ગુજરાતમાં 'ટુકડા ધારા' સંશોધન વિધેયક પાસ, 75 વર્ષ જૂના પ્રશ્નો ઉકેલાયા, જમીન વ્યવહારો થશે સરળ

ગુજરાત વિધાનસભામાં 'ટુકડા ધારા (સુધારા) વિધેયક 2026' સર્વાનુમતે પસાર થયો છે. હવે 1948થી અત્યાર સુધીના જમીન ટુકડાના ભંગ કોઈ પણ દંડ વગર નિયમબદ્ધ થશે અને શહેરી વિસ્તારો ટુકડા ધારામાંથી સંપૂર્ણ મુક્ત કરાયા છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 11 Sep 2026 11:36 PM (IST)Updated: Fri, 11 Sep 2026 11:36 PM (IST)
gujarat-land-fragmentation-act-amendment-2026-passed-key-changes

Gujarat Tukda Dhara Amendment 2026: આઝાદી પછી પ્રથમવાર રાજ્ય સરકાર દ્વારા ‘ગુજરાત ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ કરવા બાબતનો (સુધારા) વિધેયક, 2026’ વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. મહેસૂલ મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં આ વિધેયક રજૂ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ 'ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ' અને 'ઇઝ ઓફ લિવિંગ'ના સંકલ્પને સાકાર કરવા આ ક્રાંતિકારી પગલું લેવામાં આવ્યું છે.

દંડ વગર જૂના કેસો રેગ્યુલાઈઝ થશે

અગાઉ જંત્રીના 10 ટકા પેનલ્ટી ભર્યા પછી પણ જમીન વ્યવહારો કાયદેસર થતા ન હતા અને તે 'ફોક' ગણાતા હતા, જેના કારણે રેવન્યુ કોર્ટમાં વર્ષોથી કેસો પેન્ડિંગ રહેતા હતા. સરકારના આ નવા સુધારાથી 1948થી નવા કાયદાના અમલ સુધીના તમામ ભંગને વગર દંડે 'રેગ્યુલાઈઝ' કરવામાં આવશે. આનાથી હજારો 'બોનાફાઇડ' ખરીદદારોના જમીન ટાઇટલ ક્લિયર થશે અને લાખો ખેડૂતો તેમજ મિલકતધારકોને મોટી રાહત મળશે.

ગ્રામીણ વિસ્તારો માટે એકસમાન '10 ગુંઠા'નો નિયમ

અગાઉ પિયત, બિનપિયત, બાગાયત અને જીરાયત જમીન માટે ટુકડાના માપદંડો અલગ-અલગ હોવાને કારણે ખેડૂતોમાં ભારે મૂંઝવણ રહેતી હતી. આ જટિલતાને કાયમી ધોરણે દૂર કરવા માટે રાજ્ય સરકારે કલમ-5(4) હેઠળ તમામ લોકલ એરિયા માટે લઘુત્તમ ક્ષેત્રફળ 10 ગુંઠા (1012 ચો.મી.) નક્કી કર્યું છે. હવેથી 10 ગુંઠાથી ઓછો ટુકડો પાડી શકાશે નહીં, જે ખેતીની વાયબિલિટી અને ગુણવત્તા જાળવી રાખવામાં મદદરૂપ બનશે.

શહેરી વિસ્તારો ટુકડા ધારામાંથી સંપૂર્ણ મુક્ત

આ સુધારાની સૌથી મોટી વિશેષતા એ છે કે રાજ્યના તમામ મ્યુનિસિપલ વિસ્તારો, કોર્પોરેશન એરિયા, અર્બન ઓથોરિટી અને ડેવલપમેન્ટ ઓથોરિટીના વિસ્તારોને 'ટુકડા ધારા'ની વ્યાપ્તિમાંથી સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી શહેરી વિસ્તારોમાં બિનખેતી (NA)ની પ્રક્રિયા, બાંધકામ પરવાનગી અને પ્રોપર્ટીની લે-વેચના વ્યવહારો અત્યંત ઝડપી અને પારદર્શક બનશે.

વહીવટી પ્રક્રિયાને સરળ બનાવી ભ્રષ્ટાચારને નાથવા માટે લાવવામાં આવેલા આ પ્રજાલક્ષી કાયદાથી રાજ્યના સર્વાંગી વિકાસને વેગ મળશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.