Gujarat RTO: ગુજરાતમાં શારીરિક તેમજ મનો-દિવ્યાંગ નાગરિકો માટે સ્વાવલંબન, સુરક્ષિત પરિવહન અને સન્માનપૂર્ણ ગતિશીલતા (Mobility) પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મહત્વનો નિર્ણય લેવાયો છે. વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા સાઇડકાર જોડાયેલી મોટર સાઇકલના રજીસ્ટ્રેશન તથા જરૂરી ફેરફાર (Modification) માટે પરિપત્ર જાહેર કરાયો છે. કેન્દ્ર સરકારની આ માર્ગદર્શિકાનું રાજ્યની તમામ RTO અને ARTO કચેરીઓએ તાત્કાલિક પાલન કરવાનું રહેશે.
આત્મનિર્ભરતા અને સમાન તકોનો નવો માર્ગ
આ નિર્ણય દિવ્યાંગજનોના દૈનિક જીવનમાં આવતી મુશ્કેલીઓ ઘટાડવા તેમજ તેમને સમાજમાં સમાન તકો પૂરી પાડવાની દિશામાં મોટું પગલું છે. સાઇડકાર જોડાયેલી મોટર સાઇકલ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ પોતાની રોજિંદી જરૂરિયાતો અન્ય પર નિર્ભર રહ્યા વગર વધુ સરળતાથી પૂર્ણ કરી શકશે.
મનો-દિવ્યાંગજનો માટે ખાસ કાયદાકીય શરતો
આ નિર્ણયમાં મનો-દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ સ્પષ્ટ અને ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે-
સંચાલન: મનો-દિવ્યાંગ વ્યક્તિ માટે વાહનની માલિકી, વાલીપણા અને વાહન સંચાલનની કાયદાકીય શરતો નક્કી કરાઈ છે.
ડ્રાઇવર અને લાઇસન્સ: વાહનનું સંચાલન કાયદેસરના વાલી અથવા તેમની સંમતિ ધરાવતી અધિકૃત વ્યક્તિ જ કરી શકશે, જેમની પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજિયાત છે.
સુરક્ષાના કડક નિયમો: 40 કિમીની સ્પીડ લિમિટ અને હેલ્મેટ ફરજિયાત
દિવ્યાંગજનો અને અન્ય વાહનચાલકોની સલામતી માટે સરકારે નીચે મુજબના કડક નિયમો રાખ્યા છે-
ઝડપ મર્યાદા: વાહનની ગતિ કોઈ પણ સંજોગોમાં 40 કિ.મી./કલાકથી વધુ હોવી જોઈએ નહીં.
સુરક્ષા સાધનો: ચાલક તેમજ મનો-દિવ્યાંગ મુસાફર માટે હેલ્મેટ ફરજિયાત છે અને સાઇડકારમાં સીટ બેલ્ટ કે સેફ્ટી કવર હોવું જરૂરી છે.
ભૌતિક તપાસ: RTO મંજૂરી આપતા પહેલા મોડિફાઇડ વાહનનું ભૌતિક નિરીક્ષણ કરશે જેથી રસ્તા પર સલામતીનું જોખમ ન રહે.
વીમો અને કાયદો: વાહન માટે થર્ડ પાર્ટી રિસ્ક કવર ધરાવતી કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પોલિસી અને 'મોટર વ્હીકલ એક્ટ, 1988'ના નિયમોનું પાલન કરવું આવશ્યક રહેશે.
