રેશનકાર્ડ ધારકો માટે રાહત, સપ્ટેમ્બર માસના ખાંડ વિતરણ અને ચલણ ભરવાની મુદત 3 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ

ગુજરાત સરકારે તહેવારોને ધ્યાને રાખી અંત્યોદય અને BPL રેશનકાર્ડ ધારકો માટે ખાંડ વિતરણ અને ચલણ ભરવાની તારીખ 3 સપ્ટેમ્બર 2026 સુધી લંબાવી છે. જાણો ખાંડના નવા ભાવ અને ફાળવણીની વિગત.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 31 Aug 2026 08:17 PM (IST)Updated: Mon, 31 Aug 2026 08:17 PM (IST)
gujarat-sugar-distribution-deadline-extended-for-ration-card-holders

Gujarat Ration Card Sugar Distribution: રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી દ્વારા રેશનકાર્ડ ધારકો અને વાજબી ભાવની દુકાનદારો (FPS) માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આગામી તહેવારોની મોસમમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ખાંડનો પૂરતો જથ્થો સરળતાથી મળી રહે તે માટે સરકારે સપ્ટેમ્બર-2026 માસના ખાંડ વિતરણ તેમજ ચલણ ભરવાની મુદત લંબાવીને 3 સપ્ટેમ્બર, 2026 કરવાનો નિર્ણય લીધો છે.

રેશનકાર્ડ મુજબ ખાંડના રાહત દર

રાજ્ય સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ નોંધાયેલા લાભાર્થીઓને રાહત દરે ખાંડ પૂરી પાડવામાં આવે છે.

અંત્યોદય રેશનકાર્ડ ધારકો: ₹15 પ્રતિ કિલોગ્રામ

બી.પી.એલ. (BPL) રેશનકાર્ડ ધારકો: ₹22 પ્રતિ કિલોગ્રામ

તહેવારો માટે અગાઉથી એડવાન્સ ફાળવણી

નાગરિકોને તહેવારો દરમિયાન ખાંડ મેળવવામાં કોઈ તકલીફ ન પડે તે માટે સરકારે ઓગસ્ટ-2026માં જ આગોતરું આયોજન કરીને 7,100 મેટ્રિક ટન ખાંડનો જથ્થો વિતરિત કરી દીધો હતો.

આ ઉપરાંત, સપ્ટેમ્બર-2026 માસ માટે વધુ 4,500 મેટ્રિક ટન ખાંડની નવી ફાળવણી મંજૂર કરવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યના લાખો પરિવાર તહેવારોની ઉજવણી સમયસર અને મીઠાશપૂર્વક કરી શકશે.