Gujarat Voter List: ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. 01.01.2026ની લાયકાતની તારીખના આધારે હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) ઝુંબેશ અંતર્ગત ગુજરાતમાં વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે. ગત 27 ઓક્ટોબર 2025થી શરૂ થયેલી આ પ્રક્રિયા બાદ હવે આખરી મતદાર યાદીની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે.
અત્યાર સુધી પ્રાપ્ત થયેલા ફોર્મની વિગત
તાજેતરના આંકડા મુજબ, તા. 22 જાન્યુઆરી 2026 સુધીમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં અરજીઓ પ્રાપ્ત થઈ છે:
- નવા નામ ઉમેરવા (ફોર્મ 6 અને 6એ): કુલ 6,54,594 નાગરિકોએ મતદાર યાદીમાં નામ નોંધાવવા અરજી કરી છે.
- નામ કમી કરવા (ફોર્મ 7): વિવિધ વિધાનસભા વિસ્તારોમાંથી નામ દૂર કરવા માટે 12,59,229 ફોર્મ મળ્યા છે.
- સુધારણા અને સ્થળાંતર (ફોર્મ 8): વિગતો સુધારવા અથવા સરનામું બદલવા માટે કુલ 5,04,835 ફોર્મ પ્રાપ્ત થયા છે.
મહત્વની તારીખ અને સમયમર્યાદા
જે નાગરિકો હજુ પણ મતદાર યાદીમાં નામ નોંધાવવા, નામ કમી કરાવવા કે વિગતોમાં સુધારો કરવા ઈચ્છતા હોય, તેઓ માટે 30 જાન્યુઆરી 2026 સુધીની અંતિમ તક છે. આ તારીખ સુધીમાં તમામ દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકાશે.
ચકાસણી અને નિકાલની પ્રક્રિયા
ચૂંટણી અધિકારીઓ દ્વારા હાલમાં પ્રાપ્ત થયેલા તમામ દાવાઓ અને વાંધાઓની સત્યતા તપાસવાની કામગીરી પણ સમાંતર રીતે હાથ ધરવામાં આવી છે. અધિકારીઓ ખાતરી કરી રહ્યા છે કે પાત્રતા ધરાવતો કોઈ પણ નાગરિક મત આપવાના અધિકારથી વંચિત ન રહે અને જેઓ પાત્રતા ધરાવતા નથી તેમના નામ યાદીમાં સામેલ ન થાય. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા જણાવાયું છે કે, 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા (Draft) મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી, જેને આખરી ઓપ આપવા માટે હાલની પ્રક્રિયા અત્યંત મહત્વની છે.
