BLO અને સુપરવાઈઝરો માટે મોટા સમાચાર, મતદારયાદી સુધારણા કામગીરી બદલ સરકારે મંજૂર કર્યું રૂપિયા 6,000 સુધીનું ખાસ ભથ્થું

મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ 2026 માટે BLO ને ₹4,000 અને સુપરવાઈઝરને ₹6,000 નું ખાસ ભથ્થું ચૂકવવાનો ગુજરાત સામાન્ય વહીવટ વિભાગે હુકમ કર્યો છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 17 Aug 2026 05:29 PM (IST)Updated: Mon, 17 Aug 2026 05:29 PM (IST)
gujarat-govt-approves-rs-6000-special-allowance-for-blos-and-supervisors

BLO Special Allowance 2026: રાજ્યમાં મતદારયાદીને સંપૂર્ણપણે અદ્યતન, ક્ષતિરહિત અને વિશ્વસનીય બનાવવા માટે દિવસ-રાત મહેનત કરતા બુથ લેવલ અધિકારીઓ (BLO) અને BLO સુપરવાઈઝરો માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

સામાન્ય વહીવટ વિભાગ (ચૂંટણી પ્રભાગ) દ્વારા આ કર્મચારીઓને તેમના નિયમિત વાર્ષિક માનદ વેતન ઉપરાંત એક વખતનું (One-time) ખાસ ભથ્થું ચૂકવવાનો સત્તાવાર હુકમ (Letter No: GAD/0486/08/2026) બહાર પાડવામાં આવ્યો છે.

કોને કેટલી રકમ મળશે?

ચૂંટણી પંચની સૂચના મુજબ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2026 હેઠળ કામગીરી કરનાર સ્ટાફને એક વખતનું ભથ્થું ચૂકવવામાં આવશે-

બી.એલ.ઓ. (BLO): અગાઉ રૂ. 2,000નું ભથ્થું ચૂકવાયેલ હોવાથી, હવે બાકીનું રૂ. 4,000નું ખાસ ભથ્થું મળશે.

બી.એલ.ઓ. સુપરવાઈઝર: એકમુશ્ત રૂ. 6,000નું ખાસ ભથ્થું ચૂકવવામાં આવશે.

ચુકવણી માટેની મુખ્ય શરતો

સરકારી ઠરાવ મુજબ આ વિશેષ ભથ્થું મેળવવા માટે કેટલીક સ્પષ્ટ શરતો પણ નક્કી કરવામાં આવી છે, જે અંતર્ગત મદદનીશ મતદાર નોંધણી અધિકારી દ્વારા કર્મચારીની કામગીરી ચકાસવામાં આવશે. ચૂંટણી પંચના ધોરણો મુજબ કામગીરી યોગ્ય જણાશે તો જ ભથ્થાની રકમ મંજૂર થશે.
એકસાથે ચુકવણી: વાર્ષિક માનદ વેતનની કુલ રકમ કર્મચારીઓને એકસાથે ચૂકવવાની રહેશે. જો ખાસ સુધારણા કાર્યક્રમ દરમિયાન કોઈ અધિકારી કે કર્મચારીની બદલી થઈ હોય અથવા ફરજમુક્ત કરાયા હોય, તો તેમણે બજાવેલા દિવસોના આધારે પ્રમાણસર (Proportionate) ભથ્થું મળશે.

નાણાકીય જોગવાઈ અને મંજૂરી

આ નિર્ણય માટે નાણા વિભાગ દ્વારા તા. 23/07/2026 અને રાજ્ય સરકાર દ્વારા તા. 10/08/2026ના રોજ અંતિમ અનુમતિ આપવામાં આવી હતી.

રાજ્યપાલશ્રીના હુકમથી ઉપ સચિવ કે. કે. વ્યાસ દ્વારા બહાર પાડવામાં આવેલા આ પરિપત્રની નકલ તમામ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મતદાર નોંધણી અધિકારીઓ, તમામ જિલ્લા તિજોરી કચેરીઓ તેમજ એકાઉન્ટન્ટ જનરલ (અમદાવાદ/રાજકોટ)ને આગળની કાર્યવાહી માટે રવાના કરી દેવામાં આવી છે.