રાજ્યના 2900થી વધુ ગ્રામસેવકોના પ્રવાસ ભથ્થામાં રૂ. 850નો વધારો, હવે માસિક રૂ. 2700 મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના 2900થી વધુ ગ્રામસેવકોનું માસિક પ્રવાસ ભથ્થું રૂ. 1850થી વધારીને રૂ. 2700 કરવામાં આવ્યું છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 21 Oct 2026 09:06 PM (IST)Updated: Wed, 21 Oct 2026 09:06 PM (IST)
gujarat-hikes-gram-sevak-travel-allowance-to-2700
(AI Image)

Gujarat Govt Cabinet Decision: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં ગ્રામીણ વિસ્તારોમાં ખેતીવાડી અને કૃષિ યોજનાઓનું અસરકારક અમલીકરણ કરતા ગ્રામસેવકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના કૃષિ વિભાગ હેઠળ ફરજ બજાવતા ગ્રામસેવકોના માસિક પ્રવાસ ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

માસિક પ્રવાસ ભથ્થામાં રૂ. 850નો વધારો

આ નિર્ણય અંગેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કૃષિ વિભાગ હેઠળ હાલ આશરે 2900 જેટલા ગ્રામસેવકો કાર્યરત છે. સરેરાશ એક ગ્રામસેવકને પોતાના ફાળવેલા સેજામાં 4 થી 5 ગ્રામ પંચાયતોના ગામો અથવા અમુક વિસ્તારોમાં તેથી પણ વધુ ગામોમાં સતત ક્ષેત્રિય પ્રવાસ કરવાનો રહે છે. આ બાબતને ધ્યાને રાખીને, ગ્રામસેવકોને અગાઉ મળતા માસિક રૂ. 1850ના પ્રવાસ ભથ્થામાં રૂ. 850નો વધારો કરીને માસિક રૂ. 2700 કરવાનો પ્રોત્સાહક નિર્ણય કરવામાં આવ્યો છે.

સરકાર અને ખેડૂતો વચ્ચેની કડીરૂપ ભૂમિકા

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક એ રાજ્ય સરકાર અને ખેડૂતો વચ્ચેની કડીરૂપ પાયાના કર્મચારી છે. રાજ્યમાં ખાતેદાર ખેડૂતોની સંખ્યામાં સતત વધારો થયો છે. ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓ અને સહાયનો લાભ સરળતાથી મળે તે માટે ગ્રામસેવકો નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે.ડિજિટલ સર્વેથી લઈને આપત્તિ વ્યવસ્થાપન સુધી ગ્રામસેવકોની ભૂમિકા વિસ્તરી છે, ત્યારે તેમણે વધુમાં ઉમેર્યું કે, વર્તમાન સમયમાં ગ્રામસેવકોની કામગીરીનો વ્યાપ ઘણો વધ્યો છે.

ડિજિટલ ખેતી સર્વે: પાકના વાવેતર તથા ઉત્પાદનના અંદાજ માટે મોબાઈલ એપ મારફતે ડિજિટલ સર્વે કરવો.

PM-Kisan e-KYC: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોનું e-KYC પૂર્ણ કરાવવું.

કુદરતી આપત્તિમાં સહાય: અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદ સમયે ખેતરોમાં રૂબરૂ જઈ સર્વે કરી ખેડૂતોને માર્ગદર્શન આપવું.

યોજનાકીય પ્રચાર: કૃષિ મહોત્સવ, ટેકાના ભાવે ખરીદી અને પ્રાકૃતિક કૃષિ ઝુંબેશ માટે ગામડાઓમાં ખેડૂતોનો સતત સંપર્ક કરવો.

લાખો ખેડૂતોને થશે સીધો ફાયદો

રાજ્ય સરકારના આ નિર્ણયથી ક્ષેત્રિય કક્ષાએ કામ કરતા ગ્રામસેવકોનું મનોબળ વધશે અને તેમની કામગીરી વધુ ઝડપી તથા સુચારુ બનશે, જેનો સીધો લાભ રાજ્યના લાખો ખેડૂતોને મળશે.