Local Body By-elections: રાજ્યમાં આગામી 11 ઓક્ટોબર 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકશાહીના આ મહાપર્વમાં દરેક નાગરિક અને શ્રમયોગી પોતાના મતાધિકારનો ઉત્સાહપૂર્વક ઉપયોગ કરી શકે તે માટે શ્રમ નિયામક કચેરી દ્વારા ખાસ આદેશ જારી કરવામાં આવ્યા છે.
કયા વિસ્તારોમાં યોજાશે ચૂંટણી?
રાજ્યના શ્રમ નિયામકશ્રી, ગાંધીનગરની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આ ઉપરાંત ખેરાલુ, છોટાઉદેપુર અને બાયડ નગરપાલિકાની એક-એક બેઠક, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની 1 બેઠક તેમજ પડધરી, સતલાસણા અને હારીજ તાલુકા પંચાયતની 1-1 બેઠક મળીને કુલ 7 બેઠકોની પેટાચૂંટણીઓ પણ યોજાવાની છે. આ તમામ વિસ્તારોમાં તા. 11 ઓક્ટોબર 2026ના રવિવારના રોજ સવારના 7:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
શ્રમયોગીઓ માટે ખાસ રજા કે વૈકલ્પિક વ્યવસ્થા
લોકશાહીના આ પર્વમાં કામદારો કે શ્રમયોગીઓ વંચિત ન રહે તે માટે 'ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમ, 2019' હેઠળ નોંધાયેલી સંસ્થાઓ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. જે વિસ્તારોમાં ચૂંટણી યોજાવાની છે, ત્યાંની સંસ્થાઓ અને એકમોએ પોતાના કર્મચારીઓ કે શ્રમયોગીઓને મતદાન માટે અનુકૂળતા કરી આપવાની રહેશે.
યાદીમાં સ્પષ્ટ જણાવ્યા મુજબ, સંસ્થાઓએ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે કામદારોને વારાફરતી મતદાન કરવા માટે ત્રણ કલાકની ખાસ રજા આપવાની રહેશે. અથવા જો જે તે સંસ્થાને અઠવાડિક રજા હોય અને તે દિવસે એકમ ચાલુ રાખવાનું થાય, તો તેના બદલામાં (અવેજીમાં) મતદાનના દિવસે કર્મચારીઓને રજા આપવાની રહેશે, જેથી લોકશાહીના આ ઉત્સવમાં સૌ કોઈ પોતાની સહભાગિતા નોંધાવી શકે.
