Gujarat Vehicle Scrappage Policy (2026): ગુજરાતમાં પ્રદૂષણ ઘટાડવા અને રસ્તાઓ પરથી જૂનાં વાહનોની સંખ્યા ઓછી કરવા માટે રાજ્ય સરકારે એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારના બંદરો અને વાહનવ્યવહાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નોટિફિકેશન અનુસાર, જૂનાં વાહનોને ભંગાર (સ્ક્રેપ)માં આપીને નવું વાહન ખરીદનારા લોકોને મોટર વ્હીકલ ટેક્સમાં 50% સુધીની મોટી રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સરકારી યોજનાનો લાભ મેળવવા માટે વાહન ચાલકો પાસે 31 માર્ચ 2027 સુધીમાં ઇશ્યૂ થયેલું 'સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ' (COD) હોવું જરૂરી રહેશે.
કયા વાહનોને મળશે આ ટેક્સ રાહતનો લાભ?
બંદરો અને વાહનવ્યવહાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, ખાસ કરીને બે કેટેગરીના વાહનોને આ 50% ટેક્સ રાહતનો સીધો લાભ મળશે.
- ભારત સ્ટેજ-1 (BS-I) અથવા તેનાથી પણ જૂના નિયમો (Emission Standards) હેઠળ બનેલા તમામ પ્રકારના ટ્રાન્સપોર્ટ અને નોન-ટ્રાન્સપોર્ટ વાહનોને આ યોજનાનો લાભ મળશે.
- ભારત સ્ટેજ-2 (BS-II) નિયમો હેઠળ બનેલા તમામ મધ્યમ અને ભારે માલવાહક વાહનો (ગુડ્સ વ્હીકલ્સ) તેમજ મધ્યમ અને ભારે પેસેન્જર વાહનોને આ યોજનાનો લાભ મળશે.
આમ, જે લોકો પાસે આવા જૂના અને વધુ પ્રદૂષણ ફેલાવતા વાહનો છે, તેઓ હવે આસાનીથી તેનો નિકાલ કરીને ટેક્સ બચત સાથે નવું આધુનિક વાહન વસાવી શકશે. વાહન ચાલકો જ્યારે પોતાના આવા જૂના વાહનોને અધિકૃત સ્ક્રેપ સેન્ટરમાં ભંગાર તરીકે આપશે, ત્યારે તેમને મળનારા સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ (COD)ના આધારે આ અડધોઅડધ ટેક્સ માફીનો લાભ આપવામાં આવશે.
31 માર્ચ, 2027 સુધીમાં ઇસ્યુ થયેલું સર્ટિફિકેટ હોવું જરૂરી
આ ટેક્સ કન્સેશનનો લાભ લેવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જે વાહન માલિકો પાસે 31 માર્ચ, 2027 સુધીમાં ઇસ્યુ થયેલા સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ (COD) હશે, તેમને જ આ ટેક્સમાં રાહત મળવાપાત્ર રહેશે. આનો મતલબ એ છે કે વાહન ચાલકોએ આ નિર્ધારિત સમય મર્યાદામાં જ પોતાના જૂના વાહનો સ્ક્રેપ કરાવીને સર્ટિફિકેટ મેળવી લેવાનું રહેશે. જો કોઈ વાહન માલિકે પોતાના સ્ક્રેપ કરેલા વાહનના સર્ટિફિકેટ (COD) પર એકવાર ટેક્સની રાહત મેળવી લીધી હશે, તો તે જ સર્ટિફિકેટ અથવા તે જ સ્ક્રેપ કરેલા વાહનના આધારે બીજી વખત આ યોજનાનો લાભ લઈ શકાશે નહીં.
