ગુજરાતમાં કલ્પસર યોજનાને લઈને મોટા સમાચાર, 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા શરૂ થશે કામગીરી, સૌરાષ્ટ્રના 9 જિલ્લાને ફાયદો

કલ્પસર યોજના પૂર્ણ થતાં ગુજરાતને 13,000 MCM મીઠું પાણી ઉપલબ્ધ થશે. ભરૂચ અને સૌરાષ્ટ્ર ઝોનમાં વહેતી 10 નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 30 Sep 2026 02:56 PM (IST)Updated: Wed, 30 Sep 2026 03:05 PM (IST)
gujarat-kalpasar-project-work-to-begin-before-2027-gujarat-assembly-elections-9-saurashtra-districts-to-benefit

Gujarat Kalpasar Project: ગુજરાતમાં કલ્પસર યોજનાને લઇને મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં પાણીની તંગીને દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વકાંક્ષી કલ્પસર યોજનાને વેગ આપવામાં આવ્યો છે. આગામી 2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વે આ પ્રોજેક્ટનું કામ સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે ભરૂચના પાણિયાદ્રા ગામેથી આ પ્રોજેક્ટની કામગીરીનો પ્રારંભ થશે. આ યોજના સાકાર થતાં ગુજરાતમાં આગામી 10 વર્ષ સુધી દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા નહિવત થઈ જશે.

કલ્પસર યોજનાનું કદ અને વ્યાપ નર્મદા સરોવર યોજના કરતા પણ મોટો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલમાં નર્મદા યોજના દ્વારા રાજ્યને અંદાજે 9,000 MCM પાણીનો જથ્થો પ્રાપ્ત થાય છે, તેની સામે કલ્પસર યોજના પૂર્ણ થતાં ગુજરાતને 13,000 MCM મીઠું પાણી ઉપલબ્ધ થશે. આ પ્રોજેક્ટના અમલીકરણ બાદ સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓને સીધો લાભ મળશે. આ ઉપરાંત ભરૂચ અને સૌરાષ્ટ્ર ઝોનમાં વહેતી 10 નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે.

આ પ્રોજેક્ટની જટિલતા અને ટેકનિકલ પાસાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે નેધરલેન્ડ સરકાર સાથે સમજૂતી પત્ર (MOU) કર્યા છે. પ્રોજેક્ટને આધુનિક પદ્ધતિથી પાર પાડવા માટે આગામી સમયમાં નેધરલેન્ડની નિષ્ણાત ટેકનિકલ ટીમ ગુજરાત આવી પહોંચશે. વિદેશી સહયોગ દ્વારા આ પ્રોજેક્ટને વૈશ્વિક કક્ષાના માપદંડો મુજબ તૈયાર કરવામાં આવશે.

કલ્પસર યોજના અંતર્ગત કુલ 60 કિમી લાંબો બ્રિજ બનાવવાનું આયોજન છે, જે પરિવહન ક્ષેત્રે પણ ક્રાંતિ લાવશે. આ બ્રિજ માર્ગમાં 16 લેનનો રોડ બનાવવામાં આવશે, જેની વચ્ચે 4 લેનનો રેલવે ટ્રેક પણ હશે. આ બ્રિજના નિર્માણ કાર્યને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં દરિયાની ઉપર 27 કિમીનો 20 લેનનો બ્રિજ બનશે, જ્યારે બાકીનો 34 કિમીનો હિસ્સો દરિયાના બહારના વિસ્તારમાં આવરી લેવામાં આવશે. આ માળખાગત સુવિધા માત્ર જળસંચય માટે જ નહીં, પરંતુ ભવિષ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેના પરિવહનને પણ સરળ બનાવશે.