Gujarat News: અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક બાદ પોલીસ વિભાગ સફાળું જાગ્યું છે. રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. પોલીસ વડાના આદેશથી રાજ્યભરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ એક મોટી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પોલીસ વડાના આદેશ અનુસાર, રાજ્યભરમાં 7612 જેટલા ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં બુટલેગરો, જુગારીઓ, શરીર સંબંધિત ગુનાઓ કરનારાઓ, મિલકત સંબંધિત ગુનાઓ કરનારાઓ અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ કરનારાઓનો સમાવેશ થાય છે.
7612 જેટલા ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા લોકોની યાદી તૈયાર
રાજ્યભરમાં 7612 જેટલા ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં 3246 બુટલેગરો, 516 જુગારી, 2149 શરીર સંબંધી ગુનેગારો, 958 મિલકત સબંધી, 179 માઇનિગ અને 545 અન્ય અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખીને તેમના ગેરકાયદેસર દબાણો, ગેરકાયદેસર વીજ જોડાણો, શંકાસ્પદ આર્થિક વ્યવહારો, તેઓના અનઅધિકૃત નાણાંકીય વ્યવહારોની તપાસ કરવામા આવશે.
આ પણ વાંચો
આ ઉપરાંત રાજ્યમાંથી અમદાવાદ શહેરમાં 25, ગાંધીનગરમાં 6, વડોદરા શહેરમાં 2, સુરતમાં 7 અને મોરબીમાં 12 લોકો સામે પાસા કરવામાં આવ્યા છે. 10 લોકો સામે હદપારી કરવામાં આવી છે, 724 લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, 16 ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને 81 વીજ ચોરીના કનેક્શન દૂર કરવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા આગામી સમયમાં 100 જેટલા પાસા, 120 જેટલી હદપારી, 265 જેટલા અટકાયતી પગલાં, 200 જેટલા ડિમોલિશન અને 225 જેટલા ગેરકાયદેસર વીજ જોડાણો દૂર કરવાની કાર્યવાહી કરશે. પોલીસ દ્વારા કોમ્બિંગ, નાઈટ પેટ્રોલિંગ, રેઈડ, વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ અને ગુનેગારોના જામીન રદ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.
