GAD Resolution: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સીધી ભરતી અને કર્મચારીઓ માટે પ્રમોશન (બઢતી)ના નિયમોને વધુ સ્પષ્ટ અને પારદર્શક બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ સુધારા ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. 15 ઓક્ટોબર, 2026ના રોજ સેક્શન અધિકારી પિન્કી પટેલ દ્વારા રાજ્યપાલશ્રીના હુકમથી બહાર પાડવામાં આવેલા આ ઠરાવ ક્રમાંક ‘સીઆરઆર-11-2016-609435-RR Cell’ અંતર્ગત વર્ગ-1 થી વર્ગ-3 ના મોડેલ ફોર્મ્સમાં કેટલીક ખાસ શરતો બદલવામાં આવી છે.
14 ફેબ્રુઆરી, 2019ના મૂળ ઠરાવમાં સુધારો
સરકાર દ્વારા 14 ફેબ્રુઆરી, 2019ના રોજ જાહેર કરાયેલા ઠરાવ અંતર્ગત ભરતી નિયમોની દરખાસ્ત ઘડતી વખતે ધ્યાને લેવાની વિગતો અને વર્ગ-1 થી વર્ગ-3 ની જગ્યાઓ માટે મોડેલ ફોર્મ્સ (Model Form-1 થી Model Form-4) નિયત કરવામાં આવ્યા હતા. વર્તમાન સમયની જરૂરિયાતો અને વહીવટી સરળતાને ધ્યાનમાં રાખીને, સરકારશ્રી દ્વારા આ નિયમોમાં ફેરફાર કરવાની વિચારણા હાથ ધરવામાં આવી હતી, જેના અંતર્ગત આ નવો સુધારા ઠરાવ અમલી બનાવવામાં આવ્યો છે.
સીધી ભરતી માટે અનુભવની શરતોમાં સુધારો
અગાઉ સીધી ભરતીના મોડેલ ફોર્મ્સના નિયમ-4(d)(i) અને (ii)ની જોગવાઈમાં અનુભવ માટે “have about” શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હતો. નવા સુધારા મુજબ, હવે તેની જગ્યાએ “have at least” (ઓછામાં ઓછો) શબ્દો રાખવામાં આવ્યા છે. આ ફેરફારથી ઉમેદવાર પાસે જરૂરી ન્યૂનતમ અનુભવની સ્પષ્ટતા અને પારદર્શકતા રહેશે.
સમાન ફરજો અને જવાબદારીઓનો માપદંડ
નિયમ-4(d)(ii) હેઠળ અગાઉ “on the post which can be considered equivalent to the post not below the rank of” શબ્દોનો ઉપયોગ થતો હતો. તેની જગ્યાએ હવે “on the post which have duties and responsibility equivalent to” મુજબનો સુધારો કરવામાં આવ્યો છે. એટલે કે, અનુભવ મૂલવતી વખતે માત્ર હોદ્દા કે રેન્કની સરખામણી કરવાને બદલે તે હોદ્દાની ફરજો અને જવાબદારીઓ સમાન છે કે કેમ તેને પ્રાધાન્ય આપવામાં આવશે.
માન્ય સંસ્થાઓમાં કો-ઓપરેટિવ સોસાયટીનો સમાવેશ
સરકારી ભરતીમાં સીધી ભરતી માટે ગણતરીમાં લેવાતા અનુભવ માટે માન્ય સંસ્થાઓની યાદીમાં સુધારો કરાયો છે. હવેથી અનુભવની પાત્રતા માટે “Co-operative Society/Co-operative Society (Registered under central or State act)” શબ્દો ઉમેરવામાં આવ્યા છે. આ નિર્ણયથી કેન્દ્ર અથવા રાજ્ય એક્ટ હેઠળ રજિસ્ટર્ડ થયેલી સહકારી મંડળીઓમાં કામ કરવાનો அனுபવ ધરાવતા ઉમેદવારો માટે સરકારી નોકરી માટેની તકો ખુલશે.
રજિસ્ટ્રેશનની જોગવાઈઓમાં સ્પષ્ટતા
નિયમ-10 હેઠળ સીધી ભરતીથી નિમણૂંક પામતા ઉમેદવારો માટે રજિસ્ટ્રેશનની પ્રવર્તમાન જોગવાઈમાં ફેરફાર કરાયો છે-
અરજીની છેલ્લી તારીખ સુધીમાં અરજી: ઉમેદવારે પોતાની અરજીની અંતિમ તારીખ સુધીમાં સંબંધિત સંસ્થા કે એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન માટે અરજી કરી દીધેલી હોવી જરૂરી રહેશે.
નિમણૂંક સમયે પ્રમાણપત્ર ફરજિયાત: નિમણૂંક વખતે સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. જો આ પ્રમાણપત્ર રજૂ નહીં કરાય તો ઉમેદવાર નિમણૂંક માટે અપાત્ર ગણાશે.
(નોંધ: જે જગ્યાઓ માટે વિશેષ રજિસ્ટ્રેશન કાયદાકીય રીતે જરૂરી હોય, ત્યાં જ આ શરત લાગુ પડશે.)
પ્રમોશન (બઢતી) માટે ‘Good’ અને ‘Very Good’ બેન્ચમાર્ક નક્કી
કર્મચારીઓના પ્રમોશન અને બઢતીના નિયમોમાં પણ મહત્ત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે-
Model Form-1 અને Model Form-2 [નિયમ-2(A)(a)]: પ્રમોશન માટે અગાઉ રહેલા “of proved merit and efficiency” શબ્દોના સ્થાને હવે 'Good' benchmark નક્કી કરવામાં આવ્યો છે, જે 'ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967'ના ધોરણો મુજબ રહેશે.
Model Form-4 [નિયમ-2(a)]: અહીં પણ અગાઉના કમ્પેરેટિવ સિનિયરિટીના શબ્દો દૂર કરીને તેની જગ્યાએ 'Very Good' benchmark અમલમાં મૂકવામાં આવ્યો છે.
તમામ વિભાગોને સુધારા કરવાની સૂચના
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સચિવાલયના તમામ વિભાગોને આ સુધારા ઠરાવને ધ્યાનમાં રાખીને તેમના હસ્તકના સંબંધિત સંવર્ગોના ભરતી નિયમો (Recruitment Rules) માં જરૂરી ફેરફારો અને દરખાસ્તો તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. આ ઠરાવની નકલો તમામ ઉચ્ચ સચિવો, બોર્ડ-નિગમો, GPSC, GSSSB અને પંચાયત સેવા પસંદગી મંડળ સહિત સંબંધિત કચેરીઓને રવાના કરી દેવામાં આવી છે.
