રાજ્યના એસ.ટી. બસ સ્ટેશનમાં 'ટોયલેટ બ્લોક અપગ્રેડેશન' માટે ખાસ ડ્રાઇવ શરૂ, આ 56 એસ.ટી ડેપોનું કરાશે નવીનીકરણ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત ST નિગમ દ્વારા રાજ્યના 56 બસ સ્ટેશનોના આધુનિકીકરણ અને ટોયલેટ બ્લોક્સના રીનોવેશન માટે મોટું અભિયાન શરૂ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 03 Oct 2026 10:19 AM (IST)Updated: Sat, 03 Oct 2026 10:19 AM (IST)
gujarat-st-bus-station-modernization-56-bus-stands-upgrade-harsh-sanghavi-musafar-seva-setu-app

GSRTC Bus Station Upgrade: રાજ્યના એસ.ટી. બસ સ્ટેશનો પર મુસાફરોને વધુ સારી અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા એક મહત્વપૂર્ણ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુસાફરી દરમિયાન નાગરિકોને સ્વચ્છતા અને પાયાની સગવડો બાબતે કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે નિગમ દ્વારા રાજ્યના 56 બસ સ્ટેશનોના ટોયલેટ બ્લોક રીન્યુએશન અને રિપેરીંગ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.

કયા સ્ટેશનો પર કરાઈ કામગીરી?

એસ.ટી. નિગમ દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ 56 બસ સ્ટેશનો પર રીપેરીંગ અને ટોયલેટ બ્લોક અપગ્રેડેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાંથી અત્યાર સુધીમાં 6 બસ સ્ટેશનો પર રીપેરીંગની કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં સાવરકુંડલા, વાંસદા, ધંધુકા, ઉમરાળા, પાલિતાણા અને ઢસા બસ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 17 બસ સ્ટેશનો પર કામ હાલ પ્રગતિ હેઠળ છે. બાકીના 33 બસ સ્ટેશનો પર રીપેરીંગની કામગીરી આગામી 8 થી 12 મહિનાની અંદર પૂર્ણ કરી દેવાનું આયોજન છે.

વિશેષ ડ્રાઈવ પાછળનો ઉદ્દેશ્ય

આ વિશેષ ડ્રાઈવ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને સ્વચ્છ, આરોગ્યપ્રદ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. અગાઉ કરવામાં આવેલા સર્વેના આધારે એસ.ટી. નિગમે 'બસ સ્ટેશન બેઝીક ફેસીલીટી અપગ્રેડેશન પ્લાન' તૈયાર કર્યો હતો. લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરો, મહિલાઓ અને વડીલો માટે બસ સ્ટેશન પર પૂરતી સ્વચ્છતા અને સુવિધાઓ હોવી અનિવાર્ય છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ્યાં જરૂર જણાઈ છે, તેવા ટોયલેટ બ્લોક્સનું આધુનિકીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ઝુંબેશ હેઠળ કયા કામો કરાશે

આ ઝુંબેશ હેઠળ ટોયલેટ બ્લોક્સમાં પ્લમ્બિંગ, નવા યુરિનલ્સ અને ડબલ્યુ.સી. પાન બદલવા, બારી-દરવાજાનું રિપ્લેસમેન્ટ, આકર્ષક ફ્લોરિંગ, ઇલેક્ટ્રિફિકેશન, મજબૂત ડ્રેનેજ સિસ્ટમ અને કલરકામ જેવી કામગીરી કરવામાં આવશે. આ અપગ્રેડેશન દરમિયાન મહિલા મુસાફરોને ધ્યાનમાં રાખીને સ્થળની સ્થિતિ મુજબ અંદાજિત 25 યુરિનલ્સ, 20 જનરલ ડબલ્યુ.સી. અને 25 જેટલા મહિલા ડબલ્યુ.સી. વધારવાનું આયોજન છે.

મુસાફરો ફરિયાદ આસાનીથી કરી શકશે

આ ઉપરાંત મુસાફરો ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે સ્વચ્છતાને લગતી ફરિયાદો રીઅલ-ટાઇમમાં નોંધાવી શકે તે માટે તમામ બસ સ્ટેશનો પર ક્યુઆર કોડ આધારિત "મુસાફર સેવા સેતુ" એપ્લિકેશન પણ કાર્યરત કરવામાં આવશે. આ ડ્રાઈવના સફળ અમલીકરણથી રાજ્યના લાખો દૈનિક મુસાફરોની સુવિધામાં વધારો થશે અને એસ.ટી. બસ સ્ટેશનો વધુ સ્વચ્છ તથા લોકઉપયોગી બનશે.