PM Surya Ghar Yojana: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં રૂફટોપ સોલાર સબસિડીમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવા ઈચ્છતા નાના તથા મધ્યમવર્ગીય, ગરીબ અને વંચિત પરિવારો માટે વધારાની સ્ટેટ સબસિડી સહાય આપવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારની યોજના હેઠળ રહેણાંક હેતુના વીજ ગ્રાહકોને પ્રથમ 2 કિલોવોટની ક્ષમતા સુધીના સોલાર રૂફટોપ સ્થાપન માટે ₹30,000 પ્રતિ કિલોવોટ અને 3 કિલોવોટની ક્ષમતા સુધી કુલ ₹78,000 સબસીડી સહાય ચૂકવવામાં આવે છે. હવે ભારત સરકારની આ સબસિડી ઉપરાંત ગુજરાત રાજ્ય સરકાર તરફથી પણ વધારાની સબસિડી આપવાનો નિર્ણય કરાયો છે.
આ નવી નીતિ મુજબ સોલાર સિસ્ટમના બેન્ચમાર્ક ખર્ચ સામે સામાન્ય વીજ ગ્રાહકે માત્ર 10% ફાળો જ આપવાનો રહેશે, જ્યારે SC/ST કેટેગરીના વીજ ગ્રાહકે માત્ર 5% ફાળો ભોગવવાનો રહેશે. બાકીના તમામ ખર્ચ કેન્દ્ર સરકારની સહાય ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સબસીડી સ્વરૂપે વહન કરવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના 3 લાખથી પણ વધુ પરિવારોને સીધો આર્થિક લાભ થશે, જેના માટે રાજ્ય સરકાર અંદાજે ₹1,000 કરોડનો ખર્ચ કરશે.
નવા સબસિડી માળખા અનુસાર,
1 કિલોવોટ ક્ષમતા માટે
- બેન્ચમાર્ક ખર્ચ: ₹54,000
- કેન્દ્ર સરકારની સહાય: ₹32,400
રાજ્ય સરકારની મળવાપાત્ર સબસિડી:
- સામાન્ય કેટેગરી માટે: ₹16,200
- SC/ST કેટેગરી માટે: ₹18,900
લાભાર્થીએ આપવાનો થતો ફાળો:
- સામાન્ય ગ્રાહકને 10% લેખે ₹5,400
- SC/ST કેટેગરી ગ્રાહકને 5% લેખે ₹2,700
1 કિલોવોટ ક્ષમતા માટે
- બેન્ચમાર્ક ખર્ચ: ₹1,07,200
- કેન્દ્ર સરકારની સહાય: ₹62,800
રાજ્ય સરકારની મળવાપાત્ર સબસિડી:
- સામાન્ય કેટેગરી માટે: ₹33,600
- SC/ST કેટેગરી માટે: ₹38,960
લાભાર્થીએ આપવાનો થતો ફાળો:
- સામાન્ય ગ્રાહકને 10% લેખે ₹10,720
- SC/ST કેટેગરી ગ્રાહકને 5% લેખે ₹5360
રાજ્ય સરકારના આ નિર્ણયથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પરનો આર્થિક બોજ ઘટશે અને તેઓઊર્જા નિર્ભર બનશે. પીએમ સૂર્ય ઘર - મુફ્ત બિજલી યોજના હેઠળ સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં રાજ્યના 8.5 લાખથી વધુ ઘરો પર સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવી દેવામાં આવી છે. રાજ્ય સરકારનો સ્પષ્ટ ધ્યેય છે કે, આ યોજનાનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને ખાસ કરીને સામાન્ય તથા ગરીબ પરિવારોને વીજળી નજીવા દરે મળી રહે.
