Gandhinagar News: રાજ્યના લાખો વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે ગુજરાત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે ધોરણ 9 થી 12ની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને તણાવમુક્ત વાતાવરણ પૂરું પાડવા અને આત્મહત્યા જેવા નકારાત્મક વિચારોથી દૂર રાખવા માટે 'સ્કૂલ વેલનેસ ટીમ' (SWT) ની રચના ફરજિયાત કરવામાં આવી છે. ધોરણ 9થી 12ની તમામ શાળાઓ માટે માનસિક સ્વાસ્થ્યનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્યના શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો, 1974માં નવી જોગવાઈ તરીકે વિનિયમ-16(અ) ઉમેર્યો છે. આ સાથે પરિશિષ્ટ-8માં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય કલ્યાણ તથા આત્મહત્યા નિવારણ માટે વિગતવાર વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે. આ જોગવાઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન ધોરણ 9-10ની માધ્યમિક તથા ધોરણ 11-12ની ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે.
આ પણ વાંચો
'સ્કૂલ વેલનેસ ટીમ' કેવી રીતે કામ કરશે?
નવા નિયમો અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) માં રજીસ્ટર્ડ થયેલ રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ આ સાથે નિયત કર્યા મુજબની ‘શાળા કલ્યાણ ટીમ (School Wellness Team-SWT)' ની રચના કરવાની રહેશે, જે પ્રત્યેક શાળા માટે ફરજિયાત રહેશે. વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સુખાકારીની જાળવણી અર્થે તેમજ આત્મહત્યા નિવારણ સંબંધિત કોઈ પણ આપાતકાલીન કે અત્યંત સંવેદનશીલ (ઉચ્ચ-જોખમી) પરિસ્થિતિમાં ત્વરિત તથા અસરકારક કાર્યવાહી કરી શકાય તે હેતુસર, સદર ટીમ (SWT)ના તમામ સભ્યોને યોગ્ય ઓરિએન્ટેશન કાર્યક્રમો અને સઘન તાલીમ દ્વારા સુસજ્જ કરવાના રહેશે.
SWTમાં નીચેના સભ્યોનો સમાવેશ કરવાનો રહશે
- શાળાના આચાર્ય-ટીમ લીડર (Team Leader)
- શાળા કાઉન્સેલર / નિયત કરેલ શિક્ષક- ટીમ સંયોજક (Team Coordinator)
- શિક્ષકો- દરેક ધોરણમાંથી એક- માધ્યમિક (ધો. 9-10) અને ઉચ્ચતર માધ્યમિક (ધો. 11-12)
- SMC પ્રતિનિધિ- શાળા વ્યવસ્થાપન સમિતિના એક પ્રતિનિધિ
- પીઅર મોનિટર / લીડર (મનો-મિત્ર)- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક - એક-એક
- શાળા સ્ટાફ સભ્ય- એક (બિન-શૈક્ષણિક કર્મચારી)
SWTની કાર્યપ્રણાલી: પ્રતિ વર્ષ શૈક્ષણિક સત્રના પ્રારંભે શાળા કક્ષાએ 'એસ.ડબલ્યુ.ટી.' (SWT) ની રચના કરવાની રહેશે. શાળાના તમામ સભ્યો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો, ઉત્તમ સંવાદ કૌશલ્ય, વિશ્વસનીયતા તેમજ સંવેદનશીલતા ધરાવતા હોય તેવા સભ્યોને આ સમિતિમાં નિયુક્તિ માટે અગ્રતા આપવાની રહેશે. શાળા વહીવટીતંત્ર દ્વારા SWT ની કામગીરી તેમજ તેની અસરકારકતાની વાર્ષિક સમીક્ષા કરવી ફરજિયાત રહેશે.
મનો-મિત્ર (Mano-Mitra): UMMEED માર્ગદર્શિકાઓના અનુસંધાનમાં, શાળા કક્ષાએ 'પીઅર સપોર્ટ' (Peer Support) ની અસરકારક વ્યવસ્થા પ્રસ્થાપિત કરવા અર્થે ‘મનો-મિત્ર' ની નિયુક્તિ કરવાની રહેશે. મનો-મિત્ર દ્વારા વિદ્યાર્થીઓને પ્રાથમિક સ્તરે ભાવનાત્મક સહયોગ પૂરો પાડવો, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન તેમજ ઉપચારાત્મક પગલાં તરફ દોરવા, સહપાઠીઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો અને પરસ્પર સહકારની ભાવના સુદ્રઢ કરવી, સકારાત્મક શાળા પર્યાવરણના નિર્માણમાં સક્રિય યોગદાન આપવું તથા સંવેદનશીલ તેમજ ઉત્તરદાયી આચરણનું અનુકરણીય દ્રષ્ટાંત પૂરું પાડવાનું રહેશે.
'સમાન માનસિક સ્વાસ્થ્ય નીતિ' ફરજિયાત
વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને લઈને હવે દરેક શાળાએ 'UMMEED' ગાઈડલાઈન્સ, 'MANODARPAN' પહેલ અને 'રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ વ્યૂહરચના'ને અનુરૂપ 'સમાન માનસિક સ્વાસ્થ્ય નીતિ' બનાવવી અને તેનો અમલ કરવો ફરજિયાત બનશે. આ નીતિ દર વર્ષે અપડેટ કરીને શાળાના નોટિસ બોર્ડ અને વેબસાઇટ પર કાયમ માટે પ્રદર્શિત કરવી પડશે. આ નીતિમાં વિદ્યાર્થીઓમાં જોવા મળતા ચેતવણીના સંકેતો ઓળખવા, તાત્કાલિક પ્રતિભાવ આપવો, જરૂર પડ્યે નિષ્ણાત પાસે મોકલવા અને આત્મહત્યા જેવી ઘટના બાદ સહાય પૂરી પાડવા જેવા મુદ્દાઓનો સમાવેશ કરવો અનિવાર્ય રહેશે.
શાળાઓમાં હવે કાઉન્સેલર ફરજિયાત
વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેવાયો છે. હવે 100 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં કાઉન્સેલર, મનોવૈજ્ઞાનિક કે સામાજિક કાર્યકરની નિમણૂક ફરજિયાત રહેશે. 100થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓએ પણ માનસિક સ્વાસ્થ્ય સેવાઓ માટે નજીકના આરોગ્ય કેન્દ્રો કે 'ટેલી-માનસ' જેવી સેવાઓ સાથે જોડાણ કરવું પડશે. ખાસ કરીને બોર્ડની પરીક્ષાઓ અને પરિણામના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
સ્કૂલોમાં વિદ્યાર્થીઓને માનસિક તણાવ નહીં અપાય
રાજ્યની શાળાઓમાં હવે વિદ્યાર્થીઓને ગુણ કે દેખાવના આધારે કોઈ ભેદભાવ નહીં કરાય. શિક્ષણ વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે, વિદ્યાર્થીઓનું અપમાન કરવું કે તેમની સરખામણી કરવી નહીં. એટલું જ નહીં, શાળાઓએ યોગ, ધ્યાન, સંગીત જેવી પ્રવૃત્તિઓ કરાવવાની સાથે વિદ્યાર્થીઓ નિર્ભય બની પોતાની વાત રજૂ કરી શકે તેવું વાતાવરણ પણ પૂરું પાડવું પડશે. આ ઉપરાંત, ચાઈલ્ડ હેલ્પલાઈન નંબરો અને સ્કૂલ વેબસાઈટ પર સુરક્ષા સંબંધિત માહિતી પણ ફરજિયાત દર્શાવવી પડશે.
શિક્ષકો અને સ્ટાફને ફરજિયાત તાલીમ અપાશે!
વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને લઈને શાળાઓમાં હવે ખાસ ધ્યાન અપાશે. નવા નિયમ મુજબ, તમામ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓએ વર્ષમાં ઓછામાં ઓછા 2 વખત માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિકો પાસેથી ફરજિયાત તાલીમ લેવી પડશે. આ તાલીમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં જોવા મળતા તણાવ, આત્મહાનિ કે આત્મહત્યાના જોખમી ચિહ્નોને ઓળખવાનો અને સમયસર મદદ પૂરી પાડવાનો છે. આ ઉપરાંત, SC, ST, OBC, EWS, LGBTQ+ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદનશીલ અને ભેદભાવરહિત વલણ અપનાવવા માટે પણ સ્ટાફને તાલીમ અપાશે. દરેક સત્રની શરૂઆતમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
માનસિક તણાવ કે આપઘાતના વિચારો જણાય તો આટલું કરવું ફરજિયાત
શાળાના વિદ્યાર્થીઓમાં જો આત્મહત્યાના વિચારો, સ્વ-ઈજા કે ગંભીર માનસિક તણાવના કોઈ લક્ષણો જણાય તો તેને ખૂબ જ ગંભીરતાથી લેવા શિક્ષણ વિભાગે 'ઉમ્મીદ' ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ, આવા સંકેતો દેખાય કે તરત જ શિક્ષકો, વિદ્યાર્થીઓ કે અન્ય સ્ટાફ મેમ્બર્સે સંબંધિત વિદ્યાર્થી સાથે સંવેદનશીલતાથી વાત કરવી અને તાત્કાલિક શાળા કલ્યાણ ટીમ (SWT) ને જાણ કરવી પડશે. SWT ગોપનીયતા જાળવીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે અને જરૂર પડ્યે કાઉન્સેલિંગ, મેડિકલ સહાય કે વાલીઓને જાણ કરવાની વ્યવસ્થા કરશે. આવા સમયે વિદ્યાર્થીને ક્યારેય એકલો છોડવો નહીં અને તેની તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવશે.
આપઘાતના કિસ્સામાં શાળાએ શું કરવું જાહેર કરી ગાઈડલાઈન
શાળામાં કોઈ વિદ્યાર્થી આપઘાત કરે તો તે પછીના સંજોગોમાં શાળાઓએ શું કરવું તેની માર્ગદર્શિકા શિક્ષણ વિભાગે જાહેર કરી છે. આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના કેસમાં 'committed suicide' જેવા શબ્દો વાપરવાનું ટાળી 'આત્મહત્યાથી મૃત્યુ પામેલ' જેવા સંવેદનશીલ શબ્દપ્રયોગ કરવાની સૂચના અપાઈ છે. આ ઉપરાંત, આવા બનાવ બાદ મીડિયા સાથેની વાતચીત માત્ર આચાર્ય અથવા અધિકૃત અધિકારી જ કરશે. મૃતક વિદ્યાર્થીની યાદમાં કોઈ એવો કાર્યક્રમ નહીં થાય જેનાથી આપઘાતનું મહિમામંડન થાય અથવા અન્ય વિદ્યાર્થીઓ પર ખોટી અસર પડે.
શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે નવા કડક નિયમો
વિદ્યાર્થીઓની સુરક્ષા અને ગૌરવ જળવાઈ રહે તે માટે શાળાઓ માટે નવા કડક નિયમો જાહેર કરાયા છે. હવે જાતીય સતામણી, રેગિંગ, બુલિંગ કે કોઈપણ પ્રકારના ભેદભાવ જેવા કિસ્સાઓમાં શાળાઓએ સજ્જડ ફરિયાદ નિવારણ વ્યવસ્થા ગોઠવવી ફરજિયાત બનશે. એટલું જ નહીં, ફરિયાદોની સમયસર અને નિષ્પક્ષ તપાસ કરવી પડશે અને ફરિયાદ કરનારની ગોપનીયતા જાળવવાની સંપૂર્ણ જવાબદારી શાળાની રહેશે. જો શાળા આ નિયમો પાળવામાં નિષ્ફળ જશે અને તેના કારણે વિદ્યાર્થીને ગંભીર નુકસાન થશે, તો તેને 'સંસ્થાકીય દોષ' ગણી શાળા કે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકશે.
શાળાના વિદ્યાર્થીઓ માટે હવે કારકિર્દી માર્ગદર્શન ફરજિયાત
શાળાના વિદ્યાર્થીઓ પરના શૈક્ષણિક દબાણને ઘટાડવા અને તેમને યોગ્ય કારકિર્દી પસંદ કરવામાં મદદ કરવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે શાળાઓએ વિદ્યાર્થીઓ માટે નિયમિત અને વૈજ્ઞાનિક પદ્ધતિથી કારકિર્દી માર્ગદર્શન (કાઉન્સેલિંગ)ની વ્યવસ્થા કરવી ફરજિયાત રહેશે. આનાથી વિદ્યાર્થીઓ પોતાની રુચિ અને ક્ષમતા મુજબ નિર્ણય લઈ શકશે અને ભવિષ્યનો માર્ગ સરળ બનશે.
રેકોર્ડ રાખવા પડશે, ટીમ સમીક્ષા કરશે
વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે શાળાઓએ હવે ખાસ નિયમોનું પાલન કરવું પડશે. નવા નિયમ મુજબ, શાળાઓએ કાઉન્સેલિંગ, તાલીમ અને જાગૃતિ કાર્યક્રમો સહિતની તમામ પ્રવૃત્તિઓના ગોપનીય રેકોર્ડ રાખવાના રહેશે, જેથી વિદ્યાર્થીઓની ઓળખ ગુપ્ત રહે. આ ઉપરાંત, શાળાઓએ વાર્ષિક રિપોર્ટ તૈયાર રાખવો પડશે, જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) અથવા અન્ય સક્ષમ સત્તાધિકારી માંગે ત્યારે રજૂ કરવાનો રહેશે. શાળા કલ્યાણ ટીમ (SWT) નિયમિત બેઠકો યોજી આ નિયમોના અમલની સમીક્ષા કરશે અને જરૂરી સુધારાત્મક પગલાં લેશે.
જિલ્લા સ્તરે મોનિટરિંગ કમિટી બનશે!
વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા રોકવા માટે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે દરેક જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં 'જિલ્લા સ્તરીય દેખરેખ સમિતિ' બનશે. આ સમિતિ શાળાઓમાં નિયમોનું પાલન થાય છે કે નહીં તેની સમીક્ષા કરશે, ફરિયાદો પર ધ્યાન આપશે અને જરૂરી સુધારાત્મક પગલાં સૂચવશે. તમામ શાળાઓ માટે આ સમિતિની સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત રહેશે.
