ગુજરાત સરકારનો મોટો નિર્ણય: સરકારી અધિકારીઓ માટે વાહન ખરીદી નીતિમાં મોટા સુધારા, હવે EV અને Thar ખરીદી શકાશે!

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે સરકારી વાહન ખરીદી નીતિને સમયની જરૂરિયાત અને સરકારી કામગીરીના બદલાતા સ્વરૂપને અનુરૂપ વધુ વ્યાપક બનાવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 12 Oct 2026 12:07 PM (IST)Updated: Mon, 12 Oct 2026 12:07 PM (IST)
gujarat-government-vehicle-policy-reform-new-rules-announced-for-field-inspection-and-enforcement

Gujarat Government Revised Vehicle Policy 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે સરકારી વાહન ખરીદી નીતિને સમયની જરૂરિયાત અને સરકારી કામગીરીના બદલાતા સ્વરૂપને અનુરૂપ વધુ વ્યાપક બનાવી છે.

વર્ષ 2023માં અમલમાં આવેલી વાહન ખરીદ નીતિમાં મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કક્ષાના અધિકારીઓ, વિભાગોના વડાઓ અને સરકારી કચેરીઓ માટે અલગ-અલગ કૅટેગરીઓ નક્કી કરવામાં આવી હતી. હવે વર્ષ 2026માં તાજેતરમાં જ કરવામાં આવેલા સુધારા દ્વારા આ માળખાને વધુ આગળ લઈ જઈ ફીલ્ડ ઇન્સ્પેક્શન, એન્ફોર્સમેન્ટ અને ઑફ-રોડ કામગીરી માટે બે નવી કૅટેગરી ઉમેરવામાં આવી છે.

વાહન ખરીદ નીતિની મહત્વની વિશેષતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ જાહેર કરાયેલી સુધારેલી વાહન ખરીદી નીતિની મહત્વની વિશેષતા એ છે કે, ઇલેક્ટ્રિક વાહનો (ઈ-વ્હિકલ)ને પણ સરકારી વાહન ખરીદીના નવા વિકલ્પોમાં વધુ સ્પષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. કૅટેગરી-Fમાં Mahindra XUV400 EL Pro 39.4 kWh અને Tata Nexon EV Creative 45 જેવા EV મોડલનો સમાવેશ કરાયો છે.

એટલે 2023માં કૅટેગરી-D અને કૅટેગરી-Eમાં Tata Tigor EVને સ્થાન આપ્યા બાદ 2026માં EVનો વિકલ્પ ફીલ્ડ ઇન્સ્પેક્શનની નવી કૅટેગરી સુધી વિસ્તર્યો છે. 2023ની નીતિમાં પણ કૅટેગરી-D અને Eમાં Tata Tigor EVનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

2023ની નીતિમાં છ કૅટેગરીઓનું માળખું

11 એપ્રિલ 2023ની નીતિ અગાઉની 2019ની નીતિના સ્થાને અમલમાં આવી હતી. જૂના કેટલાક વાહનોનું ઉત્પાદન બંધ થવું અને બજારમાં નવી ટેક્નોલોજી ધરાવતા વાહનો ઉપલબ્ધ થવાને કારણે આ સુધારો કરવામાં આવ્યો હતો. 2023માં કૅટેગરી-Aથી કેટેગરી-E સુધીની છ મુખ્ય કૅટેગરીઓ દ્વારા પદ અને જવાબદારી પ્રમાણે વાહનો નક્કી કરવામાં આવ્યા હતા.

કૅટેગરી-Aમાં મંત્રીઓ અને મુખ્ય સચિવ, A1માં VVIP State Guests, Bમાં વિવિધ બંધારણીય સંસ્થાઓ, બોર્ડ-કોર્પોરેશન વગેરેના વડાઓ, Cમાં કલેક્ટર-DDO-SP સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓ, Dમાં ખાતાના વડા અને સમકક્ષ અધિકારીઓ તથા Eમાં સરકારી કચેરીઓ માટે સ્ટાફ કારની જોગવાઈ હતી.

2026માં ફીલ્ડ ઇન્સ્પેક્શન અને એન્ફોર્સમેન્ટ માટે વાહનોની ખરીદી

2026ના સુધારાની સૌથી મહત્વની નવી જોગવાઈ કૅટેગરી-F – Field Inspection/Enforcement Vehicles છે. આ કૅટેગરીમાં Mahindra Scorpio N Z4 4X4, Mahindra Thar Roxx MX5, Mahindra Bolero Neo N10 (O), Kia Carens Clavis HTE (O), Maruti Suzuki Ertiga ZXI Plus, Toyota Rumion V, Mahindra XUV400 EL Pro 39.4 kWh – E-Vehicle, Tata Nexon EV Creative 45 – E-Vehicleનો સમાવેશ કરાયો છે.

ખાસ નોંધપાત્ર બાબત એ છે કે, નવી ફીલ્ડ કેટેગરીમાં જ બે ઇલેક્ટ્રિક વાહનોને સ્પષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. એટલે સરકારની વાહન નીતિમાં EVનો ઉપયોગ માત્ર સામાન્ય સરકારી કચેરીના વાહન સુધી મર્યાદિત ન રહી, હવે ફીલ્ડ ઇન્સ્પેક્શન અને એન્ફોર્સમેન્ટ જેવા ઉપયોગોમાં પણ EV વિકલ્પ ઉપલબ્ધ બન્યો છે. આ બાબત ગુજરાતના સ્વચ્છ અને વધુ ટકાઉ પરિવહન તરફના અભિગમ સાથે પણ સુસંગત છે. ગુજરાતની અગાઉની EV નીતિનો પણ એક મુખ્ય ઉદ્દેશ રાજ્યના પરિવહન ક્ષેત્રને ઇલેક્ટ્રિક મોબિલિટી તરફ લઈ જવાનો રહ્યો છે

કૅટેગરી-F1 : ઓફ-રોડ ફરજ બજાવતા અધિકારીઓ માટે ખાસ વ્યવસ્થા

2026ની બીજી નવી કૅટેગરી છે કૅટેગરી-F1 – Officers on Off Road Duties. આ કૅટેગરી ખાસ કરીને ગૃહ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, મહેસૂલ વિભાગ જેવા વિભાગોના ઑફ-રોડ ફરજ બજાવતા અધિકારીઓ માટે લાગુ કરવામાં આવી છે.

કૅટેગરી-F1માં કૅટેગરી-Fના તમામ વાહનો ઉપરાંત Tata Yodha Pickup, Isuzu V-Cross 4WD Z, Mahindra Bolero Pick-Up 4WD, Mahindra Bolero Camper Gold RX 4WD જેવા વધુ વિશેષ ઑફ-રોડ વાહનોનો સમાવેશ કરાયો છે. આ જોગવાઈથી વન વિસ્તાર, અંતરિયાળ પ્રદેશો, કાચા રસ્તા, ખનિજ વિસ્તારો, બાંધકામ અને વિકાસ પ્રોજેક્ટ સાઇટ્સ તથા અન્ય મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિમાં ફરજ બજાવતા અધિકારીઓ માટે વાહન પસંદગી વધુ વ્યવહારુ બની છે.

EVને પ્રોત્સાહન : 2023થી 2026 સુધીનો સ્પષ્ટ વિસ્તરણ

2023ની નીતિમાં જ EV તરફનો અભિગમ જોવા મળતો હતો. કૅટેગરી-D અને કૅટેગરી-Eમાં Tata Tigor EV XEનો સમાવેશ કરાયો હતો. અમદાવાદ-ગાંધીનગર અથવા 50 કિમીની મર્યાદામાં કામગીરી કરતા ચોક્કસ અધિકારીઓને સમાન કૅટેગરી અને કિંમતનું EV પસંદ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો. 2026માં આ અભિગમને વધુ વિસ્તૃત કરવામાં આવ્યો છે.

હવે કૅટેગરી-Fમાં Mahindra XUV400 અને Tata Nexon EV જેવા વધુ નવા EV મોડલનો સમાવેશ થયો છે. આથી 2023ની સરખામણીએ 2026ની નીતિમાં EVને વધુ આધુનિક અને કામગીરીલક્ષી વિકલ્પ તરીકે આગળ લાવવામાં આવ્યો છે. સરકારી વાહન કાફલામાં ઇલેક્ટ્રિક વાહનોનો વ્યાપ વધારવા માટે આ જોગવાઈને મહત્વપૂર્ણ પગલું કહી શકાય.