Free sanitary napkins for Govt School Girls: ગુજરાતની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓના સ્વાસ્થ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે રાજ્યની સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતી 10 લાખથી વધુ દીકરીઓ માટે મફત સેનેટરી નેપકીન વિતરણ યોજના અંતર્ગત રૂ. 46.68 કરોડનું બજેટ મંજૂર કર્યું છે.
યોજનાની મુખ્ય વિગતો અને બજેટ
મફત સેનેટરી નેપકીન વિતરણ યોજના હેઠળ ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતી દીકરીઓને દર મહિને રૂ. 30 લેખે વાર્ષિક રૂ. 360 ના ઉચ્ચ ગુણવત્તા યુક્ત ઓક્સો-બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકીન વિનામૂલ્યે પૂરા પાડવામાં આવશે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવા અને શાળામાં દીકરીઓની હાજરી વધારવાનો છે.
મહિલા શિક્ષકો બનશે ‘નોડલ શિક્ષક’
ગુજરાતની સરકારી શાળાઓમાં આ યોજનાના સુચારુ અમલીકરણ માટે શિક્ષણ વિભાગે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. દરેક શાળામાં એક મહિલા શિક્ષકને ‘નોડલ શિક્ષક’ તરીકે જવાબદારી સોંપવામાં આવશે, જેથી વિદ્યાર્થિની કોઈ પણ સંકોચ વગર નેપકીન મેળવી શકે.
નોડલ શિક્ષક દ્વારા કન્યાઓને શારીરિક સ્વચ્છતા અને માસિક ધર્મ વિશે વૈજ્ઞાનિક માહિતી આપીને તેમના મનમાંથી ડર અને ગેરમાન્યતાઓ દૂર કરવામાં આવશે. દીકરીઓ શરમ કે ખચકાટ અનુભવ્યા વિના આરામદાયક વાતાવરણમાં આ સુવિધાનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા શાળામાં જ કરવામાં આવશે.
પર્યાવરણ અને આરોગ્યનું જતન થશે
આ યોજનામાં પર્યાવરણનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. વિતરણ કરવામાં આવનાર નેપકીન ઈકો-ફ્રેન્ડલી અને ઓક્સો-બાયોડિગ્રેડેબલ હશે. આ ઉપરાંત, વપરાયેલા નેપકીનનો નિકાલ 'સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2016' મુજબ કરવાનો રહેશે. શાળામાં ઉપલબ્ધ ઇન્સિનરેટર (બાળવાની ભઠ્ઠી) મશીનોને પણ કાર્યરત રાખવા સૂચના આપી છે.
નારી સશક્તિકરણ તરફ મોટું પગલું
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાના નેતૃત્વમાં આ પહેલ 'બેટી બચાવો, બેટી પઢાવો' સંકલ્પને સાકાર કરે છે. અસ્વચ્છ કાપડના વપરાશથી થતા ઈન્ફેક્શન અને ગંભીર રોગો સામે દીકરીઓને રક્ષણ મળશે. મુખ્યત્વે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારની ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓ માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થશે અને તેમનો શિક્ષણ પ્રત્યે આત્મવિશ્વાસ વધારશે.
