Gujarat IAS Compulsory Retirement: ગુજરાત સરકારે 'ઓપરેશન ગંગાજળ' હેઠળ એક જ દિવસમાં રાજ્યના બે વિવાદાસ્પદ IAS અધિકારીઓને વયનિવૃત્તિ પહેલાં જ ફરજિયાત નિવૃત્ત (Compulsory Retirement) કરી દીધા છે. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશ અને અધિક વિકાસ કમિશનર ગૌરવ દહિયા સામે સેવા સમીક્ષા બાદ રાજ્ય સરકાર દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરના પૂર્વ જિલ્લા કલેક્ટર કે. રાજેશ
ગુજરાત કેડરના 2011 બેચના IAS અધિકારી કે. રાજેશ છેલ્લા પાંચ વર્ષથી સસ્પેન્શન હેઠળ હતા. તેઓ મૂળ આંધ્રપ્રદેશના વતની છે અને તેમણે પોંડિચેરી સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સમાં B.Tech નો અભ્યાસ કર્યો છે.
UPSC 2010 પરીક્ષામાં 103મો રેન્ક મેળવનાર કે. રાજેશે જૂનાગઢમાં આસિસ્ટન્ટ કલેક્ટર તથા સુરતમાં આસિસ્ટન્ટ કલેક્ટર અને DDO તરીકે ફરજ બજાવ્યા બાદ સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે જવાબદારી સંભાળી હતી. જુલાઈ 2022માં CBI દ્વારા તેમની ધરપકડ કરવામાં આવ્યા બાદ રાજ્ય સરકારે તેમને સસ્પેન્ડ કર્યા હતા.
કે. રાજેશ સામેના મુખ્ય આરોપો અને તપાસ
- હથિયાર લાયસન્સ અને જમીન ફાળવણીમાં ગેરરીતિ: એપ્રિલ 2018 થી જૂન 2021 દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે અયોગ્ય વ્યક્તિઓને હથિયાર લાયસન્સ આપવા, સરકારી જમીનોની ફાળવણી કરવા અને અતિક્રમણ નિયમિત કરવા બદલ કથિત લાંચ લેવાના ગંભીર આરોપ હતા.
- દલાલ રફીક મેમણનું ખાતું અને ખોટા ઈન્વોઇસ: CBI તપાસમાં રૂ. 98 હજારની કથિત લાંચ અને ભેટો રફીક મેમણ નામના મધ્યસ્થીના ખાતામાં જમા થયાના પુરાવા મળ્યા, તેમજ ખોટા ઇન્વોઇસ બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
- ચૂંટણી ખર્ચના ખાતામાં કરોડો રૂપિયા જમા: કે. રાજેશના કાર્યકાળ દરમિયાન સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના ચૂંટણી ખર્ચ ખાતામાં આશરે રૂ. 5 લાખની રકમ અચાનક વધીને રૂ. 5 કરોડ થઈ ગઈ હતી. માઈનિંગ-સેન્ડ ક્વેરી લીઝ અને હથિયાર પરવાના માટે લેવાયેલી લાંચની રકમ આ ખાતામાં જમા કરાતી હોવાનો દાવો હતો.
- CBI FIR અને ED મની લોન્ડરિંગ તપાસ: મે 2022માં CBI દ્વારા FIR નોંધાઈ, જ્યારે ઓગસ્ટ 2022માં ED દ્વારા મની લોન્ડરિંગ (PMLA) હેઠળ તેમની ધરપકડ કરી ઓક્ટોબર 2022માં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
અધિક વિકાસ કમિશનર IAS ગૌરવ દહિયા
ગુજરાત કેડરના 2010 બેચના IAS અધિકારી અને અધિક વિકાસ કમિશનર ગૌરવ દહિયા સામે પણ સરકારે કડક પગલાં ભરીને ઘરભેગા કરી દીધા છે. 1 ઓક્ટોબર 2026ના રોજ સેવા સમીક્ષા બાદ તેમને ફરજિયાત નિવૃત્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગૌરવ દહિયાનો વિવાદ અને આરોપ-પ્રત્યારોપ
- દિલ્હીની મહિલાના ગંભીર આક્ષેપો: વર્ષ 2019માં વિજય રૂપાણી સરકાર સમયે દિલ્હીની લીનુ સિંઘ નામની મહિલાએ આરોગ્ય વિભાગના તત્કાલીન કમિશનર ગૌરવ દહિયા સામે વિમેન સેલમાં ગંભીર અરજી કરી હતી. મહિલાએ આક્ષેપ કર્યો કે પરણિત હોવા છતાં દહિયાએ તેને બીજા લગ્ન કરવા દબાણ કર્યું. સોફ્ટ ડ્રિંકમાં કેફી પદાર્થ ભેળવી અર્ધબેભાન કરી બીભત્સ ફોટા-વીડિયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી 2018માં લગ્ન કર્યા હતા.
- દહિયાની પોલીસ સામે અરજી: ગૌરવ દહિયાએ પણ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં અરજી કરી બચાવ કર્યો કે 2017માં ફેસબુક દ્વારા સંપર્કમાં આવેલી આ મહિલા બ્લેકમેઇલ કરીને નાણાં પડાવતી હતી. દહિયાના જણાવ્યા મુજબ મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કરીને તેમની પ્રથમ પત્ની સાથે છૂટાછેડા લેવડાવ્યા હતા અને દિલ્હીના પોશ વિસ્તારમાં ઘર પણ પડાવી લીધું હતું.
- સસ્પેન્શન અને પુનઃનિયુક્તિ: આ વિવાદ સામે આવ્યા બાદ રાજ્ય સરકારે તપાસ કમિટી બનાવી તેમને સસ્પેન્ડ કર્યા હતા. આશરે ચાર વર્ષના સસ્પેન્શન બાદ જુલાઈ 2023માં સરકારે તેમનું સસ્પેન્શન રદ કરી અધિક વિકાસ કમિશનર તરીકે પુનઃનિયુક્તિ આપી હતી, પરંતુ આખરે સરકારે તેમને ફરજિયાત નિવૃત્ત કરી દીધા છે.
