મહેસૂલ વિભાગનો મોટો ધમાકો! 144 GAS અધિકારીઓની એકસાથે બદલી

ગુજરાત મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી સેવાની જુનિયર સ્કેલ વર્ગ-1ના 144 અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી અને નવી નિમણૂંકના આદેશ કરવામાં આવ્યા છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 16 Aug 2026 07:48 PM (IST)Updated: Sun, 16 Aug 2026 07:53 PM (IST)
gujarat-revenue-dept-transfers-144-gas-officers

GAS Transfer: રાજ્યના વહીવટી માળખાને વધુ કાર્યક્ષમ, પારદર્શી અને પ્રજાભિમુખ બનાવવાના હેતુથી ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર સચિવાલય ખાતેથી બહાર પાડવામાં આવેલી સત્તાવાર અધિસૂચના મુજબ, ગુજરાત વહીવટી સેવા (GAS - જુનિયર સ્કેલ) વર્ગ-1 કેડરના 144 જેટલા અધિકારીઓની જાહેર હિતમાં તાત્કાલિક અસરથી નવી જગ્યાઓ પર બદલી અને નિમણૂંક કરવામાં આવી છે.

રાજ્યના રાજ્યપાલના નામે જારી કરાયેલા આ ઓર્ડર પર મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવ સચિન પટવર્ધન અને ઉપસચિવ ઋતવિજ સોનગરાની સહીઓ છે. આ ફેરબદલમાં રાજ્યભરના તમામ જિલ્લાઓમાં મહેસૂલી અને વિકાસકીય કામગીરી સાથે સંકળાયેલા મહત્વના હોદ્દાઓ આવરી લેવાયા છે.

કયા હોદ્દાઓ પર થઈ ફેરબદલ?

મહેસૂલ વિભાગના આદેશ મુજબ મુખ્યત્વે વિવિધ મહત્વપૂર્ણ પદો પર તૈનાત અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

  • વિવિધ તાલુકાઓ અને સબ-ડિવિઝનના પ્રાંત અધિકારીઓ / સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM)
  • જિલ્લા કલેક્ટર કચેરીઓ હેઠળના ડેપ્યુટી કલેક્ટર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy DDO)
  • નાગરિક પુરવઠા વિભાગના જિલ્લા પુરવઠા અધિકારી (DSO)
  • સ્ટેમ્પ ડ્યુટી વિભાગના ડેપ્યુટી કલેક્ટર

મહાનગરપાલિકાઓના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તથા ખાસ પ્રાંત અધિકારીઓ

કેયા મહત્વના ફેરફારો સામે આવ્યા?

સુરત, અમદાવાદ, નર્મદા, સાબરકાંઠા અને મહેસાણા સહિતના મોટા જિલ્લાઓમાં ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારી કક્ષાએ નવી તૈનાતીઓ આપી વહીવટને ઝડપી બનાવવાનો પ્રયાસ કરાયો છે.

મુખ્ય બદલીઓ અને નવી નિમણૂંકો

મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આદેશ મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પ્રાંત અધિકારી, ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ કમિશનર કક્ષાના અધિકારીઓની ફેરબદલ કરવામાં આવી છે

સુરત ખાતે સ્ટેમ્પ ડ્યુટી વિભાગ-1ના ડેપ્યુટી કલેક્ટર પલક આર. ત્રિવેદીની સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે પ્રાંત અધિકારી તરીકે નિમણૂંક કરાઈ છે.

અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભાવદીપસિંહ એ. જાડેજાને નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના ડેપ્યુટી કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે.

મહેસાણાના ડીડીઓ બી. કે. રાઠોડની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં MDM ડેપ્યુટી કલેક્ટર તરીકે બદલી થઈ છે.

વિવેક બી. ખેતાનને નર્મદા ડેપ્યુટી કલેક્ટર-1 પરથી એસએલએઓ યુનિટ-4, કલેક્ટર કચેરી સુરત ખાતે બદલી કરવામાં આવી છે.

અગાઉના હુકમમાં સુધારો અને બઢતી

આ અધિસૂચનામાં અગાઉ 27 માર્ચ 2026ના રોજ જાહેર કરાયેલા કેટલાક બદલી આદેશોમાં સુધારો પણ કરવામાં આવ્યો છે. દાખલા તરીકે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (ગાંધીનગર) ખાતે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા અમિતકુમાર જી. ગામીતનો બદલી આદેશ મૂળ અસરથી રદ કરી તેમને સદર પદ પર યથાવત રખાયા છે.

મામલતદાર વર્ગ-2 કક્ષાના કેટલાક અનુભવી અધિકારીઓને જુનિયર સ્કેલ વર્ગ-1 સંવર્ગમાં પ્રોમોશન આપીને જિલ્લા કક્ષાએ પુરવઠા અધિકારી તથા ડેપ્યુટી કલેક્ટર જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે.

વહીવટ પર શું અસર પડશે?

ગાંધીનગર સચિવાલયમાંથી જારી કરાયેલા આ આદેશથી તમામ 144 અધિકારીઓને તાત્કાલિક ધોરણે પોતાની નવી જગ્યાઓ પર ચાર્જ સંભાળવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારે તાજેતરમાં હાથ ધરેલા આ મોટા વહીવટી બદલાવથી જિલ્લા સ્તરે મહેસૂલી પ્રકરણોનો નિકાલ, જમીન સંપાદનની કામગીરી, જાહેર વિતરણ વ્યવસ્થા અને શહેરી વિકાસના પ્રકલ્પોને વધુ ઝડપી વેગ મળશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

અધિકારીઓના નામ વાંચવા માટે ક્લીક કરો