Gujarat DA Hike: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના એસટી વિભાગના કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત એસટી વિભાગના લાખો કર્મચારીઓને આર્થિક લાભ આપતો નિર્ણાયક કદમ ઉઠાવાયો છે. રાજ્યના ગૃહ અને વાહનવ્યવહાર, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા માધ્યમ X પર માહિતી આપી હતી.
મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યા મુજબ, ગુજરાત રાજ્ય. માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સત્તાવાર રીતે 2 ટકાનો સાનુકુળ વધારો મંજૂર કરવામાં આવ્યો છે. તેમજ આ નવા વધારા સાથે એસટી નિગમના કર્મચારીઓને હવેથી 60 ટકાના દરે મોંઘવારી ભથ્થુ ચુકવવામાં આવશે.
કર્મચારીઓને માત્ર નવો વધારો જ નહીં, પરંતુ વધારાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની (પાછલી બાકી રકમ) પણ ચુકવણી કરવામાં આવશે. આ નિર્ણયથી એસ.ટી. નિગમમાં દિવસ-રાત સેવા આપતા હજારો ડ્રાઇવર, કંડક્ટર અને વર્કશોપ સહિતના કર્મચારીઓને મોટો આર્થિક ફાયદો થશે.
કર્મયોગીઓનું હિત એ રાજ્ય સરકારની પ્રાથમિકતા
હર્ષ સંઘવીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે,
કર્મયોગીઓનું હિત એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજી દ્વારા ગુજરાત એસ.ટી. નિગમના લાખો કર્મચારીઓના હિતમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નિગમના કર્મચારી કલ્યાણના આ અભિગમને હું હૃદયપૂર્વક આવકારું છું.
