉમેદવારોને 5 વર્ષની મહત્વની છૂટછાટ આપવામાં આવી.
10% EWS અનામતનો નિર્ણય: સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય એ લેવાયો કે દેશના ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાત સહિત સમગ્ર ભારતમાં પાટીદાર સમાજ સહિત 50થી વધુ સમાજોને આર્થિક આધાર પર 10 ટકા EWS (Economically Weaker Section) અનામતનો સીધો લાભ મળ્યો.
જેલવાસ અને શહીદ યુવાનોને શ્રદ્ધાંજલિ
હાર્દિક પટેલે પોતાના સંઘર્ષકાળને યાદ કરતાં કહ્યું કે, આ લડાઈમાં સમાજે ઘણું બધું ગુમાવ્યું છે. કેટલાક પરિવારોએ પોતાના વહાલા સભ્યો ગુમાવ્યા, તો અનેક યુવાનો પર કાયદાકીય કેસ થયા હતા. ખુદ હાર્દિક પટેલ સહિત આશરે 20 જેટલા યુવાનોએ પોતાના જીવનના ઘણા મહિનાઓ જેલની કાળી કોટડીમાં વિતાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે, જેલમાં જવા માટે આજે પણ કોઈ અફસોસ કે દુઃખ નથી. પરંતુ આંદોલન દરમિયાન પોતાના જીવ ગુમાવનાર યુવાનોની યાદ આજે પણ હૃદયને અત્યંત વ્યથિત કરે છે અને તેમની કુરબાનીને ક્યારેય ભૂલી શકાય નહીં.
'સફળતા સમગ્ર સમાજની છે': હાર્દિક પટેલ
ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું કે, આજે પણ દરરોજ કોઈને કોઈ યુવાનનો ફોન આવે છે અને જ્યારે તેઓ કહે છે કે આ આંદોલનને કારણે આજે તેમને સરકારી નોકરી મળી છે અથવા શિક્ષણમાં એડમિશન મળ્યું છે. ત્યારે તે શબ્દો કોઈપણ રાજકીય પદ કે સન્માન કરતાં ઘણા મોટા લાગે છે. આ લડાઈ કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં, પરંતુ ગરીબ પરિવારના બાળકોના ભવિષ્ય માટે હતી.
આ આંદોલન કોઈ એક વ્યક્તિનું નહોતું, પરંતુ સમગ્ર પાટીદાર સમાજની એકતા, અદભુત શક્તિ અને અવિરત સંઘર્ષનું પરિણામ હતું. તેમણે સમાજના તમામ યુવાનોને અપીલ કરી છે કે સંઘર્ષના પરિણામે મળેલી EWS અનામત અને બિનઅનામત આયોગ-નિગમની યોજનાનો વધુમાં વધુ લાભ લઈને પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવે.
