Gujarat Police: ગુજરાત પોલીસની કાર્યવાહી; 20 દિવસમાં નંબર વગરની અને ફેન્સી નંબર પ્લેટવાળા 18 હજારથી વધુ વાહનો સામે કેસ

1લી સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર 2026 સુધી નંબર પ્લેટ વગરના, ચેડાં કરેલી અથવા અયોગ્ય નંબર પ્લેટવાળા વાહનો સામે એક વિશેષ રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 22 Sep 2026 02:50 PM (IST)Updated: Tue, 22 Sep 2026 02:50 PM (IST)
gujarat-traffic-police-mega-drive-action-against-fancy-numberless-number-plates-over-18000-cases-in-20-days

Gujarat Police Mega Drive: ગુજરાતમાં નંબર વનગરની અને ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો સામે પોલીસ દ્વારા મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન 20 દિવસમાં 18 હજારથી વધુ વાહનો સામે કેસ કરવામાં આવ્યા છે અને 4 હજારથી વધુ વાહનો ડિટેઇન કરાયા છે. ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ 58 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. નિયમભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી વધુ સઘન બનાવવા આ ઝુંબેશ આગામી 14 ઓક્ટોબર સુધી ચાલશે.

રાજ્યમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ 1લી સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર 2026 સુધી નંબર પ્લેટ વગરના, ચેડાં કરેલી અથવા અયોગ્ય નંબર પ્લેટવાળા વાહનો સામે એક વિશેષ રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ વિશેષ ટ્રાફિક ડ્રાઇવ હેઠળ 1 થી 20 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં કુલ 18,014 કેસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વાહનોની નંબર પ્લેટ સાથે ચેડાં કરવાના કિસ્સાઓમાં કુલ 4,187 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.

ટ્રાફિક નિયમોના ભંગ બદલ આ સઘન ઝુંબેશ દરમિયાન કુલ રૂ. 58.56 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો છે. આ ઝુંબેશ અંતર્ગત વાહન વ્યવહાર સુરક્ષિત બનાવવા અને નિયમ વિરુદ્ધ વાહનો ચલાવતા તત્વો પર કાનૂની કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત સુરત શહેરમાં 1,786, વડોદરા શહેરમાં 1,959 અને બનાસકાંઠામાં 1,363 કેસ કરવામાં આવ્યા છે.

રાજ્યના પોલીસ વડાની કડક સૂચના બાદ તમામ જિલ્લાઓ અને શહેરોમાં ટ્રાફિક પોલીસ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસ.પી વી. સાહિત્યા દ્વારા તમામ વાહનચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ પોતાના વાહનો પર નિયમાનુસાર સ્પષ્ટ અને દેખાય તેવી જ નંબર પ્લેટ લગાવે. ફેન્સી ફોન્ટવાળી, નંબર છુપાવતી કે સ્ટાઇલવાળી નંબર પ્લેટનો ઉપયોગ કાયદાકીય દંડ અને શિક્ષાને પાત્ર છે. નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આ વિશેષ ઝુંબેશ વધુ કડકાઈથી ચાલુ રહેશે.