Gujarat Water Shortage and Irrigation: ગુજરાતમાં આ વખતે પૂરતા પ્રમાણમાં વરસાદ વરસ્યો નથી. જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં પાણીની અછત સર્જાઈ છે. ખેડૂતોને પાક લેવા માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહ્યું નથી અને પાકમાં નુકસાન ગયું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે મહત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા, કચ્છ સહિત ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. આ જિલ્લાઓમાં પ્રતિ હેક્ટર 8500 રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. તેમજ 150 દિવસ માનવ રોજગારી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ચાર જિલ્લાઓના દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વરસાદની જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને ચોમાસું હવે પૂરું થયું છે ત્યારે ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા 2016 અનુસાર જરૂરી પ્રક્રિયાઓ કરીને તથા ઉચ્ચ સ્તરિય બેઠકો કરીને ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. સમગ્ર રાજ્યમાં 89 ટકા જેટલો વરસાદ થયો છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. ચાર જિલ્લામાં ઓછો વરસાદ થયો છે. તેના કારણે જે સ્થિતિ સર્જાઇ છે, તેમાં ખેડૂતોની પડખે ઉભા રહેવા રાજ્ય સરકારે ઉદરત્તમ નિર્ણય કર્યો છે.
પ્રતિ હેક્ટર 8500 રૂપિયા અને બે હેક્ટરની મર્યાદામાં સહાય આપશે
તેમણે વધુમાં જણાવ્યું છેકે, આ જિલ્લાના ખેડૂતોના પાકને થયેલા નુકસાન સામે રાજ્ય સરકારે એસડીઆરએફના ધોરણે અસરગ્રસ્ત પાકો માટે સહાય આપવાનો નિર્ણય કર્યો છે. પ્રતિ હેક્ટર 8500 રૂપિયા અને બે હેક્ટરની મર્યાદામાં સહાય આપશે. રાજ્ય સરકારે વરસાદની સ્થિતિ ધ્યાને લઇને આગોતરું આયોજન કર્યું અને ખેડૂતો તથા પશુપાલકોના હામી બનીને દુષ્કાળ જાહેર થયા પહેલા જૂન-જુલાઇ 2026થી જ સમગ્ર રાજ્યમાં રાહતદરે ઘાસચારો વિતરણ કરવાની મંજૂરી આપીને જિલ્લા કલેક્ટરોને ઘાસ વિતરણ કરવામાં ખાસ અધિકૃત કરવામાં આવ્યા છે.
પશુ દીઠ રોજના 80ની સહાય બે મહિના માટે ચૂકવાશે
તેના અનુસંધાને રાજ્યમાં અત્યારસુધીમાં 1.21 કરોડ કિલોગ્રામ ઘાસના જથ્થાનું 2 રૂપિયાના પ્રતિ કિલોના રાહતદરે વિતરણ કરવામાં આવ્યું છે. સરકાર પાસે અત્યારની સ્થિતિએ 3 કરોડ કિલોગ્રામ ઘાસ ઉપલબ્ધ છે. વધારાના ઘાસચારા માટે પણ આગોતરું આયોજન સરકારે કરી રાખ્યું છે. દુષ્કાળગ્રસ્ત તાલુકાઓમાં પશુકેમના પશુઓ માટે પશુ દીઠ રોજના 80ની સહાય બે મહિના માટે એસડીઆરએફમાંથી ચૂકવવામાં આવશે. પશુપાલકોના વિશાળ હિતમાં ત્યારબાદ પણ ક્યાંય પશુ રહેશે તો રાજ્ય સરકાર આ સહાયનો ખર્ચ ઉપાડશે.
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં 150 દિવસ માનવ રોજગારી આપવાનો નિર્ણય
રાજ્ય સરકારે જે તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. તેમાં ગ્રામિણ લોકોને રોજગારી મળી રહે તે માટે વીબીજી રામજી યોજના અન્વયે 150 દિવસ માનવ રોજગારી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. 1 નવેમ્બર 2026થી આ નિર્ણયનો અમલ કરવામાં આવશે. માર્ગદર્શિકા મુજબ દુષ્કાળ જાહેર થયાથી 6 મહિના સુધી દુષ્કાળની જાહેરાત અમલમાં રહે છે. પીએમ મોદીના માર્ગદર્શનમાં સરકાર ખેડૂતો અને પશુપાલકોના હિતને હંમેશા પ્રાથમિકતા આપી રહી છે.
