GAS Officer Compulsory Retirement: ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિના આરોપોનો સામનો કરી રહેલા ઉચ્ચ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. 'ઓપરેશન ગંગાજળ' હેઠળ ગુજરાત વહીવટી સેવાના (GAS) બે અધિકારીઓને સમય પહેલાં નિવૃત્ત કરવામાં આવ્યા છે. જેમાં GSTDREIS, ગાંધીનગરના જોઈન્ટ કમિશનર ડી.આઈ. ભગલાણી અને સફાઈ કામદાર વિકાસ નિગમના મેનેજીંગ ડિરેક્ટર જે.એમ. તુવરનો સમાવેશ થાય છે.
બે GAS અધિકારીને કર્યા ફરજિયાત
ડી.આઈ. ભગલાણી અને જે.એમ. તુવર GAS સિનિયર સ્કેલના અધિકારીઓ છે અને તેમને તેમની નિયમિત નિવૃત્તિ ઉંમર પહેલાં જ સરકારી સેવામુક્ત કરવામાં આવ્યા છે. જે.એમ. તુવરસામે કચ્છમાં ફરજ દરમિયાન ગેરરીતિના સંદર્ભમાં કાર્યવાહી થયેલી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જે. એમ. તુવર મૂળ બનાસકાંઠાના છે, જ્યારે ડીઆઈ ભગલાણી જૂનાગઢના હોવાની માહિતી છે.
IPS જગદીશ પટેલને પણ નોટિસ
આ ઉપરાંત, ભૂતકાળમાં અમરેલીમાં DSP તરીકે ફરજ બજાવી ચૂકેલા IPS અધિકારી જગદીશ પટેલને સમય પહેલાં નિવૃત્ત કરવાની પ્રક્રિયાના ભાગરૂપે નોટિસ આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. બિટકોઇન કૌભાંડના કારણે ચર્ચામાં આવેલા IPS જગદીશ પટેલનું નામ વર્ષ 2017-18 દરમિયાન અમરેલીમાં DSP તરીકે ફરજ બજાવતા સમયે બિટકોઈન સંબંધિત કેસમાં સામે આવ્યું હતું.
આ પ્રકરણમાં અગાઉ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સરકારી સેવામાં પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા હતા. આ કેસમાં તત્કાલીન ધારાસભ્ય સહિત 14 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. હવે તેમને સમય પહેલાં નિવૃત્ત કરવાની દિશામાં નોટિસ આપી છે, પરંતુ તેઓ IPS કેડરના અધિકારી હોવાથી તેમની સામેની અંતિમ કાર્યવાહી કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્ર હેઠળ આવશે કે કેમ, તે સંબંધિત સત્તાવાર પ્રક્રિયા અને આદેશથી સ્પષ્ટ થશે.
'ઓપરેશન ગંગાજળ' હેઠળ કાર્યવાહી
ગુજરાતમાં અગાઉ IAS અધિકારી કે. રાજેશ અને ગૌરવ દહિયા સામે સમય પહેલાં નિવૃત્તિ સંબંધિત કાર્યવાહી થઈ ચૂકી છે. હવે વધુ 2 GAS અધિકારીઓ સામે પગલાં લેવામાં વહીવટી તંત્રમાં આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. નોંધનીય છે કે, 'ઓપરેશન ગંગાજળ' હેઠળ IAS, IPS, GAS, GPS સહિત રાજ્ય કેડરના ક્લાસ-1 અને ક્લાસ-2 ના 81 થી વધુ અધિકારીઓ સામે અત્યાર સુધીમાં કાર્યવાહી કરવામાં આવી છે.
